કડકડતી ઠંડીનાં કાર્ટૂન...!


જાહેર શૌચાલય

એક વિસ્તારના જાહેર શૌચાલયની બહાર સવારના પહોરમાં ખુબ લાંબી લાઈન લાગી છે. લોકો સ્વેટર, મફલર, શાલ વગેરે સાથે લાઈનમાં રાહ જોતા ઊભા છે… કેમ ?

શૌચાલયની બહાર પાટિયુ માર્યું છે : “નળમાંથી ગરમ પાણી આવે છે ! એકસ્ટ્રા ચાર્જ માત્ર 1 રૂપિયો !”

***

દાંતના દવાખાને

એક દાંતના ડોક્ટરની સામે એક સાવ ઘરડા કાકા બેઠા છે. માથે બુઢિયા ટોપી, હાથમાં ઊનનાં મોજાં, આંખે જાડા ચશ્મા. એ કહે છે :

“ડોક્ટર સાહેબ, રાત્રે ઠંડીને લીધે મારા દાંતમાંથી કડકડ કડકડ અવાજો આવે છે !”

ડોક્ટર સાહેબ શાંતિથી કહે છે : “કાકા, તમારું દાંતનું ચોકઠું ગરમ પાણીના ગ્લાસમાં રાખોને…”

***

સડક ઉપર

વહેલી સવારે એક ગોરા સરખા, ગોળમટોળ કાયા ધરાવતા સજ્જન એકદમ ઝડપી સ્પીડે દોડી રહ્યા છે ! એ બિચારા પરસેવે રેબઝેબ છે.

રોડ ઉપર જોગિંગ કરવા નીકળેલા બીજા લોકો એમને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. ગોરા હેન્ડસમ જાડીયા સજ્જન હાંફતાં હાંફતા કહે છે :

“હું કોઈ મેરેથોન રેસ નથી દોડી રહ્યો… આ તો સવાર સવારમાં ચાર “me too”વાળીઓ સામી મળી ગઈ…!”

***

ફિલ્મ એકટ્રેસના બંગલે

બંગલામાં ઇન્કમટેક્સની રેડ પડી છે. ડઝનબંધ કાળા કોટવાળા ઓફિસરો ઘડીકમાં દિવાલ પર લટકાવેલી ઘડિયાળમાં જોઈ રહ્યા છે, તો ઘડીકમાં પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને દાંત કચકચાવી રહ્યા છે.

હિરોઈનનો સેક્રેટરી બાથરૂમના દરવાજા બહાર ઊભો છે. એ કહે છે “

“સાહેબો, હું સાચું જ કહું છું, મેડમ બાથરૂમમાં જ ગયાં છે. પણ શું છે, છેલ્લા બે કલાકથી નહાવાની હિંમત નથી કરી શકતાં…”

***

કારગિલ બોર્ડર પર

અહીં ચારે તરફ બરફ છવાયેલો છે. ટેમ્પરેચર માઈનસ 15 ડીગ્રી છે. ત્યાં એક જવાન હાથમાં રેડિયો ટ્રાન્સમીટર લઈને ભારતીય સેનાના કેપ્ટન પાસે આવીને કહે છે :

“સર, આતંકવાદી છાવણીમાંથી મેસેજ છે. એ લોકો કહે છે કે અમારા બંકરો ઉપર ઝટ બોમ્બમારો કરાવો, નહિંતર અમે તો ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જઈશું !”

***

- મન્નુ શેખચલ્લી

Comments