‘આ સાલા મદનિયાને આટલી બધી છોકરીઓ ક્યાંથી મળી જાય છે ?’
કોલેજના તમામ છોકરાઓને આ સવાલ થતો હતો. મદનિયો યાને કે મદન ખોખાણી, દેખાવે જરાય હેન્ડસમ નહિ. બોડી પણ કંઈ સલમાન શાહરુખ જેવું નહિ. બલ્કે જરા જાડિયો. રંગે પણ શ્યામ.
હા, કપડાં ઠીકઠાક પરંતુ એવાંય નહિ કે મદન હિરો લાગે. કોઈ મોટા કરોડપતિનો દિકરો નહીં, એની પાસે કાર પણ નહીં. બસ, એક બાઈક. એ પણ કાળા કલરનું. ઓર્ડીનરી ઝુઝુકી. છતાં જ્યારે જુઓ ત્યારે એની બાઈક પાછળ કોલેજની એકાદ છોકરી તો હોય જ!
કોલેજમાં હેન્ડસમ છોકરાઓની કંઈ કમી નહોતી. હેન્ડસમ પ્લસ પૈસાદાર છોકરાઓ ય ડઝનથી વધારે. છતાં શી ખબર, કોઈને સમજાતું નહોતું કે આ મદનિયામાં એવું તે શું છે કે બ્યુટિફૂલ છોકરીઓ એની પાસે જ આવે છે.
વળી એવું પણ નહિ કે છોકરીઓ રોજ રોજ બદલાતી હોય. એક છોકરી સાથે મદનનું કમ સે કમ ત્રણ-ચાર મહિના જેટલું તો ચાલે જ !
અચ્છા, તમે છોકરીઓને પૂછો તો લગભગ બધી છોકરીનો એક જ જવાબ હોય. ‘હિ ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ !’
બોલો. ‘જસ્ટ-અ-ફ્રેન્ડ’ પણ નહિ ! ‘ખાસ ફ્રેન્ડ’ કે ‘ક્લોઝ ફ્રેન્ડ’ પણ નહિ, ‘બેસ્ટ ફ્રેન્ડ’…
આ રહસ્ય સોનુને પણ કદી સમજાયું નહોતું. સોનુ અને મદન એક જ એપાર્ટમેન્ટમાં સાથે ભાડે રહેતા હતા. મદનને મળવા માટે છોકરીઓ રાતના ટાઈમે પણ અહીં આવતી. સોનુને કદી એમ નહોતું લાગતું કે આ સાલો મદનિયો બહુ ‘ચાલુ’ છે કારણકે સોનુ માનતો હતો કે પોતાની અને મદનની કોઈ ‘કોમ્પિટીશન’ જ નથી.
સોનુ એટલે આખી કોલેજનો હિરો ! એકે એક છોકરી એના એક સ્માઈલ કે એની એક ‘હાઈ!’ પામીને સાતમા આસમાનમાં પહોંચી જતી હતી, સોનુ હેન્ડસમ તો ખરો જ, ઉપરથી પૈસાદાર બાપનો દિકરો એટલે દિલ્હી પાસિંગની નંબર પ્લેટ 1-13-7 (એક તેરા સાથ)વાળી ‘ઓડી’ લઈને કોલેજ આવે.
સોનુને પહેલા જ સેમેસ્ટરમાં સોનાલી નામની એક બેહદ ખુબસુરત છોકરી જોડે ઈલુ-ઈલુ થઈ ગયું. ત્યાર બાદ એ ઈલુ-ઈલુ લવમાં ફેરવાયું, એ પછીના ત્રણ વરસમાં તો સોનુ-સોનાલીની ‘રીલેશનશીપ’ તઈ ગઈ હતી.
બધા રાહ જોતા હતા કે બસ, આ છેલ્લું સેમેસ્ટર પતે એટલી વાર… સગાઈની પાર્ટી આવવાની જ છે !
પણ મદનનું નસીબ સોનુ કરતાં બે ડગલાં આગળ હતું. એક દિવસ શી ખબર કોઈ વાતે સોનુ-સોનાલી વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલો વધી ગયો કે પંદર દિવસમાં તો એમનું બ્રેક-અપ થઈ ગયું !
સોનુ બિચારો પરેશાન હતો, ઉદાસ હતો, હતાશ હતો. દિલમાં બ્રેક-અપના ઊંડા ઘા પડી ગયા હતા. એવામાં જાણે ઘા ઉપર મીઠું ભભરાવાતું હોય તેમ તેણે જોયું કે સોનાલી મદન જોડે ફરવા લાગી હતી !
આ જોઈને સોનુના દિમાગની વાટ લાગી ગઈ. “મારી સોનાલી આ ચામાચિડીયા જેવા મદનની જોડે ? સોનાલીએ એ કાર્ટૂનમાં શું જોયું ? બીજો કોઈ નહિ ને સાલો મદનિયો ? મારો જ સગ્ગો રૂમ-પાર્ટનર?”
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક મોડી રાત્રે સોનુ કોઈ કચરા જેવી હિન્દી ફિલ્મનો છેલ્લો શો જોઈને લગભગ દોઢ વાગે એપાર્ટમેન્ટ પર આવ્યો ત્યારે તેણે સોનાલીને અંદરથી નીકળીને બહાર જતી જોઈ !
સોનુના આખા શરીરમાં પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દીધી હોય તેવી આગ લાગ ગઈ ! તેણે અંદર આવતાની સાથે જ મદનની ફેંટ પકડી લીધી. “સાલા હરામખોર ! તું મારી સોનાલી જોડે -”
“મારી સોનાલી, મારી સોનાલી શું કર્યા કરે છે ? સોનુલાલા, તારું એની જોડે બ્રેક-અપ થઈ ગયું છે. ભૂલી જા એને !”
“તું સાલા, મારા હાથનો માર ખાઈશ !” સોનુએ મુક્કો ઉગામ્યો. મદન હસ્યો.
“માર ? માર ? તું મને મારીશ. તો સાનોલી જ મને પાટાપિંડી કરવા આવશે ! પછી તો તું જાણે છે… છોકરીની સિમ્પથી ક્યારે લવમાં પલટાઈ જાય, એ કહેવાય નહીં.”
સોનુ બગડ્યો. “હા, તને તો બહુ છોકરીઓનો અનુભવ છે ને ! સાલું, મને હજી નથી સમજાતું કે આ બધી છોકરીઓ તારી પાસે આવે છે શી રીતે ?”
મદનના ચહેરા પર સ્માઈલ આવ્યું. “જાણવું છે તારે ? ચલ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તને કહું છું… સાંભળ, છોકરીઓ હંમેશાં બાઉન્સમાં આવે !”
“બાઉન્સમાં ? એટલે ? ” સોનુને કંઈ સમજ ના પડી. મદને તેને ઠંડુ પાણી પીવડાવીને, જરા શાંત પાડીને બેસાડ્યો.
“જો, બિચારા કોઈ છોકરાનું બ્રેક-અપ થાય તો એ શું કરે ? થોડું રડે, દારૂ પીએ, પછી ભાઈબંધો આગળ બખાળા કાઢે, પેલીને ગાળો દે, એને વાહિયાત મેસેજો કરે, ફેસબુકમાં એના વિશે જેમતેમ લખ લખ કરે, છોકરી કેટલા પૈસાનું કરી ગઈ. એના હિસાબો કરે, છોકરીના ફોટાની હોળી કરે. અને જો છોકરી કોઈ બીજા છોકરા જોડે ફરતી દેખાય તો એની જોડે જોઈને મારામારી કરે.”
“જે રીતે હું તને મારવા આવ્યો એમ -”
“એકઝેક્ટલી ! પણ બિચારી છોકરીનું બ્રેક-અપ થાય ત્યારે એ શું કરે ? બિચારી બહુ રડે, ટ્રેજેડીવાળાં લવ-સોંગ સાંભળે, ચોકલેટો આઈસ્ક્રીમો ખા-ખા કરે, બહેનપણીઓ આગળ રોઈ રોઈને સિમ્પથીઓ માગે… છેવટે બહેનપણીઓ પણ કંટાળે એટલે આ બ્રેક-અપવાળી છોકરી ‘બાઉન્સ’માં કોઈ ખભો શોધે !”
“બાઉન્સ ? ખભો ? એટલે શું યાર !”
“બાઉન્સ એટલે... બ્રેક-અપ પછી છોકરી ઈમોશનલી પછડાય, પછીતે પાછી ઉછળેને, એને બાઉન્સ કહેવાય ! આ બાઉન્સમાં છોકરી મોટે ભાગે ગુસ્સામાં આવીને, પોતાના એક્સ બોય-ફ્રેન્ડને બતાડી દેવા માટે એકાદ છોકરો શોધી કાઢે !”
“અને પછી એના પ્રેમમાં પડે ?” સોનુ હસ્યો. “જા જા મદનિયા, સપનાં જુએ છે, તું સપનાં…”
“પ્રેમમાં ના પડે, ટોપા ! એ છોકરી રડવા માટે એક ખભો શોધતી હોય છે ! બસ, એવા સમયે હું પહોંચી જાઉં છું… એને સહારો આપું છું… કહું છું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તારી ઉપર શું વીતી રહી છે… કોઈપણ રીલેશનશીપ તૂટે ત્યારે શું થાય છે તેની મને બરોબર ખબર છે. બટ ડોન્ટ વરી, તું જોશમાં આવીને બીજી કોઈ રીલેશનશીપમાં ઉતરવાની ઉતાવળ ના કરીશ… હું આવું બધું કહું એટલે એને ઈમોનશલ સપોર્ટ મળે… પછી એ સપોર્ટ ક્યારેક ફિઝિકલ પણ બની જાય…”
આ સાંભળતાં જ સોનુ ભડક્યો. “સાલા મદનિયા ! ખબરદાર, જો તેં એવું કંઈ કર્યું છે તો -”
મદન હસ્યો, “માય ડિયર સોનુ ! બાઉન્સ થતા બોલને રમવાની બે જ રીત હોય છે. કાં તો ડક કરી જાઓ, અથવા ચાન્સ લઈને સિક્સર ફટકારી દો !”
હસતા મદનિયાને જોઈને સોનુને એવી દાઝ ચડી કે તેણે પોતાની મુઠ્ઠી વડે મદનિયાના ચહેરા ઉપર જ સિક્સર ફટકારી દીધી.
છતાં મદન હસતો હતો. “જોયું ? તેં જ સામે ચાલીને સોનાલી માટે સિમ્પથીની પિચ તૈયાર કરી આપી ને ?”
***
- મન્નૂ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Waqt ne kiya Kya hasi sitam —-
ReplyDelete