રજનીકાંતની 500 કરોડી ફિલ્મ ‘બે પૂર્ણાંક શૂન્ય દશાંશ’ (2.0 યાર!) સ્પેશીયલ ઈફેક્ટોથી ભરપૂર છે. જેમાં રજનીકાંત તેની જુની ફિલ્મોમાં કરતો હતો એનાથી યે 100 ગણા પાવરફૂલ સ્ટંટ્સ કરી બતાડે છે.
જરા કલ્પના કરો, એ જ રજનીકાંત જો ટીવી સિરિયલોમાં કામ કરવા માંડે તો ?
***
પહેલી વાત તો એ કે રજની સર માત્ર હિન્દી સિરીયલોમાં કામ નહીં કરે !
એ તો હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, બાંગ્લા, પંજાબી, ભોજપુરી, મરાઠી, આસામી… વગેરે તમામ ભાષાઓની ટોટલ 293 સિરિયલોમાં એક સાથે કામ કરશે !.... માઈન્ડ ઈટ.
***
રજની સર દરેક સિરિયલના શૂટિંગ માટે માત્ર પાંચ મિનિટ માટે આવશે ! એમાંય બે મિનિટમાં પોતાના બધા ડાયલોગ્સ બોલીને જતા રહેશે !
જતાં જતાં કહેશે “યીસ કો તુમ સુપ્પર સુપ્પર સ્લો સ્પીડ મેં ચલાના… તુમ્હારા પુરા વીક કા સ્સારા એપિસ્સોડ કા શૂટિંગ ફિનીશ હો ગયા ! વોક્કે ?”
***
એકતા કપૂરની સિરીયલોમાં રજની સરની એન્ટ્રી થયા પછી સ્ટોરીમાં 20-20 વરસને બદલે 200-200 વરસના જમ્પ આવશે !
***
‘ક્રાઈમ પેટ્રોલ’ ટાઈપની સિરીયલોના દરેક એપિસોડમાં એક-બે નહિ 30-40 ગુનેગારો હશે ! રજની સર એમની સુપ્પર સ્પીડમાં બધે ફરી વળશે અને એકસાથે 4 બાઈક, 6 જીપ અે 10 બુલડોઝરો ચલાવીને બધાને ઝબ્બે કરી લેશે ! યેન્ના રાસ્કલા…
***
‘ખતરોં કે ખિલાડી’માં બારે બાર સ્પર્ધકો રજની સર પોતે જ હશે અને પ્રોગ્રામનું નામ બદલાઈને ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ-રેકોર્ડઝ’ થઈ જશે ! રાઈટ્ટઅ?
***
‘બિગ બોસ’માં રજની સરની એન્ટ્રી થયા પછી ક્યાંકથી સલમાન ખાનનો તીણો અવાજ સંભળાતો હશે. “રજની સર, પ્લીઝ… મુઝે આપ કી જેબ સે બાહર નિકાલો !”
***
‘કોફી વિથ કરન’માં જો રજની સર આવશે તો કરણ જોહરે અગાઉથી 40 ટેન્કરો ભરીને કોફી મંગાવી રાખવી પડશે !
***
અને જો ભૂલેચૂકે એકાદ સિરિયલમાં રજની સરની યાદદાશ્ત જતી રહેશે…
… તો તમામ ચેનલો ઉપર દૂરદર્શનના જમાનાની ‘હમલોગ’ અને ‘બુનિયાદ’ ચાલુ થઈ જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment