હવામાં ગોળીબાર
જે યંગસ્ટરો ‘ફેસબુક’ને જ સૌથી વધારે વાંચે છે એમને કદાચ ખબર નહિ હોય કે ગયા અઠવાડીયે અમદાવાદમાં એક ‘ઓફ-લાઈન’ પુસ્તકોને મેળો ભરાઈ ગયો !
એમને સવાલ થશે કે અલ્યા, ‘ઓફ-લાઈન’ બુક્સ કેવી હોય ? તો ભઈલા, તમે ભણવા માટે જે ટેક્સ્ટ-બુકો (અને એની ગાઈડો) વાંચતા હતા ને, એના જેવી જ હોય ! લોચો એટલો જ કે આપણે જે કંઈ ‘ઓન-લાઈન’ જોઈએ છીએ ને, એની કંપેરિઝનમાં આ ‘ઓફ-લાઈન’ બુક્સમાં થોડી ખામીઓ રહી ગઈ છે ! જેમ કે…
***
‘વ્યુઝ’ નથી બતાડતી
આપણે યુ-ટ્યુબ ખોલીએ કે તરત એમાં 1M કે 60K એવા વ્યુઝ બતાડે છે ને ? એવું આમાં કશું હોતું જ નથી ! એટલે સાલું, ખબર જ ના પડે કે આ બુક કેટલા લોકોએ ‘જોઈ’ !
***
‘રિવ્યુઝ’ નથી હોતા
આપણે ફિલ્મ જોવા જઈએ કે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ એ પહેલાં એનો ‘રિવ્યુ’ તો જોવો પડે ને ? જ્યારે આ ઓફ-લાઈન બુક્સમાં 2 ભીંડા, 3 ટામેટાં, 4 સ્ટાર્સ કે 5 મુન… એવા કોઈ રેટિંગ્સ હોતા જ નથી ! એટલે સાલું, ‘વાંચ્યા વિના’ ખબર જ ના પડે કે બુક કેવી હશે !
***
લાઈક, શેર, સબ-સ્ક્રાઈબ પણ નહિ
આખેઆખી બુકમાં ક્યાંય ‘લાઈક’ કરવાનું બટન જ ના હોય ! ‘શેર’ કરવી હોય તો તો સાલી કુરિયરથી મોકલવી પડે ! ‘સબ-સ્ક્રાઈબ’નું બટન નથી એટલે કોઈ ‘નોટિફીકેશન્સ’ બી ના આવે !
હા, આમાં ‘લિન્ક’ હોય છે ખરી… પણ એ તો કોઈ લેખકને ઈનામ જોઈતું હોય તો જ લગાડવાની હોય છે.
***
‘પ્રોમોઝ’ તો આવતા જ નથી
જો ‘પ્રોમો’ ના આવતા હોય તો આપણને શી રીતે ખબર પડે કે સો એન્ડ સો બુક આવી રહી છે ? અરે કમ સે કમ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના ટ્રેલર પહેલાં ‘પીળા રૂમાલની ગાંઠ’ની એક એડ, તો હોવી જોઈએ ને ?
(બાય ધ વે, આ ‘ગાંઠવાળો પીળો રૂમાલ’ એ કંઈ ફેશન-પ્રોડક્ટ નથી.. એ તો બુક છે !)
***
‘એન્કરેજમેન્ટ’ નથી હોતું
આપણા માસ્તરો અને અંકલો જે રીતે ‘પુસ્તકો વાંચો… પુસ્તકો વાંચો…’ એવું બોલી બોલીને કાન ખાઈ જાય છે એવા એન્કરેજમેન્ટની વાત નથી.
પણ આપણે મોબાઈલમાં કશું લાંબું વાંચવાનું આવે ત્યારે નીચે વારંવાર Read more… Read more… એવું હોય છે ને ? એવું એન્કરેજમેન્ટ ઓફ-લાઈન બુક્સમાં હોતું જ નથી !
***
‘એક્સપ્લેનેશન’ નથી
આપણે ઓન-લાઈન વાંચતા હોઈએ ત્યારે અમુક શબ્દો બ્લુ કલરમાં હોય છે. એ વર્ડ સમજ ના પડે તો એની ઉપર ટચ કરવાથી એની લિન્ક ખુલી જાય છે ને ? એવું આ બુક્સમાં નથી હોતું !
દાખલા તરીકે ‘કાળો અક્ષર ભેંસ બરાબર’ એનો મિનિંગ શું થાય ? એ જાણવા માટે એ કાળા અક્ષરો બ્લુમાં હોતા જ નથી !
***
- અને હા, ‘કોમેન્ટો’ ક્યાં કરવાની ? બીજા 'ઓફ-લાઈન‘ લોકોને શી રીતે ખબર પડે કે આપણે 500 પાનાની એક ‘હેવી’ બુક વાંચી રહ્યા છીએ ?
- મન્નૂ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment