અમુક પ્રશ્નો પૂછવામાં જ સિરિયસ લાગે છે ! બાકી જવાબ મળે ત્યારે આપણને ફની લાગે છે…
***
આપણને લાખોપતિ અને કરોડપતિ થવાના આશીર્વાદ આપનારા ભિખારીઓ પોતે કેમ સાવ ગરીબ હોય છે ?
કારણકે તેમની આગળ કોઈ ભીખ માગવા જતું જ નથી… તો એમને આશીર્વાદ કોણ આપે ?
***
દુનિયામાં સૌથી ખતરનાક જગા કઈ છે ?
- પથારી… કારણકે દુનિયાના 90 ટકા લોકો પથારીમાં જ મરી જતા હોય છે.
***
ડોક્ટરોને ખુદને બિમારી થઈ જાય છે એનું કારણ શું?
- અરે ભાઈ, સાધુ-બાવાઓ સેક્સ-કાંડમાં શી રીતે ફસાઈ જાય છે ?
***
જે લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લે છે, કસરત કરે છે, પ્રાણાયામ કરે છે, પરેજી કરે છે, ઉપવાસ કરે છે, વ્યસનોથી દૂર રહે છે, સાદું જીવન જીવે છે… એ બધા મોત વખતે ખુશ હશે ને?
- ના રે, કારણકે એ બધા કોઈ ‘કારણ વિના’ મરી જવાના છે !
***
માણસે હવામાન પાસેથી શું શીખવા જેવું છે ?
- સીધી વાત છે. હવામાન કદી કોઈ ટીકાકારોને ભાવ જ નથી આપતું !
***
શાકાહારી લોકો કહે છે કે જો ગાય, ભેંશ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓ માત્ર ઘાસ ખાઈને આટલાં મજબૂત બની શકે છે તો માણસે માંસાહાર કરવાની શી જરૂર છે ?
- અરે યાર, માણસોને છોડો, પેલા વાઘ, સિંહ, દિપડા, ચિત્તા વગેરે પ્રાણીઓ આ વાત કેમ નથી સમજતા ? એમને જઈને સમજાવો ને !
***
આખી દુનિયામાં ગ્રાહક સૌથી વધારે ક્યાં છેતરાય છે ?
- શાળા-કોલેજોમાં !
કારણકે અહીં ભણવાનું ગ્રાહકે, યાદ રાખવાનું ગ્રાહકે, મહેનત ગ્રાહકે કરવાની, પરફોર્મન્સ ગ્રાહકે બતાડવાનો અને જો તે નિષ્ફળ જાય તો ય વાંક તો ગ્રાહકનો જ !
અને હા, પૈસા પાછા મળતા નથી.
કોઈ ‘સ્પેર-પાર્ટ’ બદલી આપવામાં આવતા નથી
અને ‘ગેરંટી’ તો કોઈ વાતની નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment