શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ જોતાં જોતાં સતત એક જ વિચાર આવ્યા કરે છે કે યાર, કાં તો શાહરૂખનો આઈક્યુ ઝીરો છે કાં તો એ એમ માને છે કે દેશના તમામ પ્રેક્ષકોનો આઈક્યુ ઝીરો છે !
આટલી ભેજાંગેપ અને ઉટપટાંગ સ્ટોરી તો રામસે બ્રધર્સની હોરર ફિલ્મમાં પણ જોઈ નથી.
***
યાર, જે મહિલા સાયન્ટિસ્ટ (અનુષ્કા શર્મા) અમેરિકાની બેસ્ટ સ્પેસ-રિસર્ચ એજન્સીમાં અવકાશયાન વડે માનવીને મંગળ ગ્રહ ઉપર મોકલવાના પ્રોજેક્ટ ઉપર કામ કરતી હોય તે છેક મેરઠના કોઈ લલ્લુ-પંજુ ટાઈપના કાર્ટુન જેવા મેરેજ-બ્યુરોના માલિકને પોતાનો ફોટો અને બાયો-ડેટા શા માટે મોકલાવે?
કાં તો અનુષ્કાનો આઈક્યુ ઝીરો હોવો જોઈએ કાં તો ફિલ્મના સ્ટોરી રાઈટરનો...
***
હજી આગળ જુઓ...
એ અપંગ મહિલા સાયન્ટિસ્ટના પ્રેમમાં સાડા ચાર ફૂટનો શાહરૂખ રાતના સાડા ત્રણ વાગે પ્રેમમાં પડે ! (એ પણ પોતાના ઘરના ખખડધજ ધાબા ઉપર સૂતાં સૂતાં)
પછી એ બીજા દિવસે મેરઠની ફાઈવ સ્ટાર હોટલના કોરિડોરમાં વેસ્ટર્ન સિમ્ફની ઓર્કેસ્ટ્રા બોલાવે, હોળીના રંગો ઉડાડવા માટે વેઈટરો રાખે, આખા વિસ્તારમાં વરસાદ વરસાવવા માટે હોટલની ટાંકીમાંથી પાઈપો વડે ફૂવારાઓ ગોઠવી નાંખે અને સવા લાખનો સૂટ પહેરીને ‘જબ તક જહાં મેં સુબહા શામ હૈ’ એવું ગાયન ગાઈ નાંખે (તથા આ બધાનો ખરચો માત્ર સાડા સાત લાખ રૂપિયા થયો એવું એના ભાઈબંધને સમજાવે)
એ તો ઠીક, પણ પેલી અમેરિકા રિટર્ન વૈજ્ઞાનિક આવો ‘ફિલ્મી’ તમાશો જોઈને એના પ્રેમમાં પણ પડી જાય ? હદ થઈ ગઈ...
(જો લેખક, દિગ્દર્શક અને અનુષ્કા આ ત્રણેયનો આઈક્યુ ઝીરો હોય તો જ આ શક્ય છે.)
***
હજીયે, પ્રેક્ષકોનો આઈક્યુ તો ઝીરો જ છે એમ માનીને આપણને બતાડે છે કે અનુષ્કા એ જ રાત્રે શાહરૂખ જોડે સેક્સ પણ કરી નાંખે અને બીજે દહાડે પોતાનું જ માગું લઈને શાહરૂખના બાપા પાસે પહોંચી જાય છે !
ત્યાં ‘ચટ મંગની પટ બ્યાહ’ નક્કી પણ થઈ જાય છે ! એ તો ઠીક, પણ અનુષ્કા પોતાના ભાઈ, ભાભી, નાની, માસી, ફોઈ ફુવા વગેરે આગળ કારણ શું આપે છે ? કે આ એક જ એવો પુરુષ છે જે મને ‘લુક-ડાઉન’ નથી કરતો ! કારણ કે એ સાડા ચાર ફૂટનો છે ! બોલો.
(ટુંકમાં, અનુષ્કાનાં તમામ વેલ–ટુ–ડુ અને કલ્ચર્ડ NRIસગાવ્હાલાંના આઈક્યુ પણ ઝીરો જ છે.)
***
જોકે ઘમંડી હિરોઈનનો રોલ કરતી કેટરીના કૈફનો આઈક્યુ ઝીરો હશે એ માની શકાય એવું છે. (ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને ઝીરો... બન્ને ફિલ્મોમાં રોલ કરવાની હા પાડી એની વાત નથી !)
કારણ કે જે હિરોઈન, એનો બોયફ્રેન્ડ ફોન ઉપાડશે કે નહિ, એ વાત ઉપર પાણી વિનાના બાથટબમાં બેઠાં બેઠાં 25000 રૂપિયાની શરતો એના સ્ટાફ સાથે લગાડે અને પછી સાડા ચાર ફૂટિયા શાહરૂખને સૂમસામ હાઈવે ઉપર એના રતાંધળા દોસ્તની હાજરીમાં ત્રણ સેકન્ડ લાંબું તસતસતું ચુંબન માત્ર એટલા માટે આપે કે બેટમજીની આ વાત આખા મેરઠમાં કોઈ માનશે જ નહિ ! લેતો જા બેટા....
એ તો ઠીક, પણ જે હિરોઈનનો આઈક્યુ ઝીરો હોય એ જ બ્રેક-અપ પછી કોઈ સાયકોલોજીસ્ટની થેરાપી લેવાને બદલે સાડા ચાર ફૂટિયા શાહરૂખને પોતાના ગલૂડીયા –કમ-સ્ટુલ-કમ-ચમચા-કમ-ટીશ્યુ પેપર તરીકે દોઢ વરસ લગી પોતાની સાથે ને સાથે ફેરવ્યા કરે ને !
***
બાકી, અમારા ફેવરિટ ડિરેક્ટર આનંદ એલ. રાયનો આઈક્યુ પણ ઝીરો થઈ ગયો લાગે છે ! નહિતર, જે યુવતીનું શરીર કમરના નીચેના ભાગેથી પેરેલાઈઝ થઈ ગયું છે એ માત્ર એક જ સેક્સના પ્રસંગને કારણે પ્રેગનન્ટ પણ થઈ જાય ? અને એનું બાળક નોર્મલ પણ હોય ?
સાલું, આવું તો ’50 અને ’60ના દાયકાની ટિપિકલ હિન્દી ફિલ્મોમાં પણ કદી બન્યું નથી !
***
અને છેલ્લે, અમેરિકાની આખેઆખી સ્પેસ એજન્સીનો સ્ટાફ પેલા ચિમ્પાન્ઝિ વાંદરાને બદલે શાહરૂખને મંગળયાનમાં બેસાડી દેવા માટે કેમ રાજી થઈ જાય છે ?
શું આખા સ્ટાફનો આઈક્યુ ઝીરો થઈ ગયો હતો ?
ના ! એ બધા શાહરૂખના ‘વાંદરાવેડાથી’ એટલા બધા ત્રાસી ગયા હતા કે...
***
- મન્નુ શેખચલ્લી
Correct...
ReplyDelete