બેસ્ટ ઑફ 2018 (2)


2018ના બેસ્ટ એવોર્ડઝની જાહેરાતોનો સિલસિલો ચાલુ જ છે...

***

બેસ્ટ આંદોલન ઓફ 2018

દિલ્હીમાં ગાજેલું ખેડૂત આંદોલન ? ના...

મહારાષ્ટ્રમાં છવાઈ ગયેલું મરાઠા આંદોલન ? ના ભઈ ના...

હરિયાણાનું જાટ આંદોલન ? ના, એ પણ નહિ...

અરે, મહારાષ્ટ્રના ગામડે ગામડેથી પગપાળા આવેલા ખેડૂતો જે મુબંઈના ટ્રાફિકને પણ અડચણ ના થાય એટલા ખાતર રાતભર ચાલ્યા હતા એ આંદોલન ? ના, એ ય નહીં..! તો ?

એવોર્ડને લાયક છે એવું આંદોલન જેની વ્યાપક અસર થઈ.. એ હતું ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરતું આંદોલન... કારણ કે એના લીધે દેશના ત્રણ ત્રણ રાજ્યોમાં એ ફિલ્મ રિલીઝ સુધ્ધાં ના થઈ...

***

બળાત્કાર ઓફ 2018

આમાં કંઈ ‘બેસ્ટ’ બળાત્કાર એવું ના હોય ! છતાં જે સૌથી વધુ ચર્ચામાં રહ્યા તે કથુઆ અને ઉન્નાવ ગામોના બળાત્કારો હતા.

તોય, સૌથી વધુ વ્યક્તિઓ ઉપર ‘પીડાદાયક’ બળાત્કાર જો 2018ની સાલમાં થયો હોય તો તે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને માનવામાં આવે છે !

***

ગ્રેટેસ્ટ ‘લીક’ ઓફ 2018

કહે છે કે ફેસબુકમાંથી 3 કરોડ લોકોની અંગત માહિતી લીક થઈ ગઈ.

અમુક સૂત્રો કહે છે કે આધારકાર્ડના ડેટામાંથી એથીય વધુ લોકોની માહિતી લીક થઈ.

પરંતુ ગુજરાતમાં જે લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયું એમાં સરકારને સૌથી શ્રાપ પણ મળ્યા અને સૌથી વધુ જોક્સ પણ બની !

***

સ્ટેચ્યુ ઓફ 2018

આ ખિતાબ તો સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુને જ ફાળે જાય છે કારણ કે આખા વરસ દરમ્યાન મનમોહનસિંહ અનેકવાર હાલ્યા, ચાલ્યા અને બોલ્યા પણ ખરા !

એટલું જ નહિ, સદા મૂર્તિમંત રહેતાં સોનિયાજી તો સંસદ ભવનની બહાર મુઠ્ઠી ઉગામી સૂત્રો પોકારતાં દેખાયાં (પરિણામે બન્ને પૂતળાં ડિસ-ક્વોલિફાય થઈ ગયાં !)

***

મેન ઓફ 2018

#Metooની અડફેટે જે પુરૂષો આવી ગયા એમની યાદી લાંબી છે. છતાં નાના પાટેકર, સાજીદખાન, આલોકનાથ વગેરે એકટરો કરતાં એમ. જે. અકબર નામના રાજકારણી  રેસમાં આગળ હોવાનું હોવાનું મનાય છે.

***

- મન્નુ શેખચલ્લી 

Comments