નવી 'ગેમ ચેન્જર' કોંગ્રેસી યોજનાઓ !



કોંગ્રેસે જે માસ્ટર-સ્ટ્રોક મારીને ખેડૂતોનાં દેવાં માફ કરી દીધાં તેને અમુક લોકો ‘ગેઈમ-ચેન્જર’ કહે છે !

હરખમાં આવી ગયેલા કોંગ્રેસીઓ માટે અમારી પાસે બીજી પણ અનેક ગેમ-ચેન્જર યોજનાઓ છે…

***

ભિખારીઓને ખેડૂત-કાર્ડ

લોકો ખેડૂતોને ભિખારી કહેવા માંડે એ તો સરાસર અન્યાય છે. અમે તો કહીએ છીએ કે દેશમાંથી ભિખારીઓને જ નાબૂદ કરી નાંખો ! બધાને ‘ખેડૂત-કાર્ડ’ આપીને ખેડૂત બનાવી દો…

આમે ય માગતા હતા, આમે ય માગશે !

***

બેરોજગારી ભથ્થું

200-200 રૂપિયામાં જે બેરોજગાર લોકો રાજકીય રેલીમાં હૈશો હૈશો કરવા જાય છે એ સૌને વધારાના 200-200 રૂપિયાનું બેરોજગારી ભથ્થું કોંગ્રેસી સરકારો આપશે !

આંદોલનો ચાલુ રહેવાં જોઈએ… કોઈ બેરોજગાર ન રહેવું જોઈએ !

***

નવરા યુવાધન કેશબેક યોજના

જે યુવાનો નવરાં બેઠાં બેઠાં રોજનો 5GB ડેટા વાપરી શકતા હોય તેમને સૌને રોજના 50 રૂપિયા પાન-મસાલા વગેરે માટે આપવામાં આવશે…

હવે દેશમાં કોઈ યુવાન નવરો નહિ દેખાય !

***

દારૂડીયાઓને આર્થિક સહાય

કહે છે કે દારૂડીયાઓને લીધે એમનાં લાખો પરિવારો બરબાદ થઈ જાય છે. આ પરિવારોને બરબાદ થતાં બચાવવા માટે દારૂને ટેક્સ-ફ્રી કરી દેવામાં આવશે અને દરેક દારૂડિયાને દારૂની ખરીદીમાં 50% સબસીડી મળશે.

- બસ એક આધાર કાર્ડ અને એક ખાલી બાટલી બતાડી દેવાની !

(એ બહાને સાલી, ગુજરાતમાંથી દારૂબંધી તો જાય ?)

***

જ્ઞાતિ-પરિવર્તન યોજના

આ તો માસ્ટર-સ્ટ્રોકનો પણ બાપ છે !

આમાં કંઈ સવર્ણોએ પોતાની જ્ઞાતિ બદલી નથી નાંખવાની ! માત્ર પોતાની જ્ઞાતિ પાછળ કૌંસમાં ‘પછાત’ લખાવી દેવાનું… દાખલા તરીકે પાટીદાર (પછાત), મરાઠા (પછાત), જાટ (પછાત), બ્રાહ્મણ (પછાત)… વગેરે…

એ પછી તમામ ‘પછાત-યોજનાઓ’ (હા, એ જ અર્થમાં) વડે એમને લાભ મળી શકશે.

જુઓ ભઈ, જ્યાં લગભગ આખો દેશ ‘પછાત’ થવા માટે તૈયાર છે ત્યાં તમને વાંધો શું છે ? કોંગ્રેસ ઝિંદાબાદ !

***

- મન્નુ શેખચલ્લી

Comments