ફિલ્મી હિરોઈનોની પિયરની સરનેમો...



રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણનાં લગ્ન થયાં ત્યારે લોકોએ સજેસ્ટ કરેલું કે હવે બન્ને નામ જોડીને ‘રણદીપ’ કરી નાંખવું જોઈએ.

એમાં નવી જોક આવી કે પ્રિયંકા-નિકના નામો ભેગા કરીએ તો શું કરવાનું ? પિકનિક ? તે વખતે અમને વિચાર આવેલો કે પાદુકોણ અને સિંઘ એમ બે અટકો ભેગી કરીને ‘પાદુ-સિંઘ’ બનાવીએ તો ? (તો ગાયન વાગે… જરા ગંધ ફૈલા દો !)

ઐશ્વર્યા રાયે બન્ને અટકો રાખી છે. લગ્ન પછી તે ‘ઐશ્વર્યા રાય બચ્ચન’ એવું લખાવે છે. આ ટ્રેન્ડ સારો છે. પિયરની અટક શા માટે પતિ ખાતર જતી કરવાની ?

કરીના પણ ‘કરીના કપૂર ખાન’ લખાવે છે. એ હિસાબે સૈફની દિકરી સારાએ ‘સારા સિંઘ ખાન’ લખાવવું જોઈએ. સૈફના દિકરાનું નામ ‘તૈમૂર કપૂર ખાન’ રાખવું જોઈએ અને જતે દહાડે બન્ને કોઈ ફિલ્મમાં જોડે આવે તો ‘સારા સિંઘ ખાન એન્ડ તૈમૂર કપૂર ખાન’ ઈન ‘સારા ખાન ખાનદાન’… એવી પબ્લિસીટી લાઈન બની જાય, ને !

આલિયા ભટ્ટની મા સોની રાઝદાન છે. (એના તો નામમાં ય અટક છે, સોની !) એ હિસાબે આલિયાએ પોતાનું નામ ‘આલિયા સોની રાઝદાન ભટ્ટ’ લખવું જોઈએ. પછી આગળ જતાં તે જો વરુણ ધવનને પરણે તો એનાં બાળકનું નામ ‘વરુલિયા સોની રાઝદાન ભટ્ટ ધવન’ રાખવામાં શું વાંધો ?

તમને થતું હશે કે મન્નુભાઈ આ શું ‘ફેવિકોલ’ લઈને બેઠા છે ? પણ સાચું કહેજો, છોકરી પોતાનું ઘર છોડીને સાસરે જાય એટલે કંઈ એની સરનેમ પણ છોડી દે ? આ તો અન્યાય છે.

ભૂલ જયા બચ્ચને કરી છે. એમણે પરણ્યા પછી ‘જયા ભાદુરી બચ્ચન’ નામ રાખ્યું હોત તો આજે ઐશ્વર્યાનું નામ કેટલું મોટું થઈ ગયું હોત ! ઐશ્વર્યા રાય – ભાદુરી બચ્ચન… પણ વાંધો નહિ, એમની દિકરી આરાધ્યા મોટી થઈને 'શાહરુખ-ગૌરી ચિબ્બર ખાન'ના સુપુત્ર આર્યનને પરણે તો આરાધ્યાનું નામ ખરેખર વિશાળ થઈ જાય ને ! આખું ફિલ્મનું પોસ્ટર નામથી જ ભરાઈ જાય.. “આરાધ્યા-રાય-ભાદુરી-બચ્ચન-ચિબ્બર-ખાન…” વાહ !

ભૂલ આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાએ પણ કરી. એણે જો રીના દત્તા - ખાન સરનેમ અપનાવી હોત તો કાલે ઊઠીને તેની દિકરી ઈરા દત્તા - ખાન જો ઈશાન ખટ્ટરને પરણે તો કેવી જાજરમાન અટક મળી જાય ? ‘ઈરા દત્તા - ખાન - ખટ્ટર’…

પરંતુ આમિરની બીજી પત્ની કિરણ રાવ હોંશિયાર નીકળી. તેણે ધરાર તેના દિકરાનું નામ ‘આઝાદ રાવ - ખાન’ રાખ્યું છે. બસ, હવે આપણે એ દિવસની રાહ જોવાની કે જ્યારે આઝાદ અને આરાધ્યા એક જ મૂવીમાં સાથે આવે…

“આરાધ્યા રાય – ભાદુરી - બચ્ચન - ચિબ્બર – ખાન વિથ આઝાદ રાવ-ખાન !” બોલો, આરાધ્યાનું નામ ઓલરેડી આઝાદના નામ કરતાં ‘મોટું’ ગણાય કે નહિ ?

આપણી ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં ખાન તો ઘણા છે. ખન્ના પણ ઘણા છે પણ બોસ, થોડા ખટ્ટર, ખરબંદા, ખુરાના, ખેમુ, ખેર, ખોસલા, ખેડેકર તથા ખંડેલવાલા ઓછા છે. નહિતર આગળ જતાં શું ખણખણતી સરનેમો ફિલ્મોના પોસ્ટરો ઉપર જોવા મળતી હોત ! ખટ્ટર-ખુરાના, ખેર-ખોસલા, ખેડેકર-ખાન-ખરબંદા, ખંડેલવાલ-ખાન-ખાન-પાન !

અમારી ટ્વિંકલ કાપડિયાને રિકવેસ્ટ છે કે પ્લીઝ, પોતાની સરનેમ 'કાપડિયા - ખન્ના' કરી નાંખે જેથી તેની દિકરી નિતારા કાપડિયા ખન્ના જતે દહાડે ‘નિતારા કાપડિયા - ખન્ના કાતરિયા - ખરબંદા - ખોસલા’ બનીને ‘મોટું’ નામ કમાય. થેન્ક્યુ.

***

- મન્નૂ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments