ફેક ન્યૂઝ બે પ્રકારના હોય છે !



સરકાર કહે છે કે હવે સોશિયલ મિડીયામાંથી શોધી શોધીને ‘ફેક-ન્યુઝ’ને દૂર કરવામાં આવશે.

એ તો બરોબર, પણ એ ન્યુઝ 'ફેક' છે એની ખબર શી રીતે પડે ?

અમુક ફેક-ન્યુઝ થોડા 'ડાઉટફૂલ' લાગે તેવા હોય છે અને અમુક ફેક-ન્યુઝ તો 'માની જ લેવાનું મન થાય તેવા' હોય છે ! જુઓ…

***

ડાઉટફુલ ફેક-ન્યુઝ

પાક. વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે જો ભારત સરકાર રામમંદિર બાંધવામાં નડતી અડચણો દૂર કરી દેશે તો હું જરૂર એનાં દર્શન કરવા આવીશ.

***

માનવાનું મન થાય તેવા ફેક-ન્યુઝ

હિન્દી ફિલ્મ ઉદ્યોગના ત્રણ જાણીતા મુસ્લિમ કલાકારો આગામી 20 દિવસમાં ભારત છોડીને વિદેશમાં રહેવા જતા રહેવાના છે.

***

ડાઉટફૂલ ફેક-ન્યુઝ

ચીનની એક ખાનગી કંપની ભારતની કરન્સી નોટોની ડિટ્ટો કોપી કરીને છાપી રહી છે. એટલું જ નહિ, પાકિસ્તાનની ISIએ એમને 10,000 કરોડની નોટો છાપવાનો ઓર્ડર પણ આપી દીધો છે.

***

માનવાનું મન થાય તેવા ફેક-ન્યુઝ

રૂ. 2000ની નવી નોટો ઉપર વાજપેયીજીનો ફોટો હશે. એમાંય, શરૂઆતની 1000 નોટોની હરાજી 10,000 રૂપિયાના બેઝ-ભાવથી થશે. આના વડે ભેગી થનારી રકમ વડે 50,000 ખેડૂતોનાં દેવાં ચૂક્તે કરવામાં આવશે.

***

ડાઉટફૂલ ફેક-ન્યુઝ

NASAના ઉપગ્રહે શોધી કાઢ્યું છે કે હિમાલયના પહાડોમાં હજારો ટન સોનું છુપાયેલું છે. હવે પછી જ્યારે માનસરોવરમાં ધરતીકંપ થશે ત્યારે આ બધું સોનું પહાડો ચીરીને ભારતમાં બહાર આવી જશે. ત્યારબાદ ભારત નંબર વન દેશ બની જશે.

***

માનવાનું મન થાય તેવા ફેક-ન્યુઝ

નીરવ મોદીએ ઓફર આપી છે કે તમે મને 10 ટન સોનું આપો. એમાંથી હું વર્લ્ડ-બેસ્ટ જ્વેલરી બનાવીને, આખી દુનિયાને વેચીને બેન્કોનું બધું દેવું ચૂકવી આપીશ.

નિતિન ગડકરીએ કહ્યું છે કે નીરવ મોદી ગુનેગાર નથી. એને એક તક આપો.

***

(ચેતવણી : જો ગપ્પાં લાગતા ફેક-ન્યુઝ સાચા લાગે.... અને માનવાનું મન થાય એવા ન્યુઝ ખરેખર સાચા પડે ...તો અમારો કોઈ વાંક નથી. આ દેશમાં બધું જ શક્ય છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments