આજકાલની ફિલ્મોનાં ગાયનો કોઈને યાદ કેમ નથી રહેતાં ? વરસની 150 જેટલી હિન્દી ફિલ્મોનાં 600 જેટલાં ગાયનોમાંથી 6 ગાયન પણ ‘યાદગાર’ કેમ નથી નીકળતાં ?
અરે, એ છોડો, જે ગાયન થોડુંઘણું ‘યાદ’ રહે છે એ મોટે ભાગે જુના કોઈ ‘યાદગાર’ ગાયનનું રિમિક્સ હોય છે !
નવા ગાયનોમાં એવું થાય છે કે રેડિયોમાં પુરું થયાની ત્રીજી જ મિનિટે ભૂલાઈ જાય છે અને ફિલ્મમાં તો ગાયન પત્યાની 30મી સેકન્ડે પણ યાદ નથી આવતું કે હમણાં કયું ગાયન ગયું ?
આજકાલ ફિલ્મ પતે ત્યારે થિયેટરમાં લાઈટો ચાલુ રાખીને એકાદ ગાયન બતાડવામાં આવે છે. એમાં ફિલ્મના તમામ એક્ટરો વિચિત્ર વેશભૂષામાં નાચતા હોય છે. કમ સે કમ બહાર નીકળ્યાની પાંચ મિનિટ સુધી તો એ ગાયન મગજમાં રમવું જોઈએ કે નહિ ?
પણ ના. યાદ કરો, ‘સંજુ’ ફિલ્મમાં છેલ્લું ગાયન શું હતું ? કોઈને હજી ‘કાલા ચશ્મા જંચતા હૈ…’ યાદ હશે પણ ‘સ્ત્રી’ ફિલ્મમાં છેલ્લું સોંગ શું હતું ? જવાબ મળશે કે “હા, એમાં બધા ભાયડાઓ બૈરાંઓનાં કપડાં પહેરીને નાચે છે, એ જ ને ?” હા ભઈ હા, પણ એના શબ્દો ?
તમે નહિ માનો, આ ટાઈપના અનેક ‘ફરગેટેબલ’ ગાયનો શી રીતે બનાવવાં એની આખી ફોર્મ્યુલા ગીતકારો, સંગીતકારો અને ગાયકોએ શોધી કાઢી છે…
***
(1) ગાયકોએ કદી સ્પષ્ટ ઉચ્ચારો કરવા જ નહીં!
કાં તો નાકમાંથી ગાવાનું, કાં તો ખુબ તરસ લાગી હોય એ રીતે હાંફતાં હાંફતાં (‘વ્હીસ્પરમાં’ એવું કહેવાય છે.) ગાવાનું, અથવા તો જીભ ઉપર ચીકણું ગ્રીઝ લગાડ્યું હોય એ રીતે ‘લપસી જતા’ ઉચ્ચારોથી ગાવાનું.
તમે કાનમાં હેડફોન લગાડીને સાંભળો છતાં સત્તરમી વખતે ય કોઈ શબ્દો સમજાઈ જાય તો આપણે પુરા 17 રૂપિયા હારી જવા !
(2) સમજાય એવા શબ્દો જ નહીં લખવાના !
ગાયનોમાં માત્ર મુખડાં જ ચાલે છે… ‘ચન્ના વે’ ‘ઈક કુડી’ ‘પાની દા રંગ વેખ કે’.... ‘મૈં ક્યા કરું ? મૈં ક્યા કરું મૈં ક્યાઆઆ કરું?’
પછી અંતરામાં શું ચાલે છે તે કોઈ પૂછતું જ નથી. એમાંય, આખેઆખા ‘પંજાબી’ ગાયનો ‘હિન્દી’ ફિલ્મમાં શી રીતે ઘૂસી જાય છે અને એવાં ગાયનો સાંભળીને ગુજરાતી છોકરા-છોકરીઓ શું જોઈને ગરદન હલાવે છે તે સમજાતું નથી. (સોરી, એ સમજવાનું જ નહીં.)
(3) એંશી ટકા ‘ફરગેટેબલ’ ગાયનો સ્લો રિધમનાં હોવાં જોઈએ.
એમાં ગિટાર વાગ્યા કરતી હોય તે ફરજિયાત છે, ગાયનના શબ્દો હિરો હિરોઈને પણ ગાવાનાં હોતા નથી કારણ કે એ વખતે એમણે એકબીજાને પાણીની છાલકો ઉડાડવાની હોય છે, આઈસ્ક્રીમનો કોન બતાડીને પાછો લઈને પોતાના મોંમાં મુકવાનો હોય છે અથવા દૂર દૂરનો નજારો કેટલો સરસ છે એવું એકબીજાને બતાડવાનું હોય છે.
(સેડ ગાયન હોય તો બેસી રહેવાનું, ઊભા રહેવાનું કે ચાલતા રહેવાનું હોય છે. બસ.)
(4) ‘ફરગેટેબલ’ ગાયનની કોઈ ચોક્કસ ‘થિમ’ હોવી જ ના જોઈએ.
યુવાનોનાં આટલા બધા ‘બ્રેક-અપ’ થાય છે પણ ‘બ્રેક-અપ’ ઉપર કેટલાં ગાયન લખાયાં ? (માત્ર એક). દરેકની આજકાલ ‘એક્સ-ગર્લફ્રેન્ડ’ ‘એક્સ-બોયફ્રેન્ડ’ હોય છે. પરંતુ ‘એક્સ’ શબ્દ કોઈ ગાયનમાં આવ્યો ? ના.
પ્રેમમાં જેલસી… છોકરીના ગંદા ફોટા ફેસબુકમાં ચડાવી દેવાના, બદનામ કરવાની ધમકી આપવી, એ બધું ‘આજે’ થાય છે પણ ‘તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કીલ હોગી’ એવું ગાયન ક્યારે લખાયું ? 1963માં..
***
- મન્નૂ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Comments
Post a Comment