જાણકારો કહે છે કે ન્યુઝ-ચેનલોમાં અમુક ભાજપ તરફી છે અને અમુક કોંગ્રેસ તરફી.
અમે કહીએ છીએ કે તરફી-બરફી વળી શું ? ભાજપ અને કોંગ્રેસે ‘પોતાની’ જ ચેનલો ચાલુ કરી દેવી જોઈએ ! અને એ પણ મનોરંજન ટીવી ચેનલો…
***
ભાજપની ચેનલ : ‘કમલ ટીવી’
આ ચેનલમાં વરસો લગી સતત ચાલતી રહેનારી એક મહા-મેગા મહા-લાંબી સિરિયલ હશે જેનું નામ હશે “કસૌટી, હિન્દુત્વ કી.”
***
બીજી એક સરસ મઝાની સુંદર ધાર્મિક સિરિયલ ચાલતી હશે જેમાં દર ચાર-પાંચ વરસે જ થોડો સંઘર્ષ ઊભો થતો હશે. સિરિયલનું નામ છે : ‘મંદિર વહીં બનાયેંગે.’
***
એ જ સિરિયલની પાછળ પાછળ એક કોમેડી શો ચાલતો હશે : “રામ નામ જપના, પરાયા માલ અપના.”
***
ભાજપની ચેનલ હોય અને ‘પરિવાર’ ના હોય એવું બને ? એમાં લડાઈ, ઝગડા, વાદ, વિવાદ, મિલન, જુદાઈ, પ્રેમ, ધિક્કાર… બધું જ હશે. સિરિયલનું નામ પણ પારિવારિક હશે. “સાથી મેરે, સંઘ રહેના.”
***
કમલ ચેનલનો એક ફેશન-શો પણ હશે : “ઐસા ખેસ હૈ મેરા.”
***
કોંગ્રેસની ચેનલ : ‘પરિવાર’ ટીવી
આ તો સંપૂર્ણપણે ફેમિલી ચેનલ જ હશે. એમાં રોજ ત્રણ ત્રણ ડેઈલી સિરિયલો એક પછી એક આવતી હશે :
“વો રહનેવાલી 10 જનપથ કી..”
“ક્યું કિ સોનિયા ભી કભી બહુ થી…”
“બા, બહુ ઔર બાબા…”
***
એક જબરદસ્ત લાઈવ કોમેડી-શો હશે જેનું નામ છે “ધી ગ્રેટ લાફ્ટર ચેલેન્જ.”
આમાં સતત 'પપ્પુ જોક્સ' સંભળાવવામાં આવશે પરંતુ જે સ્પર્ધકો હસી પડશે એને ‘આઉટ’ કરી દેવામાં આવશે અને જે પોતાનું હસવું રોકી શકશે એમને જ ‘પ્રમોશન’ મળશે… ચેલેન્જ એટલે ચેલેન્જ.
***
તમને નવાઈ લાગશે, પણ આ ચેનલ ઉપર હિન્દુ ધર્મ વિશે એક ‘ક્વીઝ શો’ પણ હશે. એનું નામ છે : “તુમ્હારા ગોત્ર ક્યા હૈ ?”
***
એક ટુરિઝમ શો હશે જેમાં 'પરિવાર'ના સભ્યો મંદિરોની મુલાકાતો લેતા હશે નામ છે “મંદિર, યાત્રા ઔર જનોઈ.”
***
… અને એક ‘પપેટ શો’ (કઠપૂતળીનો ખેલ) ચાલતો હશે જેનો દોરી સંચાર માત્ર દિલ્હીથી થશે. જોતા રહેજો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment