ટુમારા ગોટ્રા ક્યા હૈ ?



બોલો, ક્યાંકથી જાહેર થયું છે કે રાહુલ ગાંધીનું ‘ગોત્ર’ દત્તાત્રેય છે !

એ પછી જાતજાતના વિવાદો શરૂ થયા છે. જોકે સોનિયાજીને એમાં કંઈ સમજ પડતી નથી એટલે એમણે કોઈ જાણકારને બોલાવ્યા છે….

***

“યે… ગોટ્રા ક્યા હોટા હાય ?”

“મેડમ, ગોત્ર એટલે કોઈપણ વ્યક્તિના બાપ-દાદા, પરદાદા એમ કરતાં કરતાં જે મૂળ પૂર્વજોનું કુળ નીકળે, તેને ગોત્ર કહે છે.”

“ઓહ… ટો હમારા ગોટ્રા ક્યા હાય ?”

“મેડમ, એ તો ઈટાલી જઈને પૂછવું પડે.”

“ઓકે. ટો ફિર રાહુલ કા ગોટ્રા ક્યા હાય ?”

“એમનું ગોત્ર, એક રીતે જોવા જઈએ તો ઈટાલિયન દત્તાત્રેય ગોત્ર કહેવાય.”

“ઓ વાઉ ! યે ઈટાલિયન ડટ્ટા… સોરી, ડટ્ટાટ્રેય ગોટ્રા વાલે કી ક્યા ખાસિયટ હાય ?”

“મેડમ, એમાં એવું છે કે એ લોકો પૂજા વખતે જનોઈ કોટની ઉપર પહેરે છે અને ગુરુદ્વારામાં જાય તો કપડું માથે બાંધવાને બદલે આંખો ઉપર બાંધે છે.”

“ઓવ ! ઓવ ! વેરી સ્પેશીયલ !”

“યસ મેડમ, આવો સ્પેશીયલ નમૂનો આખા ભારતમાં એક જ છે.”

“ઓકે, મગર યે બટાઓ…. યે ગોટ્રા ક્યા કામ આટા હાય ?”

“મેડમ, હમણાં તો તમારા ફેમિલીને ચૂંટણીમાં જ કામમાં આવે છે, બાકી, નોર્મલ લોકોનાં લગ્ન કરવાનાં હોય ત્યારે આ ગોત્ર જોવામાં આવે છે.”

“અચ્છા… અચ્છા.. ઈસલિયે હમારા રાહુલ કા શાદી નંઈ હોટા હાય. ક્યું કિ ઉસકા ગોટ્રા વેરી સ્પેશીયલ હાય !”

“એવું જ હશે… કારણ કે સામાન્ય રીતે તો સમાન ગોત્રમાં જ લગ્નની મનાઈ હોય છે.”

“ઓ… ઓ… યે… સામાન ગોટ્રા ક્યા હોટા હાય ?”

“સામાન નહીં મેડમ, સમાન…! સમાન ! પ્લીઝ, આવું જાહેરમાં ના બોલશો, નહિતર તમારો સામાન બાંધીને ઈટાલી ભેગા થઈ જવાનો વારો આવશે !”

“અચ્છા… વો છોડો… યે ડટ્ટા… સોરી, ડાટ્ટા… સોરી, ડટ્ટાટ્રેય ક્યા હાય ?”

“મેડમજી, દત્તાત્રેય બહુ મોટા ઋષિ થઈ ગયા.”

“ઓહ-નો ! ડટ્ટાટ્રેય રૂસી હાય ? યુ મિન રશિયન ?”

પેલો બિચારો પોતાનું કપાળ કુટે છે. “મેડમ, રહેવા દો ને ! તમે ખાલી એટલું કરજો કે પાંચમાંથી એકાદ રાજ્યમાં કોંગ્રેસ જીતી જાય તો પાંચ નાળિયેર વધેરજો.”

“વઢેર…? ઓવ… વો ટો હમારી બેટી કા સરનેમ હાય ! અચ્છા, વઢેર કા ગોટ્રા ક્યા હોટા હાય?”

- મન્નૂ શેખચલ્લી

 

Comments