ફિલ્મી, વેરી ફિલ્મી…
2018નું વરસ ફિલ્મી દુનિયા માટે સંપૂર્ણ ‘પારિવારિક’ વર્ષ રહ્યું… કોઈ હીરોઈનોની શાદી થઈ ગઈ, કોઈ હીરોઈનને બાળક આવ્યું, કોઈએ છૂટાછેડા લીધા તો કોઈ અભિનેત્રીઓને #metooના કારણે ડરામણા ‘ફ્લેશ-બેક’ યાદ આવી ગયા !
તો ચાલો, આ વરસે ટીવી સિરિયલોની જેમ ફિલ્મોમાં પણ ‘પરિવાર’ એવોર્ડ્ઝની ઘોષણા કરી દઈએ…
***
બેસ્ટ બેબલી 2018
ફિલ્મ સ્ટારોનાં બાબલા બેબલીઓ માટે જ તો આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે ને! તો આ વરસની બેસ્ટ બેબલી કોણ છે?
વેલ, બહુ મોડે મોડે બિચારી સારા ખાન (સૈફ અલી ખાનની દિકરી) એન્ટ્રી મારીને આવી પણ એવોર્ડને લાયક તો શ્રીદેવીની બેબી જ્હાન્વી કપૂર જ છે. કેમ? પૂછો કરણ અંકલને !
***
બેસ્ટ બાબલો 2018
શહીદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર…. કેમ? પૂછો કરણ અંકલને ! હા,સૈફનો બાબલો તૈમૂર જન્મતાંની સાથે જ ખુબ પબ્લિસીટી ખાઈ ગયો...
***
બેસ્ટ અંકલ 2018
છેલ્લાં સાત વરસથી સ્ટાર-સંતાનોને ફિ્લમોમાં લાડ-પ્યારથી પાપા – પગલી કરાવનાર અંકલ એક જ છે… કરણ જોહર ! આ વખતે અંકલે બાબલો અને બેબલી બન્નેને ‘ધડક’માં તડક-ભડક સાથે લોન્ચ કરી દીધા.
***
બેસ્ટ શાદી કા જોડા 2018
આ વરસે અનુષ્કા-વિરાટ, પ્રિયંકા-નિક અને રણવીર-દીપિકા એમ ત્રણ ત્રણ શાદી કી જોડી બની. પણ યાર, અનુષ્કા અને વિરાટ તો એકબીજાથી હજારો કિલોમીટર આઘાં રહે છે (પેલો ઓસ્ટ્રેલિયામાં, આ ઇન્ડિયામાં)
પ્રિયંકા-નિકમાં એવું છે કે નિકભઈ તો બેસ્ટ ‘બાબલા’ના નોમિનેશનમાં હતા ! એટલે ના-છૂટકે રણવીર-દીપિકા જ આ એવોર્ડ લઈ જાય છે.
***
બેસ્ટ શાદી ઓફ 2018
ભલે ત્રણ ત્રણ હિરોઈનો પરણી, પણ બેસ્ટ શાદી તો ઈશા અંબાણીની ! આખા દેશને ટોટલ ફિલ્મી જલસો જોવા મળ્યો ! બોલો, ખોટી વાત છે ?
***
બેસ્ટ શાદી ડાન્સર્સ 2018
આમાં પણ ઈશા અંબાણીના લગન વખતે નાચતા સલમાન, શાહરુખ, અભિષેક, ઐશ્વર્યા, અને બચ્ચન સાહેબને ગ્રુપ-એવોર્ડ આપવો પડે ! સાલું, એક પૈસો લીધા વિના આટલું સારું નાચ્યા ? હદ થઈ ગઈ.
***
બેસ્ટ શાદી કેટરીંગ 2018
આમાં પણ ઈશા અંબાણીનું મેરેજ ! બચ્ચન સાહેબ, અભિષેક – ઐશ્વર્યા, આરાધ્યા અને આમિર ખાન… લાગે છે કે જો રાહુલબાબાના લગન થશે તો કેટરીંગનો કોન્ટ્રાક્ટ આ લોકોને જ મળશે.
***
બેસ્ટ સાસુ – સસરાજી 2018
નીતા બહેન અને મુકેશ ભાઈ !
ઈશા અંબાણીના હસબન્ડને પૂછો, આ જ જવાબ મળશે.. (કરિયાવર કેટલું મળ્યું એ ના પૂછતા.)
***
બેસ્ટ બહેના 2018
હુમા કુરેશી ! તમે પૂછશો, એ વળી કોણ ? અરે યાર, સલમાન ખાનની મલ્ટી-સ્ટાર ફિલમમાં પોતાના લલ્લુ જેવા ભાઈને (સાકીબ સલીમને) આવડો મોટો રોલ અપાવનારી બહેન બેસ્ટ જ કહેવાય ને ?
***
બેસ્ટ ભૈયા 2018
સલમાન ખાન ! કારણ કે બહેન અર્પિતાને ઠાઠમાઠથી પરણાવી તો ખરી જ, ઉપરથી બનેવી આયુષ શર્માને ‘લવયાત્રી’ ફિલમ વડે હીરો પણ બનાવી દીધો. ચલ, તૂ ભી ક્યા યાદ કરેગા !
***
બેસ્ટ બચ્ચા-બચ્ચી 2018
બેસ્ટ બચ્ચો તો તૈમૂર જ છે. નામ પાડતાંની સાથે જ એનું ‘નામ’ થઈ ગયું ! બેસ્ટ બચ્ચીમાં ઐશ્વર્યાની બેબી આરાધ્યાને ગણવી પડે કારણ કે એ પણ અત્યારથી મેરેજ કેટરિંગમાં મમ્મીની પાર્ટનર બની ગઈ છે !
***
બેસ્ટ સમધી ઈન નેગેટિવ રોલ
બિચારા આલોકનાથ છેક હમણાં સુધી બેસ્ટ ‘સંસ્કારી’ પુરુષનો એવોર્ડ લઈ જતા હતા પણ જ્યારથી અભિનેત્રીઓને #metooના ફ્લેશ-બેકો આવવા લાગ્યા ત્યારથી એમનો રોલ ‘નેગેટિવ’ બની ગયો ! અરેરે…
***
બેસ્ટ જમાઈ 2018
આના માટે અંબાણી પરિવાર તરફથી આનંદકુમાર (પિરામલ)નું બહુ ભારે નોમિનેશન હતું પણ આખા ભારતનો સૌથી મોટો જમાઈ, જો રોબર્ટ વાડરા પછી કોઈ હોય, તો તે પ્રિયંકાનો પતિ નિક જોનાસ જ છે.
***
બેસ્ટ ડિસ્કવરી ઓફ 2018
તમે ગમે એટલાં ફિલ્મી નામો વિચારો પણ મલઈકા અરોરાએ અરબાઝ ખાનથી છૂટા પડ્યા પછી જેની ‘ડિસ્કવરી’ કરી છે એ જ બેસ્ટ છે… અર્જુન કપૂર ! (જોકે આ એવોર્ડ ‘ટેમ્પરરી’ છે, હોં ભઈ ?)
***
- મન્નૂ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Comments
Post a Comment