'ટુ પોઈન્ટ ઝિરો'ની 1.5 (દોઢી) વારતા !


ફિલ્મી, વેરી ફિલ્મી…

તમે 2.0 જોઈ હોય કે ના જોઈ હોય, આ ‘દોઢી’ (1.5) વારતા વાંચવાની મજા જ પડશે…

***

‘પક્ષીરાજન’ નામનો એક પક્ષીપ્રેમી માણસ (અક્ષયકુમાર) મોબાઈલના ટાવર ઉપર ચડીને નીચે પડતું મુકે છે.

આ ઘટનાની એણે પોતે સેલ્ફી લીધી હોત તો આજ સુધીમાં ચાર બિલિયન વ્યુ મળી ગયા હોત. પરંતુ પક્ષીરાજને ‘વ્યુ’ માટે નહિ, ‘બર્ડ્ઝ-આઈ-વ્યુ’ માટે એટલે કે પક્ષીઓના દ્રષ્ટિકોણ માટે આપઘાત કર્યો હોય છે.

એ પછી મોબાઈલ વાપરનારા લોકો ભેદી ભેદી રીતે ટપોટપ મરવા માંડે છે !

કોઈ મોબાઈલમાં સની લિયોનનો વિડીયો જોતાં જોતાં રસ્તો ક્રોસ કરવા જતો હોય ત્યાં ખટારા નીચે કચડાઈ મરે છે !

કોઈ પોકેમોન પકડવા માટે નદીમાં ઉતરે છે ત્યાં ફેકટરીએ છોડેલા ઝેરી કેમિકલમાં ડૂબીને મરી જાય છે !

અમુક લોકો મોબાઈલમાં એટલા બધા ચોંટી જાય છે કે ખાવાપીવાનું ભૂલી જવાથી ભૂખે મરી જાય છે !

તો વળી અમુક લોકોની પત્નીઓ મોબાઈલમાં ચોંટેલી હોવાથી તે રાંધવાનું જ ભૂલી જાય છે ! એમાં ને એમાં આખા પરિવારો ભૂખે મરે છે !

આટલાં બધાં મોબાઈલ-મોત થવાને કારણે મોબાઈલ કંપનીઓમાં હાહાકાર મચી જાય છે કારણકે હવે કોઈ ‘લાઈફ-ટાઈમ’ની સ્કીમો લેતું જ નથી !

ભારતના દેશભક્તો એવી અફવા ફેલાવે છે કે ચાઈનિઝ મોબાઈલો વડે ભારતમાં કોઈ ભેદી વાયરસ ઘૂસાડવામાં આવ્યો છે જે આંખોમાં ઘૂસીને માણસને મારી નાંખે છે. (જોકે આ અફવા પણ ચાઈનિઝ મોબાઈલો વડે જ ફેલાવવામાં આવી છે !)

ડેટાનો વપરાશ સદંતર ઘટી જવાને કારણે મોબાઈલ કંપનીઓ આખરે ‘ડૉ. વશીકરણ’ નામના વૈજ્ઞાનિક પાસે જઈને રિક્વેસ્ટ કરે છે કે “બાપા, મોબાઈલનું ‘વશીકરણ’ ફરી ચાલુ કરાવો ! ”

ડૉ. વશીકરણ કહે છે કે “આ કોઈ સુપરપાવરનું કાવત્રું છે. એની ટક્કર લેવા માટે બીજો સુપરપાવર ઊભો કરવો પડશે.”

મોબાઈલ કંપનીઓવાળા કહે છે “ ઇન્ડિયાને સુપરપાવર બનાવતાં તો મોદીસાહેબને હજી બીજાં પાંચ વરસ લાગશે… ઉતાવળ કરો ભૈશાબ !”

જવાબમાં ડૉ. વશીકરણ કહે છે કે એક જ ઉપાય છે. રજનીકાન્ત નામના રોબોટને રિ-એસેમ્બલ કરો !

હવે રજનીકાંત તો ડોસો થઈ ગયો છે. માથે ટાલ પડી ગઈ છે. દાઢી સફેદ થઈ ગઈ છે. દાંત હલી ગયા છે… એને ‘રિ-એસેમ્બલ’ શી રીતે કરવો ?

ત્યારે પ્રભાકરન નામનો વૈજ્ઞાનિક આવે છે. એ કહે છે તમે બધું મારા ઉપર છોડો. હું રજનીકાન્તને વિગ પહેરાવીશ, મેકપના થથેડા કરીને ચહેરો નવો બનાવી દઈશ અને ચળકતાં ભભકાદાર કપડાં વડે એને જુવાન બતાડીશ !

બાકીનું કામ ડુપ્લીકેટ સ્ટંટમેનો અને VFXવાળા કરી લેશે. સ્ટંટમેનો ફાઈટ કરશે અને VFXવાળા રજની સરને સુપર-રોબોટ બનાવી દેશે.

પેલી બાજુ, અક્ષયકુમાર પણ કંઈ કમ નથી. એ લાખો બગડી ગયેલા મોબાઈલોની બેટરીઓ કાઢીને એમાં સેનિટરી પેડનો કચરો મિક્સ કરીને સુપર મોબાઈલ રોબોટ બનીને ત્રાટકે છે. એની સ્પીડ 4G નહિ, 400 G છે ! બિચારા રજની સરની સ્પીડ તો ’24 ફ્રેમ-પર-સેકન્ડ’ જ છે ! હવે ? ઘરડો એક્ટર VFXની મદદથી ક્યાં સુધી લડે ?

આખરે પ્રભાકરન નામનો વૈજ્ઞાનિક આખા દેશના મોબાઈલ ટ્રાફિકમાંથી 'નેગેટિવ' એનર્જી ટ્રેપ કરીને તેને એક બોક્સમાં કેદ કરી લે છે.

આના કારણે મોબાઈલમાંથી તમામ પોર્નોગ્રાફી સાઈટો, સની લિઓનના વિડીયોઝ, ફેક-ન્યુઝ, ઝેરીલો પ્રચાર, પપ્પુ જોક્સ, ફેંકુ જોક્સ… બધું જ ડિલીટ થઈ જાય છે ! માત્ર પોઝિટીવ ચીજો જ રહે છે ! જેમ કે ચાંપલા ઉપદેશો, સુવાક્યો, ગુડ મોર્નિંગના ફોટા… વગેરે !

આમાં પેલો ‘વાયરસ’ તો ગયો પણ લોકોએ મોબાઈલો ખરીદવાના જ બંધ કરી દીધા ! જિઓ, એરટેલ, વોડાફોન સૌના ધંધા ઠપ થઈ ગયા ! હવે ?

એટલે મોબાઈલ કંપનીઓવાળા એક નવા વિલન વૈજ્ઞાનિકને શોધી કાઢે છે. એ વિલન ફરીથી ‘નેગેટિવ’ એનર્જી ફેલાવીને મોબાઈલમાં ‘વશીકરણ’ના વાયરસને રિ-પ્લાન્ટ કરી નાંખે છે !

આના કારણે પેલો પક્ષીરાજન ફરી ભૂરાયો થાય છે. આખરે ફિલ્મની હિરોઈન એમી જેક્સન પોતાના સેક્સી ફોટાઓનો ડેટા રજની સરના રોબોટમાં ‘ચીપ’ બનાવીને ઘૂસાડીને તેમને ફરી ‘જાગૃત’ કરે છે !

છેવટે રજની સર અને અક્ષયકુમાર વચ્ચે એવી જોરદાર ફાઈટ થાય છે કે ચેન્નાઈનાં બધાં પક્ષી સળગીને રાખ થઈ જાય છે !... પત્યું ? ધી એન્ડ !

***
- મન્નૂ શેખચલ્લી
 
email.  mannu41955@gmail.com

Comments

Post a Comment