મલ્ટિપ્લેક્સોની વણલખી 'શરતો લાગુ'...


આજકાલ ‘શરતો લાગુ’ નામની એક ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે. જોકે એની ટિકીટ ઉપર ક્યાંય કોઈ શરતો છાપેલી નથી.

પરંતુ એમ તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ ત્યાં પણ ટિકિટ ઉપર કોઈ શરતો છાપેલી હોતી નથી. છતાં, એમાં અનેક ‘વણલિખિત શરતો’ છે જ !

અમને લાગે છે કે આપણે ટિકિટ ખરીદીએ એ પહેલાં સાવ ઝીણ ઝીણા અક્ષરો વડે છાપેલું એક ‘શરતો લાગુ’નું ફોર્મ આપણને પકડાવીને એની ઉપર એ લોકોએ સહી કરાવી લેવી જોઈએ !

શરતો કંઈક આવી હશે…

***

(1) પિકચર ગમે એટલું ભંગાર હોય, પૈસા પાછા આપવામાં આવશે નહિ.

(2) શુક્ર, શનિ અને રવિવારની ટિકિટોના પૈસા અમે માગીએ એટલા આપવાના રહેશે. એમાં કોઈ ભાવતાલન રકઝક ચાલશે નહિ.

(3) વિવિધ કોન્ટેસ્ટોમાં જીતેલી ‘કપલ-ટિકીટો’નો શો સવારે 9-30નો પણ હોઈ શકે છે.

(4) ‘કપલ’ તરીકે બે છોકરા, બે છોકરી, છોકરો-છોકરી, પતિ-પત્નિ અથવા ‘પતિ-વો’ કે ‘વો-પત્ની’… એમ ગમે તે આવી શકે છે કારણ કે 377 અને 397ની કલમ રદ થઈ ગઈ છે.

(5) દિવાળી, ઈદ, ક્રિસ્મસ તથા સમર વેકેશન જેવી ‘રોકડીની સિઝન’માં દરેક સ્ક્રીનના દરેક શોમાં એક જ ફિલ્મ ચાલતી હશે.

અહીં કોઈ મોનોપોલી એક્ટ લાગુ પડતો નથી. ગ્રાહક સુરક્ષાના નામે યોગ્ય વિકલ્પો માગીને ખોટી બબાલો કરવી નહીં.

(6) ઉપર લખેલી ‘સિઝન’ આવે એ પહેલાં તમને કોઈ ફિલ્મ ગમતી હોય તો વેળાસર આવીને જોઈ લેવી. કારણ કે ફિલ્મ ગમે એટલી સારી હોય, તેને ઉતારી જ મુકવામાં આવશે.

(7) એ જ રીતે, જેને પોતાને ગુજરાતી ફિલ્મ જોવી હોય તેણે પણ વેળાસર જોઈ લેવી ! કારણ કે ‘સિઝન’ હોય કે ના હોય, કોઈપણ નવી હિન્દી ફિલ્મ આવે કે તરત ગુજરાતી ફિલ્મને ખસેડી દેવામાં આવશે.

***

(8) સિનેમાહોલમાં બહારથી કે ઘરેથી કોઈપણ જાતનો નાસ્તો કે સોફ્ટ-ડ્રીંક્સ લાવવા નહીં. કારણ કે સિનેમાહોલમાં સ્વચ્છતા રાખવાની છે.

(9) નાસ્તો, સોફ્ટ ડ્રીંક્સ વગેરે મલ્ટિપ્લેક્સમાં આવેલા ફૂડ-સ્ટોલમાંતી જ ખરીદવાના રહેશે. તેના ભાવ બાબતે કોઈ કચકચ ચાલશે નહિ. અને…

(10) … અને હા, પોપ-કોર્ન, સમોસા, સોફ્ટ-ડ્રીંક્સ વગેરે સિનેમા હોલમાં લાવીને તેને જ્યાં ત્યાં વેરવાની તથા ઢોળવાની છૂટ છે ! સ્વચ્છતા ગઈ તેલ લેવા…

***

(11) મોડા આવનાર પ્રેક્ષકોની સુવિધા માટે રાષ્ટ્રગીત તો બે ચાર જાહેરખબરો પતે કે તરત જ વગાડી દેવામાં આવશે.

(12) છતાં સ્ટોરીના ભાગ રૂપે ચાલુ ફિલ્મે ક્યાંક રાષ્ટ્રગીત વાગશે તો હોલની લાઈટો ચાલુ કરી દઈને તમને ઝખ મારીને ઊભા થવાની ફરજ પાડવામાં આવશે.

(13) ગમે એટલી સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ હોય છતાં ચાલુ ફિલ્મે નાસ્તાનો ઓર્ડર લેવા અને નાસ્તાની ડિલીવરી કરવા ફૂડ-સ્ટોલના સ્ટાફને વચ્ચે વચ્ચે નડ્યા કરવાની છૂટ છે. સોરી, છૂટ નહિ, હક્ક છે.

(14) પિકચરના અંતે જે ગાયન હોય છે તે કદી સરખી રીતે જોવા દેવામાં આવશે નહિ. હજી ગાયન ચાલુ થયાને 30 સેકન્ડ પણ ના થાય ત્યાં હોલની લાઈટો ચાલુ કરી દેવાશે અને દરવાજા ખોલી મુકવામાં આવશે. જેથી તમને ઝટ બહાર નીકળો કારણ કે…

(15) મોદી સાહેબ ભલે પોતે પોતાનો કચરો ખિસ્સામાં મુકી દેતા હોય, અમારે તો તમે વેરેલાં પોપકોર્ન અને ઢોળેલી પેપ્સીનો કચરો સ્ટાફ પાસે જ સાફ કરાવવાનો હોય છે.

(16) અમુક મલ્ટીપ્લેક્સોમાં ચોથે માળે જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે પરંતુ શો પતે પછી (એટલે કે અમારી ગરજ પતે પછી) તમારે જાતે જ આઠ દાદરા ઉતરીને નીચે આવવાનું રહેશે.

***

- મન્નૂ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments