પંચતંત્રની આ વારતા અમે ચોથી કે પાંચમી વાર લખી રહ્યા છીએ ! જોકે દર વખતે વારતામાં નવો ટ્વિસ્ટ હોય છે….
***
લોકશાહી નામનું એક વિશાળ તળાવ હતું. એમાં હજારોની સંખ્યામાં દેડકાં રહેતાં હતાં.
હવે તમે જ કહો, જ્યાં આટલા બધાં દેડકાં હોય ત્યાં લોકશાહીનું શું થાય ? તળાવની દશા બગડતી જતી હતી.
એકવાર બધાં દેડકાં ભેગા મળીને ભગવાન પાસે જઈને કહેવાં લાગ્યાં, “અમને એક રાજા આપો.”
ભગવાન કહે “દેડકાંઓને રાજા ના હોય…”
છતાં દેડકા માન્યા નહીં એટલે ભગવાને એક સૂકું થડિયું ઉપાડીને તળાવમાં નાંખી દીધું. દેડકાઓ તો ખુશ થઈ ગયા કે ઓહોહો… કેવો મોટો રાજા છે !
પછી ધીમે ધીમે ખબર પડી કે આ રાજા તો કંઈ કરતો નથી ! નથી બોલતો, નથી ચાલતો, બસ, ત્યાં ને ત્યાં પડ્યો રહે છે !
તોફાની દેડકાં તો થડીયાં ઉપર સાતતાળી રમતાં થઈ ગયાં ! છતાં થડિયું ચૂપ !
આખરે દેડકાં કંટાળ્યા. એ બધાં ફરી ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા. “અમને આ કેવો રાજા આપ્યો ? નથી બોલતો, નથી ચાલતો, નથી કંઈ કરતો… અમને તો જબરો રાજા જોઈએ.”
ભગવાને કહ્યું “ઠીક છે. આ લો…”
એમ કહીને ભગવાને તળાવમાં એક મોટો નાગ છોડી મુક્યો !
આ નાગ તો ખરેખર જબરો હતો. એના ફૂંફાડાથી ભલભલા ડરવા લાગ્યા. તળાવની સરહદોની પેલે પારથી અમુક માછીમારો ઘૂસીને માછલાંઓ ઉપર છાપો મારતા હતા એ ભાગવા લાગ્યા. ઠેકઠેકાણેથી ભેલાણ કરીને ઉંદરડા ઘૂસી આવતા હતા એ ફફડવા લાગ્યા.
એમાં વળી એક દિવસ નાગ કહે “તળાવનું પાણી સડી ગયું છે ! બદલવું પડશે !”
એમ કહીને આખેઆખું તળાવ ઉલેચાવ્યું અને ફરી ભરાવ્યું ! દેડકાં તો બિચારાં પરેશાન થઈ ગયાં…
બધાં દેડકાં ફરી ભગવાન પાસે પહોંચ્યા. જઈને કહે “પેલું થડિયું જ બરોબર હતું !”
***
જુઓ, હવે વારતામાં આગળ શું ટ્વિસ્ટ આવે છે..
- દેડકાંઓ આખા તળાવમાં થડિયું લાવે છે ?
નાગ લાવે છે ?
કે થડિયા પર બેસનારો રબરનો સાપ લાવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment