ત્રીજી સ્ટુપિડ વારતા ! (નાની)


લલ્લુ અને બલ્લુ એટલે સમજો ને, ગુજરાતના સન્તા અને બન્તા…

લલ્લુ – બલ્લુ એકવાર રાતના સમયે બાઈક લઈને એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ખાડાને લીધે બાઈક એવી જબરદસ્ત ઉછળી કે બલ્લુના હાથ-પગ ભાંગી ગયા.

લલ્લુને થોડીક જ ઈજાઓ થઈ હતી પણ સાલી, બાઈક બંધ પડી ગઈ હતી.

લલ્લુ જેમ તેમ કરીને બલ્લુને ઉંચકીને નજીકના ગામડામાં કોઈ નાનકડા સરખા દવાખાને પહોંચ્યો. ડોક્ટરે તપાસીને કહ્યું :

“લોહી ઘણું વહી ગયું છે. મારી પાસે લોહીનો એક જ બાટલો છે. નજીકના શહેરમાં જઈને બ્લડ-બેન્કમાંથી બીજા ત્રણ-ચાર બાટલા લઈ આવવા પડશે.”

લલ્લુ કહે : “તમારી કાર આપો. હું જઈને લઈ આવું.”

ડોક્ટર કહે છે “સોરી ભાઈ, મારી કાર બગડી ગઈ છે. તમે એક કામ કરો, મારા કમ્પાઉન્ડરની સાઈકલ લઈ જાવ… પણ હા, રસ્તામાં ખાસ ધ્યાન રાખજો કારણ કે ઠેર ઠેર ખોદકામ ચાલે છે.”

“ઓહોહો…”

“હા. જ્યાં ને ત્યાં ડાયવરઝન છે. એટલે વળી પાછું તમને અંધારામાં દેખાશે નહિ, તો તમે જ ખાડામાં પડશો.”

“તો તો ઉપાધિ…”

“તમે એક કામ કરો. જોડે એક ટોર્ચ લેતા જાવ. રસ્તામાં જે કોઈ સૂચના લખેલાં બોર્ડ આવે તેને બરોબર જોઈ, અને તે સૂચનાનું પાલન કરજો….”

“તમે ચિંતા ના કરો સાહેબ. હું બહુ આજ્ઞાંકિત નાગરિક છું.”

લલ્લુ તો સાઈકલ લઈને ગયો…

છેક સવારના છ વાગી ગયા છતાં એ પાછો ના ફર્યો. આ બાજુ બલ્લુની હાલત બગડી રહી હતી.

છેવટે છેક સાત વાગે લલ્લુ દૂરથી સાઈકલ પર આવતો દેખાયો. ત્યાં સુધીમાં તો બિચારો બલ્લુ બેભાન થઈ ગયો હતો.

લલ્લુ આવ્યો કે તરત ડોક્ટરે પૂછ્યું “ભાઈ ! આટલું મોડું કેમ થયું ?”

“સૂચનાનું પાલન કરતો હતો.”

“કોની સૂચના ?”

“અરે, તમારી જ સૂચના હતીને, કે રોડની સાઈડમાં જે બોર્ડ આવે તેની ઉપર લખેલી સૂચનાનું પાલન કરવું.”

“તો?”

“રસ્તામાં એક જ બોર્ડ હતું. એની ઉપર એક જ સૂચના હતી. એનું મેં બરોબર પાલન કર્યું.”

“અરે, પણ સૂચના શું હતી ?”

“દુર્ઘટના સે દેર ભલી !”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments