અમારા એક કકળાટકાકા છે. એ આજકાલ કીધા કરે છે કે “મન્નુ, આ અંબાણીની દિકરીની ઉદયપુરમાં પ્રિય વેડિંગ સેરેમની થઈ એમાં આપણને શું મળ્યું ?”
અમે કહીએ છીએ કે એમાં આપણને અંબાણી પરિવારના ‘અચ્છે દિન’ની ઝલક મળી. પણ કકળાટકાકા માનતા નથી. આથી અમે નક્કી કર્યું છે કે જ્યારે ઈશાબહેનનાં લગન થાય ત્યારે મુકેશભાઈને ખાસ રિક્વેસ્ટો કરવી છે કે..
***
ઈશા અંબાણીના લગ્નનું લાઈવ સ્ટ્રિમીંગ ‘જિઓ’ના તમામ ગ્રાહકો માટે ‘ડેટા-ફ્રી-ઉપરાંત ફ્રી’ એ રીતે બતાડજો.
***
મોબાઈલમાં ‘ઈશા-વેડ્ઝ-આનંદ’નાં સ્ટિકરો મોકલજો. અમે અમારાં વાહનો ઉપર લગાડીશું…
પછી જે વાહનો ઉપર આવાં સ્ટિકરો હોય એને રિલાયન્સના પેટ્રોલપંપ ઉપરથી 5-5 લીટર પેટ્રોલ ફ્રી આપજો !
***
ના ના, એમ તો અમે કન્યાદાનમાં રકમ પણ લખાવીશું !
પણ જે રકમ ‘ઓનલાઈન’ મોકલીએ એમાં 15 ટકા ‘કેશબેક’ આપજો હોં ! આ તો યાદગિરી !
***
વળી, તમે ત્યાં આગળ સંગીત સંધ્યામાં ગરબા ગાશો તો અમારે અહીં હરખ નહીં કરવાનો ?
… બસ, રિલાયન્સ મોલમાં ચાર દિવસ પહેલાં ચણિયા-ચોળી અને કુરતા-પજામા ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ અપાવજો ! જે શ્રીકૃષ્ણ !
***
રિસેપ્શનમાં ભલેને તમ તમારે 800 વાનગીઓ જમાડો ? અમે ખુશ છીએ…
… પણ એ વાનગીઓના ફોટા અને ખાસ કરીને, બધી વાનગીઓની રેસિપી, યુ-ટ્યુબની ‘ઈશા-ચેનલ’માં મુકાવજો. અમે એકાદ તો ઘરે બનાવીને ખાઈએ ? હેં !
***
અને સાંભળો નીતાભાભી ! કન્યાવિદાયના લાઈવ સ્ટ્રિમિંગ વખતે અમે ય જોડે જોડે રડીશું હોં !
… કહેતા હો તો અમારી રડતી સેલ્ફીઓ તમને મોકલીશું, બસ ?
***
પણ જેની પાસે ‘જિઓ’નું કાર્ડ ના હોય એમનું શું ? તો તમે આ બધું એકાદ ચેનલ ઉપર લાઈવ-ટેલિકાસ્ટ કરાવજોને ?
તમારી તો બહુ બધી ‘ચેનલો’ છે ! (ટીવીની વાત થાય છે.)
***
અને હા, મોદી સાહેબને વાત કરીને આખા દેશમાં ત્રણ દહાડાની રજા જ પડાવી નાંખજો ને !
- કારણ શું, કે સિરિયલોના ‘મહા-એપિસોડ’ તો ખાલી એકાદ કલાકના જ હોય છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment