‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ઈન્ડિયામાં ફ્લોપ ગઈ એ પછી એ લોકો વિચારી રહ્યા છે કે આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવી છે. (ટુંકમાં ‘ચાઈનિઝ’ નીકળેલો માલ ચાઈનામાં જ પધરાવવાનો છે !)
ઇન્ડિયામાં ‘ઠગ્સ…’ની જે હાલત થઈ છે એ જોઈને આમિરખાન અને આદિત્ય ચોપરા ડઘાઈ ગયા છે. એમને લાગે છે કે ચીનમાં રિલીઝ કરતાં પહેલાં ફિલ્મની લંબાઈ ઓછી કરી નાંખવી જોઈએ.
હવે જરા કલ્પના કરો હાથમાં કાતર લઈને બેઠેલા એ બે જણા શું વિચારતા હશે ?...
***
બન્ને એડિટીંગ ટેબલની સામે બેઠા છે. પોતાની જ ફિલ્મને સાત વાર જોવાને કારણે એમનું મગજ બહેર મારી ગયું છે. આદિત્ય ચોપરા ચાના કપમાં ટોસ્ટ બોળવાને બદલે કાતર બોળી રહ્યો છે !
ત્યાં અચાનક તેનું ધઅયાન આમિરખાન ઉપર પડે છે. એ ચોંકી જાય છે ! “આમિર ! તું શું કરી રહ્યો છે ?”
“કાતર વડે મારી મૂછ કાપી રહ્યો છું !”
“કેમ, સલમાન જોડે શરત લગાડી હતી ? કે ફિલમ ફ્લોપ જાય તો મારી મૂછો કાપી નાંખીશ?”
“ના ! પણ સાલું, અરીસામાં મારી મૂછો જોઈને મને રોજ સવારે રડવું આવી જાય છે.”
“સાચું કહું આમિર ? તું જ્યારે જ્યારે તારી મૂછો વધારે છે ને, ત્યારે ત્યારે તારી ફિલ્મ ફ્લોપ જાય છે. યાદ કર, મંગલ પાંડે….”
આમિરખઆનને પોતાની મંગલ પાંડે યાદ આવતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે. એના કારણે આંખોમાં ચોપડેલું કાજળ મોં પર ફેલાઈ જાય છે. આમિરખાન ડૂસકું ભરીને કહે છે. “જો ને આદિત્ય ? આ કાજળને કારણે મારું મોં કાળું થઈ ગયું…”
આદિત્ય મનમાં બબડે છે “બેસ બેસ હવે, તારા કારણે આખી યશરાજ ફિલ્મ્સનું મોં કાળું થયું છે…”
***
આમિરખાનના આંસુ લૂછવા માટે આદિત્ય ચોપરા તેને ટોઈલેટ પેપરનો રોલ આપે છે. આમિરખાન એ જોઈને વધારે જોરથી રડવા માંડે છે. “યાર… યે ‘ટોઈલેટ’ ભી હિટ હો ગયા… મગર હમારે ‘ઠગ’ ફેઈલ હો ગયે…”
***
આખરે આમિર આદિત્યને પૂછે છે. “યાર, આપણી આ ફિલ્મમાંથી શું કાપીશું ?”
“હું શું કહું છું ? કેટરીનાનાં બે ગાયનો કાઢી નાંખીએ !”
“ના યાર !” આમિર વિરોધ કરે છે. “ફિલ્મમાં એ જ તો એન્ટરટેઈનમેન્ટ છે !”
“યુ મિન, બાકીનું બંધું બોરિંગ છે ?”
આમિર ચૂપ થઈ જાય છે.
***
આદિત્ય ચોપરા કહે છે “એક કામ કરીએ. ફાતિમા સના શેખનો રોલ ટૂંકો કરી નાંખીએ.”
“ના ! ના ! ના !” આમિરખાન સખત વિરોધ કરે છે. “યાર, મારી ‘દંગલ’ને લીધે ફાતિમા ચાઈનામાં સુપરસ્ટાર બની ગઈ છે !”
“અચ્છા..! હવે ખબર પડી…” આદિત્ય દાંત ભીંસીને કહે છે “કે તેં ફાતિમાને હીરોઈન બનાવવા માટે આટલી જીદ કેમ કરી હતી ? અને ચાઈનામાં જે કમાણી થાય એમાં તારો ભાગ કેમ રખાવ્યો હતો !”
આમિરખાન ફરીથી ચૂપ થઈ જાય છે.
***
“અચ્છા, પેલું દશેરાવાળું બધું કાઢી નાંખો ને ? ફિલ્મમાં મેઈન પાત્રો તો બધા મુસલમાન છે, આ બાજુ અંગ્રેજો ક્રિશ્ચીયન છે… તો પછી રાવણને બાળવા જોડે એમને શું લેવાદેવા?”
આમિરની દલીલ સાંભળીને આદિત્ય ચોપરા નીચું જોઈ જાય છે. “યાર, રાવણ અને એમાં ફૂટતું દારૂખાનું તો રાખવું જ પડશે… કેમ કે શું છે ચાઈનિઝ ફટાકડા બનાવતી ફેકટરીઓ જોડે મેં સ્પોન્સરશીપનું સેટિંગ ગોઠવેલું છે !”
***
“એક કામ કરીએ તો ?” આમિરખાનને આઈડિયા આવે છે. “આપણે બધાં પાત્રોનાં નામો ચાઈનિઝ કરી નાંખીએ તો ?”
“ચાઈનિઝ નામો ?”
“યસ…. જેમ કે સુરૈયાનું સુરી-લી ! ઝફીરાનું જફા-લી ! ખુદાબક્ષનું ખુદ-લે-લી ! ફિરંગીનું ફિર-રંગવા-લી !”
આ બધું સાંભળીને અત્યાર સુધી ચૂપચાપ બેસી રહેલો એક પટાવાળો કહે છે “સાહેબ એના કરતાં એક કામ કરો ને VFXથી બધાનાં નાક જ કાપી નાંખો ને ?”
આમિરખાન અને આદિત્ય ચોપરા આ સાંભળીને ચૂપ થઈ જાય છે. બન્ને મનમાં કહી રહ્યા છે : “નાક તો ઓલરેડી કપાઈ ગયાં છે… હવે બાકી શું રહ્યું ?”
Comments
Post a Comment