તમે આ શિયાળામાં માર્ક કરજો, અમુક ‘દયાવાનો’ રાતના ટાઈમે પોતાની કાર લઈને શહેરની ફૂટપાથો ઉપર સૂઈ રહેલા ગરીબોને ધાબળા વહેંચવા નીકળી પડશે.
આમાં ખાસ વાત એ માર્ક કરવાની કે એ લોકો પોતાના પોશ એરિયાની આસપાસના ગરીબોને જ શોધતા હશે ! આ દયાવાનો શહેરના છેડે આવેલા, ગંદકીથી ખદબદતા અને ઝુંપડપટ્ટીઓથી ભરપૂર વિસ્તારોમાં કદી નહિ જાય !
કેમ ? કારણ કે ત્યાં ગરીબોને સુવા માટે ‘ફૂટપાથો’ જ નથી હોતી ! વળી એથી યે મોટો ડર એ લાગે કે સાલા ગરીબો આપણને ક્યાંક લૂંટી ના લે !
આમાં થાય છે એવું કે અમુક ‘જાણકાર ગરીબો’ ખાસ શિયાળાની રાતોમાં પોતાનાં ઘર છોડીને પોશ એરિયાની ફૂટપાથો ઉપર સૂવા આવી જાય છે ! (જેથી પેલા દયાવાનો ‘સેઈફલી’ ધાબળાદાન કરી શકે.)
તમે જોજો, બે-પાંચ વરસમાં તો કોઈ એનજીઓ એવી સરસ મોબાઈલ એપ બનાવી કાઢશે કે એમાં તમે ‘ઓનલાઈન’ જોઈ શકશો કે કેટલા ગરીબો ક્યાં ક્યાં સૂતા છે !
આ બધા દયાવાનો પરદુઃખભંજક નહિ, ‘પરદુઃખાવલંબી’ કહેવાય. (પરદુઃખ = બીજાનું દુખ + અવલંબી = આધાર રાખનાર ) આવાં ગુપ્ત કે જાહેર દાનો કરવાથી એમને ભારે કબજીયાત પછી ખુલાસો થયો હોય એવો અલૌકિક સંતોષ મળે છે્ ્
દિવાળીના સમયે આ પરદુઃખાવલંબીઓ પોતાના પોશ એરિયાની નજીક પડતી હોય તેવી ઝૂંપડપટ્ટીઓ શોધી કાઢે છે. પછી ત્યાં જઈને ઝૂંપડપટ્ટીઓ શોધી કાઢે છે. પછી ત્યાં જઈને ગરીબોને અનાજ વગેરેનું ‘દાન’ કરે છે !
આ દાનકાર્ય પતી જાય પછી જો એકાદ છૂપી પોલીસને ત્યાં બેસાડી હોય તો તમને રીપોર્ટ મળશે કે બોસ, તમે વહેંચેલું મફત અનાજ તો રાતોરાત વેચાઈ ગયું અને એમાંથી બાટલીઓ આવી ગઈ !
એક રીતે જોવા જાવ તો દયાવાન લોકોએ ‘બાટલી-દાન’ કર્યું કહેવાય ને ? એમાં ખોટું શું, હેં ? તકલીફ માત્ર એટલી કે સભ્ય સમાજમાં બાટલી-દાનને 'દાન' જ ગણવામાં આવતું નથી.
અમારા એક NRI મિત્ર બે પાંચ વરસે જ્યારે અમેરિકાથી પાછા આવે ત્યારે ડાંગ વિસ્તારમાં જઈને આદિવાસીઓને કપડાં વગેરે દાનમાં આપે છે. આ વખતે એ બાઈ મને કહે “મન્નુભાઈ, સાલા ડાંગના આદિવાસીઓ તો સાવ બગડી ગયા છે !”
અમે ચોંકી ગયા. “શું થયું ? તમને તીરકામઠાં બતાડીને લૂંટી લીધા?”
તો કહે “ના, એમ નહિ, પણ હવે એ લોકો આદિવાસી લાગતા જ નથી. મારા બેટાઓ બધા મોબાઈલ રાખતા થઈ ગયા છે. આખો દહાડો એમાં ગાયનો અને પિકચરો જુએ છે ! એ તો ઠીક, અમે જે કપડાં આપ્યાં એ લેવાની જ ના પાડી દીધી ! સાલાઓ કહે છે કે આ તો સાવ ફાલતુ ડિઝાઈનો છે ! મન્નુભાઈ, એ આદિવાસીઓ હવે ફેન્સી ટી-શર્ટો અને જીન્સ પહેરતા થઈ ગયા છે !”
લો બોલો. બિચારા આદિવાસીઓ જે પોતડી પહેરીને ફરતા હતા એ હવે જીન્સ ટી-શર્ટ પહેરતા થઈ ગયા એટલે ‘બગડી’ ગયા ?
એમની પાસે મોબાઈલો આવી ગયા એમાં એ બિચારા 'સુખી' ના થયા કહેવાય ? ના, અમારા NRI સજ્જન એ જ વાતે ‘દુઃખી’ થઈ ગયા !
હકીકતમાં આ દયાવાન સજ્જનનું મૂળ દુઃખ એ હતું કે પેલા આદિવાસીઓ હવે એમની દયાને લાયક નથી રહ્યા ! બિચારા ‘સમૃધ્ધ’ થઈ ગયા ને ? હવે અમારા NRI દયાવાન મિત્રએ નવા દુઃખિયારાઓની શોધ કરવી પડશે.
જોકે ચિંતા કરવાની જરૂર નથી. એકાદ NGO એમની મદદ જરૂર કરશે. કારણ કે લગભગ તમામ NGO ‘પરદુઃખાવલંબી’ હોય છે. એમનું કામ દુઃખિયારાંનું દુઃખ દૂર કરવાનું નથી હોતું,
બલ્કે, દયાવાનોનાં દુઃખ દૂર કરવાનું હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
email : mannu@gmail.com
Comments
Post a Comment