પોલીસ ચોપડાનું ભાષાકર્મ !


તમે કોઈ દિવસ પોલીસ-ચોપડે નોંધાયેલી ફરિયાદ વાંચી છે ? એનું ‘ભાષાકર્મ’ અને ‘નિરુપણ શેલી’ અલગ જ હોય છે !

જરા કલ્પના કરો કે લોકરક્ષક પરીક્ષાના ઉમેદવારે જો પેપર ફૂટ્યાની આખી ઘટનાની ફરિયાદ નોંધાવી હોય તો તે કેવી હોય…?

***

અમો તારીખ ૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ગાંધીનગર મુકામ ખાતે લોકરક્ષક પરીક્ષાનું પેપર આપવા ગયેલ પણ ભારે નાસીપાસ થયેલ. અમો ભણવામાં નબળા હોઈ, ગણિત વિજ્ઞાનમાં કાચા હોઈ, રિઝલ્ટમાં પાછળ રહેતા હોઈ, બીજી કોઈ આવડત ના હોઈ, પોલીસમાં ભરતી થવાનો વિચાર કરેલ. પરંતુ પરીક્ષા માટે જે કંઈ વાંચેલ લખેલ કે ગોખેલ તે યાદ ન રહેલ. તેથી ફરી વાંચેલ લખેલ અને ગોખેલ. છતાં યાદ ન રહેલ. તેથી ભારે ચિંતામાં રહેલ. લોકરક્ષક પરીક્ષાના ક્લાસિસ ના ભરેલ હોઈ, કોઈનું માર્ગદર્શન ના મળેલ હોઈ, પોલીસખાતામાં અમારી ફોઈ પણ ના હોઈ, અમો યાદશક્તિમાં નબળા હોઈ, નપાસ થવાના ડરમાં રહેલ. આવા સંજોગોમાં અમને પેપર ફોડવાના વિચાર પણ આવેલ. પરંતુ પેપર ફોડવાની રીત ન આવડેલ હોઈ, ઉપરની કોઈ પહોંચેલ વ્યક્તિની નજીક પણ ના પહોંચેલ હોઈ, તે વિચાર માંડી વાળેલ. તે ઉપરાંત ફૂટેલ પેપર ખરીદવાના પુરતા પૈસા ન હોઈ, ઉધાર લઈને વ્યાજ ભરવાની શક્તિ પણ ન હોઈ અને બીજો કોઈ કામ ધંધો કરવાની અક્કલ પણ ખોઈ.

પરીક્ષા પહેલાં અમોએ ખુબ જ તૈયારી કરેલ. વાંચેલ, લખેલ, ગોખેલ તથા ફરી ફરી વાંચેલ, લખેલ અને ગોખેલ. કાપલીઓ પણ તૈયાર કરેલ. કાપલીઓને શર્ટમાં, પેન્ટમાં, બનિયાનમાં તથા જાંઘિયામાં સંતાડવાનું વિચારેલ. પરીક્ષાને દિવસે અમો સવારે વહેલા ઊઠેલ અને નાહીધોઈને ચહા પીધા વિના ઘરથી નીકળેલ. ગાંધીનગર જતી બસ મોડી પડેલ તેથી અમો ચિંતામાં પડેલ પણ પછી છકડો મળી ગયેલ જેથી અમો સમયસર પરીક્ષાહોલ પહોંચી ગયેલ. અહીં અમારા જેવા બીજા સેંકડો ઉમેદવારો પણ પહોંચેલ. થોડીવારમાં પેપર સ્ટાર્ટ થવાની ઘંટડી વાગેલ પરંતુ પેપર ફૂટેલ હોઈ પરીક્ષા કેન્સલ થવાનું જાહેર થયેલ. આ સાંભળીને અમારા સૌની ખોપડી હટેલ, મગજની નસો ગુલેલ બનીને તણાયેલ, જેથી અમો લોકરક્ષક બોર્ડને એલફેલ બોલેલ. અમારા ટોળામાં તોફાની તત્વો સામેલ હોઈ પથ્થરમારો ચાલુ કરેલ. જેથી પોલીસે લાઠીચાર્જ કરેલ. જેમાં મને બરડા ઉપર બે અને ટાંટિયામાં ત્રણ ડંડા વાગેલ. આખરે અમો પાછા ફરેલ. ત્યારે જાણવા મળેલ કે આ પરીક્ષા મહિના પછી ફરી લેવામાં આવશે ત્યારે અમારામાંથી કોઈ બોલેલ કે આ તો ખાતર ઉપર દિવેલ.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments

  1. વાંચીને લોટપોટ થઈ જવાયું. જ્યારે અખબારમાં પોલીસ ફરિયાદનો સીધેસીધો ઉતારો આપવામાં આવે છે એ વાંચ્યાનું યાદ આવી ગયું...'મરણ જનાર 24 વર્ષનો યુવક...' :-)

    ReplyDelete

Post a Comment