બેસ્ટ ઓફ 2018 ....(1)


2018નું વરસ પતવા આવ્યું છે. સૌ રાજકારણના રસિયાઓ 2019ની રાહ જોઈ રહ્યા છે… પરંતુ એ પહેલાં 2018ના થોડા એવોર્ડ્ઝ આપવા જેવા છે !

***

મોસ્ટ સર્ચડ પરસન ઓફ 2018

ના ભાઈ ના, મોદી સાહેબ નહિ ! જેની સૌથી વધુ ‘શોધ’ ચાલી એ તો નીરવ મોદી છે !

ક્યારેક ખબર આવી કે ભાઈ ન્યુયોર્કમાં બેઠા છે, તો ક્યાંકથી ખબર ઊડી કે ભાઈ મલેશિયામાં ફરે છે, ક્યારેક વળી ત્રીજા જ દેશમાં !

જુઓ, 'મોટા' મોદી સાહેબને ભલે ખોટું લાગે પણ એવોર્ડને લાયક તો 'નાના' નીરવ મોદી જ છે.

***

સૌથી ખતરનાક વોર 2018

આતંકવાદ સામેની લડાઈ ? ના ભઈ, CBIનુ આંતરિક યુધ્ધ ! યાર, જરાક તો વિચારો ? દેશના બેસ્ટ જાસૂસો એકબીજાની જ જાસૂસી કરતા હોય એનાથી થ્રિલીંગ વાત બીજી કઈ હોઈ શકે ?

( આમાં ને આમાં પેલો નીરવ મોદી ‘સર્ચ’ની બહાર છટકી ગયો લાગે છે.)

***

બેસ્ટ ‘પ્રવાસી’ ઓફ 2018

અગેઈન, મોદી સાહેબ તો નહીં જ ! કારણ કે નવજોત સિધ્ધુએ માત્ર બે વાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો એમાં તો મોદી સાહેબના 200 દેશના પ્રવાસનું સાટું વળી જાય એટલી બધી ચર્ચા થઈ !

***

બેસ્ટ સિગ્નેચર ઓફ 2018

કરન્સી નોટો ઉપર ઉર્જિત પટેલની સિગ્નેચર ? ના બોસ, મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધાના 10 જ કલાકમાં ખેડૂતોનાં 40,000 કરોડ રૂપિયાના દેવાં માફ કરવાની ફાઈલ ઉપર જે સહી કરી તે !

(એ સહી સરવાળે કેટલાની પડશે, એવું નહિ પૂછવાનું !)

***

‘ડર’ ઓફ 2018

આ વાતને દબંગના એક ડાયલોગની જેમ કહી શકાય : “પાકિસ્તાન કી બોર્ડર પર રહનેવાલે ગાંવવાસીઓં કો ડર નહીં લગતા સા’બ… ડર તો નસીરૂદ્દીન શાહ કો લગતા હૈ !”

***

બેસ્ટ ‘કમ-બેક’ ઓફ 2018

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો કમ-બેક થયો એમાં શું ધાડ મારી ? અરે, ખરો કમ-બેક તો વિજય માલ્યાનો છે ! જુઓને, હજી તો સાહેબ પધાર્યા પણ નથી ત્યાં તો જેલમાં રંગરોગાન થઈ ગયું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment