આપણી 'ઈન્ટરનેશનલ' ચિંતાઓ !


અમુક વડીલોને આખી દુનિયાની ચિંતા હોય છે.

ત્યાં સિરીયામાં શું ચાલી રહ્યું છે ? નોર્થ કોરિયાવાળો કિમ જોંગ હવે શું નવો ધડાકો કરશે ? ચીન આપણા કરતાં શી રીતે આગળ નીકળી ગયું ? આ બિટકોઈનવાળું આખા વર્લ્ડમાં કેમ કરીને ફેલાઈ ગયું ?

કાકાના બેન્કના ખાતામાં એમનું પેન્શન જમા થયું છે કે નહિં એના કરતાં બિટકોઈનની શું બબાલ છે એની એમને વધારે ચિંતા હોય !
બિટકોઈન સાલી, ઈન્ટરનેટ ઉપર ચાલતી ખતરનાક કરન્સી છે એ તો એમને ખબર હોય પણ મોબાઈલમાં ગુગલ કેવી રીતે ખોલવાનું એ ના આવડતું હોય !

તો પછી આટલી બધી ઈન્ટરનેશનલ ચિંતાઓ કરવાથી શું મળવાનું છે ? બિટકોઈન કન્સીમાં વ્યાજ ?

અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે હવે લાખો ડોલર નહિ આપે એવું વાંચીને કાકા જોશમાં આવી જાય : “હવે પાકિસ્તાનનો બૂચ વાગશે !”

અલ્યા વડીલ, ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે લાખો ડોલરની જરૂર જ ક્યાં છે ? પાંચ-પચ્ચીસ ડોબાઓના હાથમાં મશીન પકડાવી દો અને પેટે બોમ્બ બાંધીને બોર્ડરની આ પાર ધકેલી આપો ! એ મુરખાઓ આજે નહિ તો કાલે, મરવાના જ છે ને ? એમાં અમેરિકાનો ટ્રમ્પ શું કરી લેવાનો હતો ?

ચાલો માન્યું કે કાશ્મીરમાં છેલ્લા 30 વરસથી જે આતંકવાદ ચાલ્યો એમાં બહુ લોસ થયો છે પણ કાકા, ગુજરાતીઓનો શું લોસ થયો ?

વેકેશનમાં ત્યાં જઈને દલ સરોવરની હાઉસબોટમાં ફોટા પડાવીને ફેસબુકમાં મુકવાના ચાન્સ ઘટી ગયા એ જ ને ? બાકી અહીં રોડ ઉપર જઈને ‘ઝિંદાબાદ ઝિંદાબાદ’ કરીએ એનાથી પેલા પથ્થરબાજોના પથરા કંઈ રિવર્સમાં થોડા જવાના હતા ?

એ બાબતમાં ગુજરાતની બહેનો બહુ સ્માર્ટ છે. જ્યારથી ફેસબુક ચાલુ થયું છે ત્યારથી છાપાં જ વાંચવાનાં બંધ કરી દીધાં છે. કાશ્મીરમાં કે છત્તીસગઢમાં શું ધડાકા થયા એ જાણીને આપણે શું કામ છે ?

આપણે તો એ જોવાનું કે નવી સાડી, નવો ડ્રેસ પહેરીને ફેસબુકમાં જે ફોટો મુક્યો એમાં કેટલી લાઈક આવી ? ઘરમાં જાતે ચીલી-પનીર વિથ જોયોનિઝ ગ્રીલ સેન્ડવીચ બનાવીને એનું પિક મુક્યું તો કેટલી બહેનપણીઓની કોમેન્ટો આવી ? જીવનમાં આ જ મહત્ત્વનું છે…

બાકી, રાજસ્થાનમાં વસુંધરા રાજે ચૂંટણી પ્રચારમાં કઈ સાડી પહેરીને ગયાં હતાં એ જોઈને શું કામ રાજી થવાનું ?

વડીલ કાકા હોંશે હોંશે વોટ્સએપમાં આવેલી માહિતીનો વિડિયો શેર કરશે કે રાજા, હવે એવી  કારની શોધ થઈ છે કે તે એની જાતે રિવર્સમાં જઈને પાર્ક થઈ જશે !

હા બાપા હા, પણ તમારું સ્કૂટર પાનના ગલ્લા આગળ આખા ગામની કારોને નડે એ રીતે પાર્ક કરો છો એનું શું ?

તો ય ૧૨૦નો મસાલો ચાવતાં કહેશે “બોસ, હવે એવી ટાઈપની લકઝરી બસો આવવાની છે કે બસની પાછળના ભાગમાંથી જ દેખાય કે બસની આગળ રસ્તો ક્લિયર છે કે નહિ… બોલો, ઓવરટેક કરવાનું ઈઝી થઈ ગયું ને ?”

હા કાકા ! બસ, તમે તમારું સ્કૂટર લઈને કોઈ બી બાઈકવાળાને ઓવરટેક કરી બતાડો ! તો જ આ બધું કામનું !... બાકી જાણીને શું કરવાનું ?

સીબીઆઈમાં પોલમ્પોલ ચાલે છે એ જાણીને કદાચ મોટા મોટા નેતાઓ, કૌભાંડીઓ કે કરોડપતિઓને ફેર પડે પણ 25000ની નોકરી કરી ખાતા કન્નુભાઈને એમાં શું ? છતાં CBIનું નામ પડતાં જ કન્નુભઈના કાન ઊભા થઈ જાય ! અલ્યા, શાંતિ રાખો ને ?

ના ના, તમે જ કહો, રાફેલ વિમાનના સોદામાં કટકી થઈ હતી એવું જાણ્યા પછી તમે તમારા બાબાને એવું થોડું કહેવાના હતા કે “બેટા, તમારી ઘરકામની નોટમાંથી તું જે વિમાનો બનાવીને ઉડાડે છે ને, એના બદલે હોડીઓ બનાવ… કારણ કે વિક્રાંત જહાજ તો ભારતમાં જ બન્યું હતું !”

***
- મન્નૂ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments