ચારેક વરસ પછી તમને લંડનમાં કોઈ ઇન્ડિયન માણસ મળશે. એ કહેતો હશે. “હું એક મામુલી ખેડૂત હતો પણ આજે અબજપતિ છું !”
“શી રીતે ?” તમને નવાઈ લાગશે.
“જુઓ, મારી પાસે વીસેક વીઘાં જમીન હતી. મેં જુદી જુદી સહકારી અને સરકારી બેન્કોમાંથી લોનો લીધી… કારણ કે બધું દેવું માફ જ થવાનું હતું ને !”
“ઓહ.”
“પછી ખેતરોમાં પાણી માટે અરજી કરી. એનું દેવું પણ માફ થવાનું હતું.”
“અચ્છા…”
“નહેરમાંથી આવતા પાણીને મેં મોટર વડે ખેંચી ખેંચીને ટેન્કરોમાં ભરીને શહેરમાં વેચવા માંડ્યું.”
“પણ મોટર ચલાવવાની વીજળી -”
“એનાં બિલો પણ માફ જ થવાનાં હતાં ને !”
“ઓહ…”
“બસ, પાણી વેચી વેચીને રૂપિયા કમાયો. ભાડાનાં ટેન્કરોને મારી માલિકીનાં બતાડીને સરકારી બેન્કોમાંથી લોનો લઈને વોટર પ્યોરીફાયર પ્લાન્ટ નાંખ્યા.”
“ઓહ, મતલબ કે તમે પાણીમાં કમાયા.”
“ના. પ્લાન્ટ તો હતા જ ક્યાં ? મેં તો MSME સ્કીમમાં માત્ર 58 મિનિટમાં 1-1 કરોડની લોનો 8-10 બેન્કોમાંથી પાસ કરાવી લીધી.”
“કારણ કે એ પણ માફ થવાની હતી !”
“રાઈટ… એ રૂપિયામાંથી મેં જમીનો ખરીદીને બમણા ભાવે વેચી મારી ! છતાં જમીનો મારા જ નામે દેખાડીને મેં 50-50 કરોડની લોનો લેવા માંડી.”
“ઓહો. આ તો માલ્યા પધ્ધતિ !”
“ના. એ પછી હું પોલિટીક્સમાં પડ્યો. મારી બૈરીને મેં ચૂંટણીમાં ઉતારી. તેને જિલ્લા પંચાયતની પ્રમુખ બનાવી દીધી.”
“કમાલ છે !”
“બસ, પછી તો મને 500-500 કરોડની લોનો મળવા લાગી, મારી નવી ફેક્ટરી માટે !”
“અચ્છા, શાની ફેકટરી લગાવી ?”
“બટાકામાંથી સોનું બનાવવાની !”
… હવે તમને આશ્ચર્યનો ઝાટકો લાગશે. “ઓ ભાઈ ! બટાકામાંથી કંઈ સોનું બનતું હશે ? એ તો જોક હતી.”
“હા, પણ મને તો લોનો મળી ગઈ ને ? હું ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બની ગયો ! કોંગ્રેસ પણ ઝિંદાબાદ અને ભાજપ પણ ઝિંદાબાદ !”
“પણ ભાઈ, ક્યારેક તો પાઘડીનો વળ છેડે આવશે ને. તમારી મિલકતો પર જપ્તી આવશે ત્યારે ?”
“મિલકતો ભારતમાં છે જ કેટલી ? હું તો બધું વેચી સાટીને અહીં આવી ગયો છું.”
“પણ તમારી પત્ની તો ત્યાં છે ને ? એને બધાં હેરાન કરશે તો ?”
“તો એ #metoo ઝૂંબેશમાં જોડાઈ જશે… સોશિયલ મિડીયા પણ ઝિંદાબાદ !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment