શિલ્પાનો 'ડ્રીમ' મેન ! ( હાસ્ય કથા)



‘સંભાળજે આશિષીયા. સાલા, ગમે તેમ તોય એ તારી બોસની દિકરી છે.’

“બોસની દિકરી હોય તો શું થયું ?” આશિષે એના દોસ્ત જનકના ખભે ધબ્બો માર્યો. “બકા, આપણે તો એનાથી ટોટલી ઈમ્પ્રેસ થઈ ગયા છીએ ! યાર, શું એનું ડ્રેસિંગ છે ! શું એની સ્ટાઈલ છે !”

જનક થોડીવાર તો આશિષ સામે જોઈ રહ્યો. પછી વેધક સવાલ કર્યો. “એ જે હોય તે, ભઈલા. એણે તને કંઈ આપ્યું ખરું ?”

“આપ્યું ને, પ્રમોશન !”

“પ્રમોશન ?” જનકની આંખો ચાર થઈ ગઈ. “અલ્યા તું તો હજી બે જ વરસથી -”

“પણ હવે હું સેલ્સ મેનેજર છું.” આશિષે કોલર ઊંચા કર્યા. “જસ્ટ વિચાર કર જનક, એ મને એક જ વાર મળી, મારી જોડે વીસ જ મિનિટ વાત કરી અને ડિસીઝન લઈ લીધું ! એક જ ઝાટકે મને સેલ્સ મેનેજર બનાવી દીધો ! સાલા, મારામાં કંઈ જોયું હશે તો જ ને ?”

હવે જનક પણ આશિષને ધ્યાનથી જોવા લાગ્યો. સાલો હેન્ડસમ તો ખરો. ડેશિંગ પણ ખરો. હાર્ડ વર્ક પણ કરે એવો… પણ..

“બકા, બહુ વિચારો ના કર. મેઈન વાત એ છે કે બોસની દિકરી શિલ્પા પરીખને મારામાં પર્સનલ ઇન્ટ્રેસ્ટ પડી ગયો છે !”

“જા જા ! શિલ્પા તો એક કરોડપતિની બેટી છે, અમેરિકાથી મેનેજમેન્ટની ડીગ્રી લીધી છે. એવી મલ્ટિ-મિલિયોનેર છોકરીને તારા જેવા બાવન હજારિયામાં પર્સનલ ઇન્ટ્રેસ્ટ પડે ? જા જા, જરા અરીસામાં ડાચું જો.”

આશિષ જરા ઠંડો પડી ગયો. પછી ઠંડી આહ ભરીને કહે છે : “યા… ર ! શિલ્પા મેડમ માટે તો આ જાન પણ હાજર છે. યુનો, શિલ્પાએ છૂટા પડતી વખતે મારી જોડે હાથ મિલાવીને શું કહ્યું ? શી સેઈડ, યુ આર માય ડ્રીમ-મેન ! તું મારા સપનાનો પુરુષ છે !”

જનક હવે જલી ગયો. “તારાં તો ઉઘડી ગયા યાર ! ચલ, એ જ વાત પર પાર્ટી થઈ જાય ? ડીનર મારા તરફથી ને બાટલી તારા તરફથી.”

“ના યાર, આજે રાતે ઉજાગરો કરીને મારે મારી બ્રાન્ચનો સેલ્સ-ટાર્ગેટ બનાવવાનો છે. કાલે સવારે શાર્પ નવ વાગે એ રિપોર્ટ મેડમના કોમ્પ્યુટરમાં જવો જોઈશે.”

“હા બેટા હા ? જે શિલ્પા મેડમ માટે જાન હાજર કરવાની હોય ત્યાં એકાદ રાત તો કુરબાન કરવી જ પડે ને !”

***

હકીકતમાં આશિષ મહેતાને એક નહિ, અનેક રાતો કુરબાન કરવાના મોકા મળતા રહ્યા. એક ઉનાળાની રાત્રે દોઢેક વાગે તે બધું કામ પતાવીને કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ-આઉટ નીકળે તેની રાહ જોતો બેઠો હતો ત્યાં જ શિલ્પા પરીખ ઓફીસમાં દાખલ થઈ !

આશિષ ચોંકીને ઊભો થઈ ગયો. શર્ટના જે ત્રણ બટન ખુલ્લાં હતાં તે બંધ કરવા જતો હતો ત્યાં શિલ્પાએ તેનો હાથ પકડી લીધો. “ડોન્ટ બોધર આશિષ, તું આમ જ સારો લાગે છે.”

“પણ મેડમ -”

“મેડમ નહિ, જસ્ટ કોલ મિ શિલ્પા !” તેણે આશિષનાં વિખરાયેલા વાળ આંગળીઓ વડે સરખા કર્યા. “કામ કરનારા પુરુષો આવા જ હોય ! ઠીક છે, દિવસના ટાઈમે શર્ટના કોલર બંધ હોવા જોઈએ. બટ અ મેન ડઝન્ટ લુક ગુડ ઈન અ શો-રૂમ ત્યાં તો પૂતળાં જ સારાં લાગે. વર્કીંગ મેન શુડ લુક કેર-ફ્રી એન્ડ ટફ.”

આશિષને સમજ ના પડી કે શું જવાબ આપવો ? ત્યાં તો પ્રિન્ટરમાંથી પ્રિન્ટો નીકળતી બંધ થઈ. આશિષ એ બહાને ખસીને પ્રિન્ટર પાસે જતો રહ્યો. કાગળો ભેગા કરવા લાગ્યો.

ત્યાં તો શિલ્પાનો હાથ તેના ખભા ઉપર ગોઠવાયો ! આગલથી નહિ, પાછળથી ! ડાબા ખભા પર જમણો હાથ નહિ, જમણા ખભા ઉપર શિલ્પાનો જમણો હાથ હતો ! આશિષના શરીરમાં વીજળીનો કરંટ દોડી ગયો. શિલ્પાએ ખભો દબાવીને કહ્યું :

“કમ ઓન, લેટ્સ ગો ફોર અ ડીનર.”

“હેં ?” આશિષને ટ્યૂબલાઈટ થતાં વાર લાગી. જ્યારે થઈ ત્યારે તેણે ભોળા બનવાનો દેખાવ કર્યો. “મેડમ, અત્યારે ? બે વાગવા આવ્યા..”

“ડોન્ટ વરી. ‘સિલ્વર લીફ’ આખી રાત ઓપન હોય છે, અને તેં મેક્સિકન ફૂડ ટ્રાય કર્યું છે ? ”

એ રાતે આશિષ સાતમા આસમાનમાં હતો. શિલ્પાની કારમાં જવું, એની સાથે રાત્રે બે વાગે મોંઘી રેસ્ટોરન્ટમાં ડીનર લેવું… અને સૌથી મઝાની વાત એ હતી કે શિલ્પા બિઝનેસમેનની નહિ, એના કોલેજના દિવસોની મસ્તીની વાતો કરી રહી હતી !

એ રાતે આશિષને જરાય ઊંઘ ના આવી. આવે પણ ક્યાંથી ? શિલ્પા તેને છેક તેના ઘર સુધી મૂકી ગઈ ! આશિષ કારમાંથી ઉતર્યો ત્યારે શિલ્પાએ તેને ‘ફ્લાઈંગ કીસ’ આપીને કહ્યું હતું “આશિષ, યુ આર માય ડ્રીમ-મેન !”

બદલામાં આશિષે ફક્ત જાન આપવાની બાકી રાખી હતી. તનતોડ મહેનત કરીને તેણે પોતાની બ્રાન્ચનું સેલ છ મહિનામાં ડબલ કરી નાંખ્યું હતું.

***

બરોબર આઠ મહિના પછી આશિષને દિલ્હી જવાનું હતું. ત્યાં આખા દેશના સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્શન મેનેજરોની કોન્ફરન્સ હતી. તેમના સૌના માટે ઓબેરોય શેરેટન ત્રણ દિવસ અને ત્રણ રાત માટે બુક થઈ હતી.

એ કોન્ફરન્સમાં આશિષે જોયું કે બધા જ મેનેજરો યુવાન હતા અને અફ-કોર્સ બધા હેન્ડસમ પણ હતા ! પ્રેઝન્ટેશનો ચાલી રહ્યાં હતાં. કંપનીના સીઈઓ મધુસુદન પારેખ ખુશ હતા. એમની દિકરી શિલ્પા કોઈ મોટા ડીલ માટે સિંગાપોર ગઈ હતી. તે કોન્ફરન્સના છેલ્લા દિવસે આવવાની હતી.

આશિષનું દિલ શિલ્પાને મળવા માટે બેકરાર હતું. લંચ દરમ્યાન હરિયાણાનો હેન્ડસમ માર્કેટિંગ મેનેજર કેતવ સહાની આશિષને સાઈડમાં લઈ ગયો. તેણે સ્હેજ આંખ મિચકારીને કહ્યું “આપણી બોસ છે ને, હવે થોડા સમય પછી તમારી બોસ નહિ રહે.”

“કેમ ?”

“કારણ કે એ તમારા સૌની ભાભી બની જશે.” એણે જરા રૂઆબથી આખા હોલમાં આંખો ફેરવતા કહ્યું “ડુ યુ નો સમથિંગ ? શી વોઝ ઇમ્પ્રેસ્ડ વિથ મિ ઈન ધ વેરી ફર્સ્ટ મિટિંગ ! એણે મને ત્રીજી જ મિનિટે કહ્યું હતું, સહાની, યુ આર માય ડ્રીમ-મેન!”

આશિષના પેટમાં તેલ રેડાઈ ગયું. સાલો, સહાની એના કરતાં તો વધારે હેન્ડસમ હતો. યાને કે શિલ્પા મેડમ હાથથી ગયાં ?

ત્યાં તો પાછળ ઊભેલો બેંગલોરનો માર્કેટિંગ મેનેજર અરવિંદ સ્વામી બોલી ઉઠ્યો. “વોટ નોન્સેન્સ ! આવું તો શિલ્પાએ મને કહ્યું છે ! અને એ પણ ફાઈવ સ્ટાર હોટલમાં ! મને ડીનર આપ્યું ત્યારે !”

એવામાં મુંબઈના માંજરી આંખોવાળા ટોલ-ડાર્ક અને હેન્ડસમ મેનેજરે ધડાકો કર્યો. “કમ ઓન, શિલ્પાએ મને આ જ વાત કરી હતી પણ ફરક એટલો જ કે તે વખતે અમે ગોવાના બિચ રિસોર્ટમાં હતા !”

આશિષ મહેતાનું મગજ ભમવા માંડ્યુ ! પછી તો ખબર પડી કે શિલ્પાએ લગભગ તમામ હેન્ડસમ મેનેજરોને આ જ વાક્ય કીધું હતું : “યુ આર માય ડ્રીમ-મેન !”

પેલી તરફ મધુસુદન પારેખ ફોન ઉપર તેમની દિકરીને પૂછી રહ્યા હતા. “તેં તો આઠ જ મહિનામાં મારી કંપનીની કાયાપલટ કરી નાંખી ! હવે તો તારે તારા ડેડીને કહેવું જ પડશે કે આનું સિક્રેટ શું છે ?”

જવાબમાં શિલ્પાએ કહ્યું “ડેડી, એ સિક્રેટ માત્ર ડેશિંગ અને હેન્ડસમ યુવાનોને જ કહેવામાં આવે છે !”

***
- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments

Post a Comment