'એન્ટિલિઆ'ના મહેમાનો માટે સૂચનાઓ...


ઈશા અંબાણીના લગ્ન મુકેશભાઈના મુંબઈ ખાતેના 27 માળ ઊંચા ‘એન્ટિલિઆ’માં થઈ ગયાં...

તમે આ બિલ્ડીંગ જોયું છે ખરું ? જાણે માચિસનાં ખોખાં જોડી જોડીને એકાદ ‘ટાવર’ બનાવ્યા પછી એમાંથી બે-પાંચ ખોખાં કાઢી લીધાં હોય એવો એનો આકાર છે !

અંદર તો બધું ચકાચક જ છે પણ પ્રોબ્લેમ એક જ છે કે ઊંચાઈ અને પહોળાઈનું પ્રમાણ 1:27નું છે ! આના લીધે, શક્ય છે કે માનવંતા મહેમાનો માટે આવી કંઈક સૂચનાઓ અપાઈ હશે…

***

આકાશમાર્ગેથી ડાયરેક્ટ આવનારા મહેમાનો માટે સ્પેશિયલ હેલિપેડ 27મા માળના ધાબા ઉપર છે…

પરંતુ મહેમાનોનું સ્વાગત ગ્રાઉન્ડ ફ્લોરના ઝાંપા આગળ કરવામાં આવશે !

***

VIP પાર્કિંગ મકાનના ત્રીજા, ચોથા અને પાંચમા બેઝમેન્ટમાં છે…

પરંતુ યાદ રહે, મહેમાનોનું સ્વાગત ગ્રાઉન્ડ ફ્લોરના ઝાંપા આગળ જ કરવામાં આવશે !

***

લગ્ન સ્થળ બિલ્ડિંગના 15મા માળે છે તથા મહેમાનોને બેસવાની વ્યવસ્થા 18મા માળે છે !

***

વેલકમ ડ્રીંક્સ 18મા માળે જ સર્વ કરવામાં આવશે પરંતુ ભોજનની વ્યવસ્થા 7મા, 11મા તથા 13મા માળે કરવામાં આવી છે.

***

7મા માળે જૈન કાઉન્ટર, 11મા માળે ગુજરાતી વેજ-કાઉન્ટર તથા 13મા માળે કોન્ટિનેન્ટલ પંજાબી કાઉન્ટર છે.

***

પાન ખાવા માટે 20મા માળે પધારશો. આઈસ્ક્રીમની વ્યવસ્થા 23મા માળે રાખેલી છે.

***

હા, કન્યાદાનની રકમ તથા ગિફ્ટ વગેરે આપવાની વ્યવસ્થા દરેક માળે રાખેલી છે ! (ગુજરાતી છીએ ને!)

***

લિફ્ટમાં માત્ર 11 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે. કૃપા કરી ધક્કામુક્કી કરવી નહિ.

***

બિલ્ડીંગમાં ચાર લિફ્ટો છે. ઉપર જવા માટે એકી નંબરની લિફ્ટોનો ઉપયોગ કરવો તથા નીચે આવવા માટે બેકી નંબરની લિફ્ટોનો ઉપયોગ કરવો.

***

‘એકી’ તથા ‘બેકી’ની ‘નૈસર્ગિક’ સગવડો દરેક માળે છે. ચિંતા કરશો નહિ.

***

માર્ગ ભૂલેલા મહેમાનોએ માર્ગદર્શન તથા પૂછપરછ કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલી હેલ્પ-ડેસ્ક પાસે જવા વિનંતી છે.

- એન્જોય ધ વેડિંગ !

***

- મન્નુ શેખચલ્લી

Comments