કાશ્મીરમાં જાન અહેમદ અને ગુલ અહેમદ નામના બે દોસ્ત હતા. બન્ને શ્રીનગરમાં રહેતા હતા.
જાન અહેમદ પાસે હાઉસબોટ હતી. જ્યારે ગુલ અહેમદ પાસે ‘હાઉસખોટ’ હતી. યાને કે એનું પોતાનું ઘર જ નહોતું.
છતાં એ નાની મોટી નોકરી કરી ખાતો હતો. પછી ગુલ અહેમદના લગ્ન થયાં. એની બીવીનું નામ બુલબુલ બાનો હતું.
બુલબુલ બાનોનું ખાલી નામ જ બુલબુલ બાનો હતું બાકી એનો સ્વભાવ કાગડી જેવો હતો. એ રોજ ગુલ અહેમદના કાનમાં ‘કાંય… કાંય…’ કરીને મગજ ખાતી હતી કે આવી ફાલતુ નોકરીઓથી શું વળશે ? કંઈ સારી કમાણી શોધો…
બિચારા ગુલ અહેમદને ટેરરિસ્ટ થવું નહોતું એટલે એણે વિચાર્યું કે કાશ્મીર છોડીને બીજે ક્યાંક જતા રહીએ… (જ્યાં બૈરી સિવાયની બીજી શાંતિ તો હોય?)
એટલે ગુલ અહેમદે જાન અહેમદ પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા અને તે શ્રીનગરથી અમદાવાદ આવી ગયો.
એ વાતને બે વરસ થઈ ગયાં. પેલી બાજુ શ્રીનગરમાં એક વાર બોમ્બ ફૂટવાથી જાન અહેમદથી હાઉસબોટમાં મોટું બાકોરું પડી ગયું ! એની હાઉસબોટ, જે એની ‘દાલ-રોટી’ હતી, તે ‘દાલ’ સરોવરમાં ડૂબી ગઈ !
આથી જાન અહેમદને થયું. ચાલ, અમદાવાદ જઈને પેલા ગુલ અહેમદ પાસેથી બે લાખ રૂપિયા પાછા માગી લાવું.
જાન અહેમદ પાસે ગુલ અહેમદના એડ્રેસની ચિઠ્ઠી હતી તો ખરી, પણ ટ્રેનમાં ક્યાંક ઊડી ગઈ. છતાં એણે વિચાર્યું કે મારા નાનાજીએ કહેલું એડ્રેસ મને બરોબર યાદ છે.
એ અમદાવાદ આવ્યો. બે મહિના લગી તે ગુલ અહેમદ અને બુલબુલ બાનોને શોધતો રહ્યો…. આખા એરિયામાં ઘેર ઘેર ફરી વળ્યો… પણ પેલા બે ક્યાંય મળ્યા નહિ !
આખરે એના પૈસા ખૂટી ગયા. એક દિવસ તે લો-ગાર્ડનમાં બેઠો બેઠો શીંગ-ચણા ખાતો હતો ત્યાં એને ગુલ અહેમદ અને બુલબુલ બાનો ભાજીપાંવની લારીએ દેખાઈ ગયાં !
એણે દોડીને બન્નેને ઝડપી લીધાં. ગુલ અહેમદને લાફો મારી દીધો. “સાલા હરામખોર ? મારા બે લાખ પાછા આપવા પડે એટલા ખાતર તેં આખો એરિયા જ બદલી કાઢ્યો ?”
ગુલ અહેમદ કહે “એરિયા ક્યાં બદલ્યો છે ? અમે તો જુહાપુરામાં જ રહીએ છીએ !”
“જુઠ બોલતા હૈ ? તુ ચમનપુરા મેં રહતા થા… મેરે નાનાજીને બારબાર બતાયા થા !”
“ક્યા બતાયા થા ?”
જવાબમાં જાન અહેમદ બોલ્યો....
“એક થા ગુલ, ઔર એક થી બુલબુલ,
દોનોં ‘ચમન’ મેં રહતે થે…
હૈ યે કહાની બિલકુલ સચ્ચી, મેરે નાના કહતે થે ! ”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment