સિમરન દા સસ્પેન્સ ! (હાસ્ય કથા )


“ઓજી… મૈનું અબ ડાઉટ પડ ગિયા સી… હમારી સિમરન મુંબઈ વિચ ઐસે કૈસે રોલ કરતી હૈં કિ હમને કભી વેખ્યે (દેખે) હી નહીં ?”

ભટીંડા જેવા નાનકડા ગામડામાં રહેતી સિમરનની મા, યાને કે પરમિંદર કૌરને હવે પોતાની ‘ટેલેન્ટેડ’ દિકરીની કેરિયર વિશે શંકાઓ થવા લાગી હતી. સિમરનને મુંબઈમાં એકલી રહ્યે રહ્યે આજે ત્રણ વરસ થવા આવ્યાં. આ ત્રણ ત્રણ વરસમાં સિમરનની એકેય ફિલ્મનાં એકેય ‘એન્ટ્રી’ સુધ્ધાં કેમ જોવા મળતી નથી ?

બાકી આ જ પરમિંદરજી આજથી દસેક વરસ પહેલાં આખા ભટીંડામાં ઢંઢેરો પીટતાં હતાં કે “હમારી બેટી મેં તો ટેલ્લેન્ટ કૂટ કૂટ કે ભરી હૈ, જી ! મૈનું લગદા કિ વો જરૂર હિન્દી ફિલમાં વિચ વડ્ડી હિરોઈન બનેગી !”

સિમરન હતી યે ટેલેન્ટેડ. પોતાની ‘મહાસરસ્વતી કન્યા વિદ્યાલય’ના એન્યુઅલ ડેમાં તે દર વરસે કોઈ ફિલ્મી ટ્યૂન ઉપર ડાન્સ કરીને ફર્સ્ટ પ્રાઈઝ જીતતી હતી. એ તો ઠીક, ‘મિસ ભટીંડા જુનિયર’નો ખિતાબ પણ તે સળંગ ચાર વાર જીતી ચૂકી હતી. કોલેજના બીજા વરસમાં પહોંચી ત્યાં સુધીમાં તો સિમરનના ઘરમાં તેણે જીતેલી ટ્રોફીઓનું પ્રદર્શન ભરી શકાય એવડું મોટું કલેક્શન થઈ ગયું હતું…

‘ભટીંડા ડાન્સ દિવાની ક્વીન’, ‘વસંત કોલોની દી અંતાક્ષરી રાની’ ‘મોહલ્લા પંદરા’ઝ સ્પીચ કોમ્પિટીશન ચેમ્પિયન’, ‘ઓલ ભટીંડા ડીસ્ટ્રીક્ટ ડ્રામા ક્વીન સિલ્વર કપ…’ આવાં તો કંઈ ઇનામો, સર્ટીફિકેટો, ટ્રોફીઓ, કપો, રકાબીઓ, વાટકાઓ તથા ચમચાઓ સિમરને જીત્યાં હતાં.

એમાં વળી એકવાર ભટીંડામાં કોઈ ‘ડમ્પી’ નામના સિંગરનું ‘ડમ્પી દા ડિબ્બા’ નામનું આલ્બમ શૂટ થતું હતું ત્યાં અચાનક ડાન્સ ડિરેક્ટરે સિમરનને પ્રેક્ષકોમાંથી બોલાવી, મેકપ કરાવી, તાત્કાલિક સિલ્વર કલરનો ટુંકો કોસ્ચ્યુમ પહેરાવી ‘ડમ્પી’ની પાછળ નાચતી ચાર છોકરીઓમાંની એક તરીકે ‘કાસ્ટ’ કરી દીધી ! ત્યારે તો એ ભટીંડાના સ્થાનિક અખબારમાં ‘ભટીંડે કી આગ’ એવી હેડલાઈન સાથે ફ્રેન્ટ પેજ ઉપર છવાઈ ગઈ હતી !

આમાંને આમાં સિમરનના ફેસબુક પેજ ઉપર તેના આશિકો વધતા જ ગયા. બાકી હતું તે ‘ટીક-ટોક’થી પુરું થયું ! મોબાઈલમાં આવતા ‘ટીક-ટોક’ એપ વડે સિમરન જે ‘અભિનય’ કરતી હતી તેના કારણે ટ્વીટર ફોલોઅર્સની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ.

બસ, પછી તો પૂછવું જ શું ? ચંદીગઢની કોઈ ફેસબુક ફ્રેન્ડની ઓળખાણથી તે ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ પહોંચી ગઈ. બે-ત્રણ મહિના તો ‘સ્ટ્રગલ’માં ગયા પણ પછી સિમરનને ‘રોલ’ મળવા માંડ્યા !

તે અવારનવાર ફોન કરીને એની મમ્મી આગળ હરખભેર ચીસો પાડતી. “મમ્મી… મમ્મી… મૈં અક્ષયકુમાર સાથ એક ફિલ્મ કર રહી હું ! ફિલ્મ કા નામ અભી ડિસાઈડ નહીં હુઆ…”

સિમરનની વધામણીઓ નિયમિત અંતરે આવતી રહી. શાહરુખ, સલમાન, આમિર, રણવીર, રણબીર… બધા સાથે તે કોઈને કોઈ ફિલ્મ ‘કરી’ રહી હતી ! અફસોસ માત્ર એટલો જ કે એનું શૂટિંગ ‘ડિલે’ થયા કરતું હતું.

બિચારી પરમિંદર કૌર નિરાશ થવાની અણી ઉપર હોય ત્યાં સિમરનનો ફોન આવે “મમ્મી ! આજ મૈને હિરોઈન દા રોલ સાઈન કર લિયા ! ફિલ્મ કા નામ હૈ ‘જીઓ જાનુ’… બસ, છે-આઠ મહિને મેં રિલીઝ હો જાયેગી.”

એમ કરતાં કરતાં ત્રણ વરસ નીકળી ગયાં. સિમરનની ‘બતૌર હિરોઈન’ સાત ફિલ્મો બની ચૂકી હતી… ‘તડપન’ ‘પાગલપન’ ‘દિલ-કિલ-ફીલ’ ‘જગ્ગી 007’ ‘ઈલાઈચી’ અને ‘મિર્ચી-ધનિયાં’…

આમાંય અફસોસ માત્ર એટલો જ કે એકેય ફિલ્મમાં ભટીંડામાં રિલીઝ જ ના થઈ ! એ તો ઠીક, મોબાઈલમાં ય કોઈ ઠેકાણે એનાં પોસ્ટરો ના દેખાયાં…

હવે, પરમિંદરજીને ડાઉટ પડી ગયો છે. ‘મેરી બેટી ફિલીમ ઇન્ડસ્ટ્રી મેં કોઈ ઐસા-વૈસા કામ તો નંઈ કર દી ?’

સિમરનના ડેડી કહેતા “ઓય ઠંડ રખ ! સિમરન ને કભી પૈસે નહીં મંગવાયે. ઉપર સે જબ ભી યહાં આતી હૈ સબ નું વાસ્તે કિત્તી ચંગી ચંગી ગિફ્ટ લાંદી હૈ !”

વાત ખોટી પણ નહોતી. સિમરન વરસમાં બે જ વાર ભટીંડા આવતી પણ દર વખતે સૌને માટે જ્યુસર, ગ્રાઈન્ડર, સોઈંગ મશીન, ઈસ્ત્રી, માઈક્રોવેવ ઓવન, ડીનર-સેટ, મેકપ-કીટ, કુકીંગ રેન્જ… એવી ઢગલાબંધ ગિફ્ટો લઈ આવતી હતી.
અડોશી પડોશી, ફ્રેન્ડઝ, કઝિન્સ, સગા-વ્હાલાં સૌને માટે કંઈનું કંઈ લાવ્યા વિના રહેતી જ નહિ.

જોકે બધી ગિફ્ટો કંઈ હાઈ-ફાઈ બ્રાન્ડની ના હોય પરંતુ એટલી ઈકોનોમી તો ‘ભટીંદા દી કુડી’ને આવડતી જ હોય ને !

છતાં પરિમંદરજીનો ડાઉટ વધુને વધુ ઘેરો થતો ચાલ્યો.  એક દિવસ પતિની પરમિશન લઈને, દિકરીને કશી ખબર કર્યા વિના તેણે ભટીંડા થી મુંબઈની ટ્રેનની ટિકીટ કરાવી જ નાંખી..

***

મમ્મીને આમ અચાનક પોતાના ફ્લેટ પર આવી પહોંચેલી જોઈને સિમરન જરા ચોંકી ગઈ પણ બીજી જ તેણે તે હરખાઈ ઊઠી.

તે મમ્મીને ભેટી પડી અને કહેવા લાગી “ઓલ ! વોટ એ સરપ્રાઈઝ મોમ ! આપ કો દેખ કે બડા અચ્છા લગા ! મગર મૈનું અભી એક શૂટિંગ વિચ જાણા હૈ. તુસી આરામ કરો… મૈં રાત કો આઠ બજે તક આ જાઉંગી.”

સિમરન ગઈ… તો શું પરમિંદરજી એના ફ્લેટમાં હાથ જોડીને બેસી રહેવાનાં હતાં ? એમણે સિમરનનો પીછો કર્યો.

પીછો લાંબો ચાલ્યો પણ આખરે સિમરન જ્યારે કોઈ મોટા ભવ્ય સ્ટુડિયોમાં જવાને બદલે અંધેરીના કોઈ ખખડધજ બિલ્ડીંગના પાંચમે માળે એક સાવ નાનકડી ઓફિસમાં ગઈ ત્યારે પરમિંદરની શંકા પુરેપુરી પાકી ગઈ.

પાંચ-સાત મિનિટ જવા દીધા પછી તે ‘સિમરન કી મમ્મી હું’ કહીને અંદર પહોંચી ગઈ. અંદર જતાં જ એમની આંખો પહોળી થઈ ગઈ ! અહીં એક ‘બેડરૂમનો’ સેટ લાગેલો હતો ! લાઇટિંગ ચાલી રહ્યું હતું…

થોડીવારે સિમરન મેકપ અને ભડકીલાં વસ્ત્રોમાં અંદર આવી. સાથે એક હેન્ડસમ એકટર હતો. પરમિંદરજી તો ફાટી આંખે જોઈ જ રહ્યાં ! ડિરેક્ટર બોલ્યો ‘એકશન’…

- અને સિમરન ધડાધડ ડાયલોગ્સ બોલવા લાગી “ક્યા આપ કો અપને બેડરૂમ કે લિયે અચ્છી, ટિકાઉ ઔર શાનદાર ડિઝાઇનવાલી બેડ-શીટ ચાહિયે ? તો યે દેખિયે ! દો બેડ-શીટ ઔર ચાર પિલો–કવર કે સેટ કી કિમત હૈ સિર્ફ 2000 રૂપિયે… મગર અભી ફોન સે ઓર્ડર કરને પર મિલેગા 30 પરસેન્ટ ડિસ્કાઉન્ટ… જલ્દી કિજીયે !”

શૂટિંગ ચાલતું રહ્યું. અંધારા ખૂણામાં બેસી રહેલાં પરમિંદરજીને ખાસ્સી વાર પછી સમજ પડી કે આ તો ‘નાપતોલ.કોમ’ જેવી કોઈ ઓન-લાઈન કંપની માટે ટીવીમાં રાતના 11 વાગ્યા પછી આવતી જાહેરખબરોનું શૂટિંગ ચાલી રહ્યું છે !

ટેકનિશીયનોની અંદરો અંદરની વાતચીતમાં એ પણ ખબર પડી કે સિમરનનો આ સળંગ 500મો એપિસોડ શૂટ થઈ રહ્યો છે !

બસ, આ સાંભળીને પરમિંદરજીની છાતી ગજગજ ફૂલી ગઈ “મૈં ના કેન્દી થી ? મેરી બેટી મેં ટેલ્લેન્ટ તો કૂટ કૂટ કે ભરી હુઈ હૈ જી !”

***
- મન્નૂ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments