કરજ-માફીનાં શબ્દ કાર્ટૂનો... !


એક ખેડૂત ફાંસીનો ગાળિયો બનાવીને આત્મહત્યા કરવાની તૈયારીમાં છે. ત્યાં એક પત્રકાર આવીને કહે છે :

“ભાઈ, શા માટે આત્મહત્યા કરો છો ? હવે તો તમારા માટે આખું અર્થતંત્ર આત્મહત્યા કરવા તૈયાર છે !”

***

એક સહકારી બેન્કમાં એક ખેડૂત આવ્યો છે. તે મેનેજરને કહે છે :

“હું તો લોનનો હપ્તો ભરવા જ આવ્યો હતો… પણ હવે સમાચાર સાંભળીને થાય છે કે બીજી બે-ચાર નવી લોનો જ લઈ લઉં…”

***

એ તો કંઈ નથી… આ જુઓ.

બીજી એક બેન્કમાં આઠ-દસ બુકાનીધારી ડાકુઓ બંદૂકો ધરીને મેનેજરને ઘેરીને ઊભા રહી ગયા છે ! ડાકુઓનો સરદાર મેનેજરને કહે છે :

“સાહેબ, વિચાર તો બેન્ક લૂંટવાનો જ હતો.. પણ હવે નક્કી કર્યું છે કે થોડી કિસાન-લોનો લઈ લઈએ… સરખું જ છે ને !”

***

આ ખેડૂત વધારે ચાલાક છે…

તે એના ગામની નિશાળના માસ્તરને કહે છે :

“માસ્તર સાહેબ, મારી ખેતીની જમીનો તો મેં ભાડા-પટ્ટે આપી દીધી. બસ, હવે બારે મહિના કરજ લેવાનો ધંધો જ કરવો છે !”

***

જરા એક મિનિટ અહીં જુઓ. આ ખેડૂતો બિચારા શ્રધ્ધાળુ છે..

વીસ-પચ્ચીસ ખેડૂતો ભેગા થયા છે. સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે :

“હે ભગવાન ! આવનારાં ચાર-પાંચ વરસ દુકાળ જ પાડજે ! જેથી ફટાફટ લોનો પણ મળે અને સટાસટ કરજ માફી પણ થઈ જાય… સાલી, ખેતરો ખેડવાની જફા જ નહીં !”

***

એક પેન્ટ-શર્ટ અને ટાઈ પહેરેલો આધેડ વયનો માણસ બેન્કમાં આવીને મેનેજરને કહે છે :

“સાહેબ, હું ટાલ ઉપર વાળ ઉગાડવાની દવા વેચું છું ! મને પણ ખેડૂત ગણીને કરજ આપો ને ?”

***

એક ટેણિયું બેન્ક મેનેજર સામે બાંયો ચડાવીને ઊભું છે. એ કહે છે :

“અમારા ઘરમાં મચ્છર, માખી, માંકડ, વંદા બહુ વધી ગયા છે ! મારી મમ્મીએ કહેવડાવ્યું છે કે અમને જંતુનાશક દવાઓ ખરીદવા માટે તાત્કાલિક લોન આપો !”

***

અને છેલ્લે… એક મલ્ટિપ્લેક્સ ઉપર બોર્ડ લાગ્યું છે : COMING SOON… ‘સાત કર્ઝ માફ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments