પોલીસ ભરતી માટે લેવાયેલી લોકરક્ષક પરીક્ષાનું પેપર ફૂટી ગયું. હવે મહિના પછી ફરી પેપર કાઢવામાં આવશે.
જરા વિચારો, એ પેપર કેવું હોવું જોઈએ ?
***
મહત્વની સુચનાઓ
(1) વહેલા આવનારાઓને ‘મેમો’ પકડાવવામાં આવશે.
(2) મોડા આવનારની ‘રસીદ’ ફાડી નાંખવામાં આવશે.
(3) સમયસર આવનારાઓને 'ધક્કા' ખવડાવવામાં આવશે.
(4) પરીક્ષાહોલમાં 'ડંડો' લાવવો નહીં.
(5) જવાબ ના આવડે તો પોલીસખાતાની 'ઓળખાણો' આપવી નહીં.
(6) પોતાનો ક્રિમિનલ રેકોર્ડ 'બતાડવો કે સંતાડવો' નહીં.
(7) 144મી કલમ તો બધાને ખબર છે પણ "143મી કલમ શું છે" એવું પરીક્ષક / સુપરવાઈઝરને પૂછવું નહીં.
(8) જેને 'ખાખી' રંગની એલર્જી હોય તેમણે ડોક્ટરનું સર્ટિફીકેટ 'ખાખી' કવરમાં બંધ કરીને જમા કરાવવાનું રહેશે.
અને (9) દરેક પ્રશ્નોના જવાબ હોલમાં કોઈની પણ 'પૂછપરછ' કર્યા વિના આપવાના છે.
***
નીચે આપેલી રમતોમાંથી કોઈપણ એક રમત વિશે પોલીસના દ્રષ્ટિકોણથી નિબંધ લખો.
(1) ચોર પોલીસ
(2) પકડદાવ
(3) સંતાકૂકડી
(4) ઊભી ખો
***
નીચેની કહેવતો ઉપર મહિના પહેલાંની સ્થિતિને યાદ કરીને વિચાર-વિસ્તાર કરો.
(1) જમાદારને જશ નહિ.
(2) ઊંઘતો જાગે પણ જાગતો કદી ના જાગે.
(3) આભ ફાટે ત્યાં થીંગડું ક્યાં દેવું.
***
ખાલી જગ્યા પુરો
(1) લોકરક્ષકની પરીક્ષા પોલીસખાતાની ………. માટે લેવામાં આવે છે. (ભરતી, પરીક્ષા)
***
જાતે કરેલાં ઇન્વેસ્ટીગેશનના આધારે નીચેના પ્રશ્નોના ‘હા’ કે ‘ના’માં જવાબ આપો.
(1) ગુજરાતમાં શિક્ષિત બેકારોનો આંકડો મિનિમમ 9 લાખ છે.... હા કે ના?
(2) મહિના પહેલાં જે પેપર લીક થયાં એમાં વિરોધપક્ષોનો હાથ હતો.... હા કે ના ?
(3) મહિના પહેલાં લેવાયેલી પરીક્ષા વખતે તમને કોઈ જ હેરાનગતિ થઈ નહોતી.... હા કે ના ?
(4) ઉપરના ત્રણ પ્રશ્નોના જવાબ આપતાં પહેલાં વિચારી લેજો… તમને આ નોકરી જોઈએ છે કે નહીં ?.... હા કે ના ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment