રમતના બોલ... રાજકીય એંગલથી !



ભારતના લોકોને ક્રિકેટ સિવાયના બીજા બોલમાં (દડાઓમાં) ખાસ રસ નથી પડતો પરંતુ જો એ દડાઓને રાજકીય નજરે જોવામાં આવે તો….?

***

વોલીબોલ

વોલીબોલના દડાની હાલત જુના, ખખડી ગયેલા, ઘરડા અને નકામા નેતાઓ જેવી હોય છે !

દરેક પાર્ટીની નેતાગિરી બે હાથ જોડીને માન આપ્યા પછી દૂર ભગાડવાની કોશિશમાં હોય છે !

***

ફૂટબોલ

ફૂટબોલના દડાની હાલત તો ગરીબ, મામૂલી પ્રજા જેવી હોય છે…

ચૂંટણી પત્યા પછી બધા એને હડધૂત જ કરતા હોય છે !

***

રગ્બીનો બોલ

મોટા મોટા ફિલ્મટારો રગ્બીના બોલ જેવા હોય છે…

દરેક પાર્ટીઓ એમને બીજા પાસેથી ખૂંચવી લેવાના ફિરાકમાં હોય છે !

***

ગોલ્ફનો બોલ

ગોલ્ફનો દડો દર બે પાંચ વરસે આવી પડતી ચૂંટણીઓ જેવો છે…..

નેતાઓ ચમચાઓની ટોળી લઈને એની પાછળ પોતાના રૂપિયા, સમય અને શક્તિ બરબાદ કરતા રહે છે !

***

હોકીનો દડો

મિડીયાની અડફેટે ચડી ગયેલી કોઈપણ જાહેર વ્યક્તિની હાલત હોકીના દડા જેવી હોય છે…

જેને મન થાય તે એની પાછળ ડંડો લઈને દોડી આવે છે અને મઝા પડે ત્યાં લગી ઠમઠોર્યા કરે છે !

***

ટેનિસનો બોલ

ટેનિસનો દડો દેશની મોટી સમસ્યા જેવો હોય છે…

કોઈ એને પોતાની પાસે નથી રાખવા માંગતું. દરેક પાર્ટી તેને સામેની પાર્ટી પાસે ધકેલી મુકે છે : “બોલ ઈઝ ઈન યોર કોર્ટ…”

***

બાસ્કેટ બોલ

બાસ્કેટ બોલ દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારી નાણાં જેવો છે…

એ ઉછળે છે, સૌ એને જુએ છે, છતાં તેને દબાવી દેવાને બદલે બધા પોતપોતાના ગાળિયામાં સરકાવી લે છે !

***

ક્રિકેટનો બોલ

એ લોકશાહી જેવો છે…

એ ભવ્ય છે, લોકપ્રિય છે, એના ખેલાડીઓ સ્ટાર છે પરંતુ આ જુજ ખેલાડીઓનો ‘ખેલ’ જોવા માટે લોકો સામે ચાલીને રૂપિયા (ટેક્સ) આપતા રહે છે !

-મન્નુ શેખચલ્લી

Comments