ફિલ્મી મેરેજોના બોધ...!


વડીલો કહે છે કે આ બધા મોટા મોટા ફિલ્મસ્ટારોનાં લગન થયાં એમાં આપણે શું લેવાનું ?

તો અમે કહીએ છીએ કાકા, આપણે તો એમાંથી ‘બોધ’ લેવાનો હોય કે ફિલ્મસ્ટારો કરતાં આપણે લોકો વધારે સુખી છીએ ! જુઓ કઈ રીતે…

***

આ ફિલ્મસ્ટારો માત્ર બે-ત્રણ ડઝન મહેમાનોને બોલાવીને કેમ ગુપચુપ લગન પતાવી દે છે ? કારણ કે બોસ, મોંઘવારી તો એમને ય નડે છે !

***

અરે, બિચારાઓને લગ્ન પતે કે તરત પાછા કામે લાગી જવું પડે છે… હનીમૂનના પૈસા ભેગા કરવા માટે !

***

ફિલ્મસ્ટારો કરતાં આપણો જ વધારે વટ છે કારણકે એ બિચારાઓ તો રોડ ઉપર વરઘોડા પણ કાઢી શકતા નથી ! ચલો ભઈ, બાજુ… બાજુ…

***

એમના લગનમાં ડીજે-બીજે બી નંઈ ! નાગિન ડાન્સ પણ કોઈ ના કરે !.... તો બોલો, વધારે જલ્સા કોણ કરે છે ? આપણે જ ને…

***

બિચારા ફિલ્મ-સ્ટારોનું ‘પ્રિ-વેડિંગ’ શૂટ પણ ક્યાં થાય છે ? છેવટે પોતાની ફિલ્મોનાં ગાયનોને ‘પ્રિ-વેડિંગ’ તરીકે જોઈને સંતોષ માનવો પડે છે…

***

અરે, સંગીત સંધ્યા અને ગરબા વગેરે પણ એમની ફિલ્મોમાં જ હોય ! અહીં જો A R રહેમાનનું ઓરકેસ્ટ્રા અને હનીસિંઘને બોલાવે તો પોષાય જ નહિ ને !

***

અચ્છા, એમનાં મેરેજોમાં સલમાન અને શાહરુખ ડાન્સ કેમ નથી કરતા ? કારણકે બોસ, સલમાન-શાહરૂખ લગનમાં નાચવાના એક-એક કરોડ માગે છે !

***

તમે માર્ક કરજો, એમનાં રિસેપ્શનોમાં ક્યાંય જૈન કાઉન્ટર, ગુજરાતી કાઉન્ટર, ઢોંસા લાઈવ, દાલબાટી સ્પેશીયલ, ચાર જાતનાં સલાડ, છ જાતનાં આઈસ્ક્રીમ કે અઢાર જાતનાં ફૂડ કાઉન્ટરો જોયાં ? ના ! કારણકે બધા કંજુસિયા છે !

***

ઉપરથી બિચારાઓને બબ્બે વિધિથી લગનો કરવાં પડે છે ! એમાં મહારાજો ડબલ દક્ષિણા પડાવી જાય છે…

***

અને એ લોકો પોતે જે બ્રાન્ડોના એમ્બેસેડરો છે એનાં કપડાં, ઘરેણાં, બાઈક, કાર, દારૂ… આ બધું કંપનીઓવાળા ગિફ્ટમાં આપી જાય છે ?

ના ભઈ, કારણકે કંપનીઓ બી કડકી છે !

એનાં કરતાં આપણાં મિડલ-ક્લાસિયાં મેરેજો જ સારાં… ‘જલુલ જલુલથી’ આવજો !

***

- મન્નુ શેખચલ્લી

Comments