સા... ચોખલિયો ! (હાસ્યકથા)

(ચિત્રલેખા દિવાળી અંકમાં પ્રગટ થયેલી હાસ્ય કથા)


‘જો ને, આ છોકરો કેવો લાગે છે ?’

ઝરણા 36 વરસની થઈ ગઈ છે. હાઈટ પોણા છ ફૂટની છે. બહુ મોટી કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવની જોબ કરે છે. પુરુષો એને જોઈને થથરે છે.

ઝરણાનું નાક લાંબુ છે. નીચે આવતાં તે સહેજ ત્રાંસુ થઈ જાય છે. નાકની નીચે જાડા હોઠ છે. તે પણ હંમેશાં ત્રાંસા જ રહે છે. ઝરણાની આંખો પણ કોઈ તળાવમાંથી હમણાં જ કૂદીને બહાર પડી હોય એવી માછલીઓની જેમ વાંકીચૂકી થયા કરે છે.

‘બન્ટી, જો ને, છોકરો કેવો લાગે છે?’ ઝરણાએ એની ખાસ બહેનપણી બન્ટીને ફરીથી પૂછ્યું.

ઝરણાનો અવાજ પણ ભાયડા જેવો છે. બન્ટી બિચારી બટકી છે. ઝરણાની સ્કુલના જમાનાની બેસ્ટ ફ્રેન્ડ છે. સાડા ચાર ફૂટની હાઈટ સાવ ઓછી ના લાગે એટલા માટે તે ઊંચી એડીનાં સેન્ડલ પહેરે છે છતાં પોચી સરસ મઝાની ટેડી-બેર જેવી ગોળમટોળ જ લાગે છે.

બન્ટી પરણીને, બે બચ્ચાંને પેદા કરીને સુખી થઈ ગઈ છે. એણે ઝરણાના લેપટોપમાં ફોટો જોયો. જોતાં જ એની આંખો પહોળી થઈ ગઈ.

“હાઈલા ! આ ? હજી કુંવારો છે ?”

“તું એને ઓળખે છે?” ઝરણા ચોંકી.

“હાસ્તો ! મારા માટે એનું માગું આવ્યું હતું. પણ તેં એને ક્યાંથી શોધ્યો ?”

“મેરેજની વેબસાઈટમાંથી.” ઝરણાને ડાઉટ પડ્યો. એની ત્રાંસી ભ્રમરો વધારે ત્રાંસી થઈ ગઈ. “એ ખરેખર કુંવારો હશે ? વેબસાઈટમાં તો હરામખોરે એવું જ લખ્યું છે.”

“હશે જ કુંવારો.” બન્ટીએ જરા હસીને કહ્યું. “જરા ચોખલિયો છે ને…”

“ચોખલિયો એટલે ?”

“તું જાતે જ જોઈ લેજે ને ?” બન્ટીએ એની બહેનપણીનું ત્રાંસુ નાક ખેંચીને વધારે ત્રાંસુ કરી નાંખ્યું. “તું એને ખરેખર મળવાની છે કે પછી અમસ્તુ જ પૂછે છે ?”

નાક ખેંચવાથી ઝરણા છંછેડાઈ ગઈ. “બન્ટી, નાક છોડ મારું ! અને, વોટ ડુ યુ મિન, અમસ્તું પૂછે છે ? આ છોકરાને મેં 125 કેન્ડિડેટ્સમાંથી જાતે સ્ક્રીનિંગ કરીને ઈન્ટરવ્યુ માટે નક્કી કર્યો છે.”

“તું છે ને…” બન્ટી ઝરણા સામું જોઈને હસવા લાગી. “તું હંમેશાં બોસ જ રહેવાની ! અલી ઝરણી, આ કંઈ તારી કંપનીમાં કોઈને નોકરીએ થોડો રાખવાનો છે ? તે આમ, કેન્ડીડેટ્સ અને સ્ક્રીનિંગ અને ઈન્ટરવ્યુની ભાષા કેવી બોલે છે ?”

“શટ અપ !” ઝરણા ચીડાઈ ગઈ. “જસ્ટ શટ અપ !!”

બન્ટી સમજી ગઈ કે તેણે ઝરણાના ચહેરા ઉપર ચપોચપ ચોંટી રહેલા ‘બોસ’ના મહોરામાં સળી કરી નાંખી છે. એ ચૂપ થઈ ગઈ. થોડી આડીઅવળી વાતો કર્યા પછી તે પોતાના ઘરે જતી રહી. ઝરણાના આલિશાન ફ્લેટનો દરવાજો બંધ કરતાં તે બબડી.

“બોસ હજી એના ફ્યૂચર હસબન્ડમાં પોતાનો સરવન્ટ જ શોધે છે. શોધવા દે, મારે શું…”

***

ઝરણા જ્યારે યંગ હતી ત્યારે આવી નહોતી.

22 વરસની ઉંમરે તેનું નાક આટલું ત્રાંસુ નહોતું, હોઠ આટલા મચકોડાયેલા નહોતા અને આંખો પણ જોવી ગમે એવી હતી. પરંતુ તે વખતે ય સ્વભાવ તો ‘બોસ’ જેવો જ હતો.

ભૂલથી કોઈ છોકરો ખભે ધબ્બો મારી બેસે તો ઝરણા સટ્ટાક કરતો લાફો ઠોકી દેતી. કોઈ છોકરો સિરિયસલી ડિનર માટે જોડે લઈ જવાની ઓફર કરે તો મોં તોડી લેતી : “કેમ ? મને જમાડીને પટાવવાનો ઈરાદો છે?”

કોલેજની વિવિધ પાર્ટીઓમાં ઝરણા જોડે ડાન્સ કરવો એટલે લોઢાના ચણા ચાવવા બરોબર ! નાચતાં કૂદતાં શરીરના ભલતા અંગને અછડતો સ્પર્શ પણ થઈ જાય કે તરત એ ફેંટ ઝાલી લેતી. “ઈરાદો શું છે તારો? મારો રેપ કરવો છે ? ચલ, કરીને બતાડ !”

હવે આવી છોકરી જોડે નવરાત્રિના ગરબા પણ કોણ રમે ? જોકે, ઝરણા ગરબાનાં સ્ટેપ્સ લેતી હોય ત્યારે બહુ ગ્રેસફૂલ લાગતી. છતાં એની ચકોર નજર દૂરથી તેને તાકી રહેલા કોઈ રસિયાને શોધી કાઢતી અને ગરબે રમતાં રમતાં જ એની ઉપર છૂટ્ટો ડાંડિયો મારતી.

છેવટે, ઝરણાની આ ‘બોસગિરિ’ જ એની કેરિયરની સુપરફાસ્ટ બુલેટ-ટ્રેન બની ગઈ. એમબીએ કર્યા પછી પોતાની તીખી, કડક અને કરકરી ચોળાફળી જેવી રીતભાતને લીધે તે મેનેજમેન્ટની માનીતી બની ગઈ.

ફટાફટ પ્રમોશનો મેળવતી ઝરણા આજે એક મોટી કંપનીના ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી ગઈ છે. હવે 36 વરસની ઉંમરે તેને જિંદગીનો ખાલીપો સતાવવા લાગ્યો છે. તેને પરણવું છે…

***

આકાશ વકીલ નામના પેલા છોકરાના ફોટા સામે તે ક્યાંય લગી જોતી રહી. આની પહેલાં 15 છોકરાઓ સાથેની મુલાકાતો ફેઈલ થઈ ચૂકી હતી. આ 16મો હતો. છેવટે તેણે લેપટોપમાં ટાઈપ કરી દીધું. “શેલ વી મિટ, સમવ્હેર ?”

બીજી જ મિનિટે આકાશ વકીલનો મેસેજ આવી ગયો : “શ્યોર મેડમ, આઈ વિલ બુક ધ ટેબલ ફોર ટુ. ઈટ્સ માય પ્લેઝર. અલાવ મિ. પ્લીઝ.”

***

“ઓહ ગોડ… મિટિંગ સકસેસફૂલ જાય તો સારું !”

ઝરણાએ ભલભલી તોતિંગ રકમોના ડીલ માટેની મિટિંગો કરી હતી પણ આ વખતે તે જરા નર્વસ હતી. એક તો આકાશ વકીલે જે રીતે મુંબઈની અતિશય મોંઘી હોટલના ભવ્ય બોલ-રૂમમાં રવિવારના રાતના ડીનર માટે અતિશય મોંઘુ ટેબલ બુક કરાવ્યું હતું તેનાથી જ તે સમજી ગઈ હતી કે પાર્ટી માલદાર છે.

બીજું, આકાશ વકીલે તેને એપાર્ટમેન્ટથી પિક-અફ કરવા માટે એક લક્ઝુરિયસ, વ્હાઈટ, શોફર-ડ્રિવન મર્સિડિઝ કાર મોકલી હતી.

ઝરણા આ મિટિંગ માટે ખાસ અલગ રીતે તૈયાર થઈ હતી. પોતાનું ત્રાંસુ નાક ઓછું ત્રાંસુ દેખાય અને વાંકા હોઠ એટલા બધા વાંકા ના દેખાય એ માટે તેણે ખાસ ઓર્ડર કરીને એક મોંઘી બ્યુટિશીયનને મેકપ કરવા માટે પોતાના એપાર્ટમેન્ટ ઉપર બોલાવી હતી.

કપડાંની પસંદગી પણ ઝરણાએ સમજી વિચારીને કરી હતી. પોતાના ચહેરા તરફ ઓછું અને શરીર તરફ વધારે ધ્યાન ખેંચાય તેવું લો-કટનું સ્લીવલેસ સિલ્કી-રેડ ડિઝાઈનર ગાઉન તેણે જાણીજોઈને પસંદ કર્યું હતું.

ઝરણાને કમ સે કમ 25000 પુરુષોની અણિયાળી નજરોનો અનુભવ હતો. પુરુષને ડિલના બાટલામાં ઉતારવા માટે ઝરણા જે હથિયારોનો ક્યારેક જ ઉપયોગ કરતી હતી, તે છૂપાં હથિયારે આજે ઝરણાએ ખુલેઆમ દેખાય  તે રીતે ધારણ કરી લીધાં હતાં.

હોટલના પોર્ચ પાસે મર્સિડીસમાંથી ઉતરીને, લિફ્ટ વડે ઝરણા બોલ-રૂમમાં પ્રવેશી કે તરત ત્યાં ઊભેલા એક વેઈટરે ઝૂકીને એક દિશા તરફ હાથ દર્શાવતા કહ્યું “ધિસ વે પ્લીઝ, મેડમ…”

ત્યાં, બારીના કાચની આરપારથી અડધા મુંબઈની રોશની દેખાય તેવી મોકાની જગાએ ગોઠવેલા ‘પ્રિમિયમ’ ટેબલ ઉપર, પેલો આકાશ વકીલ બેઠો હતો. ઝરણા પાસે પહોંચીને તેને જોતાં જ દંગ થઈ ગઈ !

ફોટામાં તે કંઈક ઠીક લાગતો હતો પણ અહીં તો અદલોઅદ્દલ સલમાન ખાન જ જોઈ લો ! બસ, સલમાનની સહેજ નાની સાઈઝની આવૃતિ જેવો લાગતો હતો.

ઝરણા હવે મનોમન ખુશ હતી. તે સતત આકાશની મેનર્સને ઓબઝર્વ કરી રહી હતી. આકાશે થોડા હાય-હલો પછી “મેડમ, પ્લીઝ એલાવ મિ…” કહેતાં એક જ્વેલરીનું બોક્સ કાઢી, કોઈ શો-રૂમના સેલ્સમેનની જેમ ખોલીને બતાડ્યું. એમાં અતિશય મોંઘો એક ડાયમંડ નેકલેસ હતો ! એની ડિઝાઈન અને સ્ટાઈલ જોઈને ઝરણાની આંખો પહોળી થઈ ગઈ. મનમાં વિચાર્યું… “ત્રણ લાખથી ઓછી પ્રાઈસ તો ના જ હોય.”

“મેડમ, પ્લીઝ એલાવ મિ….” આકાશ વકીલે સફાઈદાર અંગ્રેજી ઉચ્ચારો સાથે કહ્યું ‘આપણી આ પહેલી મુલાકાતની યાદગિરી માટે છે… એન્ડ પ્લીઝ ડોન્ટ મિસ-અન્ડરસ્ટેન્ડ. આ તો માત્ર શુભેચ્છાની એક નાનકડી ચેષ્ટા જ છે. આપણે ફરી ન મળીએ તો પણ પ્લીઝ આને પાછી આપવાની જરૂર નથી.’

ઝરણા મનોમન વિચારવા લાગી. “આ બેટમજી મારી ઉપર ઓવારી ગયો લાગે છે. કોઈપણ હિસાબે મને પટાવવા તૈયાર છે… એકદમ ડેસ્પરેટ લાગે છે…” ઝરણાએ તરત જ પોતાના હોઠના બન્ને ખૂણા ખેંચીને પહોળું સ્માઈલ આપી દીધું. “ઓ વાઉ ! ધીસ ઈઝ સો બ્યુટિફૂલ !”

“પ્લેઝર ઈજ માઈન મેઈમ !” પેલાનો શું સ્મુધ અવાજ હતો ! જાણે કોઈ એરલાઈન્સની ડોક્યુમેન્ટ્રીનો એનાઉન્સર ના બોલતો હોય…! આહાહા…!

ઝરણા હવે સતર્ક થઈ ગઈ. ભૂલથી ક્યાંક પોતાના ત્રાંસા હોઠ પોતાની અસલી પોઝિશનમાં ગોઠવાઈ જાય અને ચહેરા ઉપર પેલું પરમેનેન્ટ કડવું કારેલું ખાધું હોય તેવા જુના અને જાણીતા હાવભાવ ગોઠવાઈ જશે તો આખી બાજી બગડી જશે.

ઝરણાએ હવે રીતસરનું જોર લગાડીને હોઠના બન્ને ખૂણા ગાલના સ્નાયુઓ વડે ખેંચીને રાખવાનું ચાલુ કર્યું. આકાશ વકીલે વેઈટરને બોલાવી લાંબોલચક ઓર્ડર આપ્યા પછી ઝરણા સામે સ્માઈલ આપતાં કોઈ અચ્છા બિઝનેસ એક્ઝિક્યુટિવની જેમ રજુઆત કરી :

“મેડમ, જ્યાં સુધીમાં ડિનર સર્વ થવાનું શરૂ થાય એ પહેલાં ઈફ યુ એલાવ મિ પ્લીઝ… હું અમારા ફેમિલી વિશે એક નાનકડું પ્રેઝન્ટેશન આપવા માગું છું.”

પ્રેઝન્ટેશન ?! ઝરણાને સાચેસાચું હસવું આવી ગયું. ખેંચાયેલા હોઠ વધારે પડતા ખંચાઈ ગયા. આકાશે બેઠાંબેઠાં પોતાનું લેપટોપ ખોલીને PPT પ્રેઝન્ટેશન શરૂ કર્યું. ‘મેડમ, યોર અટેન્શન પ્લીઝ, આ જુઓ અમારું ફેમિલી ટ્રી…’

ઝરણાને કંટાળો આવવાનો ચાલુ થયો. તેનું ત્રાંસુ નાક વધારે ત્રાંસુ થવાની તૈયારીમાં હતું અને ખેંચાયેલા હોઠ ઢીલા પડી ગયેલા ઈલાસ્ટિકની માફક પાછા ‘કારેલું-ટેસ્ટ’ના પોઝમાં આવવાની અણી પર હતા ત્યાં તે અચાનક સાવધ થઈ ગઈ…

કારણ કે લેપ-ટોપના સ્ક્રીન ઉપર આકાશ વકીલના પિતાશ્રીની ઈન્ટરનેશનલ સોલિસીટર્સ ફર્મના મોટા મોટા ક્લાયન્ટો, તેમની વકીલાતની મારફાડ આવક, લંડન, પેરિસ, ઝુરિક, ટોરેન્ટો, ન્યુયોર્ક વગેરે શહેરોની બ્રાન્ચ-ઓફીસો તથા વિવિધ દેશોમાં તેમની માલિકીની હજારો એકરમાં ફેલાયેલી એસ્ટેટોની તસવીરો જોતાં ઝરણાની આંખો તો પાણીમાંથી હમણાં જ બહાર કાઢેલી મોટી સાઈઝની માછલીઓની જેમ છટપટાવા લાગી. તેના હોઠ હોવા જોઈએ તેના કરતાં વધારે ત્રાંસા થવા લાગ્યા….

“ઓ માય ગોડ !” ઝરણા ફરીથી સતર્ક થઈ ગઈ. માંડમાંડ ખેંચીને પોતાનું હૂક ભરાવતી હોય તેમ તેણે ચહેરાના સ્નાયુઓને સ્માઈલ, ખુશી અને અહોભાવની મુદ્રામાં ખેંચીને જકડી રાખવા પડ્યા. તેણે મનોમન ઝડપી ગણતરી માંડી….

“કમ સે કમ બારથી પંદર લાખ કરોડની મિલકત છે !”

ઝરણાનું દિમાગ ગુગલના સર્ચ-એન્જિનની ઝડપથી ચાલવા લાગ્યું. “જો હું આકાશને પરણી જાઉં તો એના બાપને બાટલામાં ઉતારીને આસાનીથી બે ચાર લાખ કરોડની નવી કંપની સ્ટાર્ટ કરીને તેની માલિક બની શકું છું. રહી વાત આ આકાશ વકીલની, તો આ મગતરું મારી કંપનીના કોઈ જુનિયર એક્ઝિક્યુટિવની યે ઔકાત ધરાવતું હોય તેમ લાગતું નથી. એને તો હું ટચલી આંગળી પર રમાડીશ.”

હવે ઝરણાએ માત્ર ચહેરો જ નહિ, શરીરના વિવિધ અંગોને પણ ખાસ પોઝિશનોમાં ખેંચીને જકડી રાખવાનું ચાલુ કર્યું. બિચારીને બહુ તકલીફ પડી રહી હતી. ખાસ કરીને એટલા માટે કે, છેલ્લાં 36 વરસની જિંદગીમાં તેણે કોઈ પુરુષ સામે આવું કશું જ કરવું પડ્યું નહોતું.

***

“શેલ વી ડાન્સ?” ઝરણાએ સ્માઈલ આપીને હે્ન્ડસમ સલમાન જેવા આકાશને પૂછ્યું.

ડિનર પત્યા પછી આકાશ વકીલે પોતાના કાર્ડ વડે બિલ ચૂકવી દીધું પછી ઝરણાએ પોતાની ગેમ અહીં જ આગળ વધારવાનું નક્કી કરી લીધું હતું.

“ઓહ શ્યોર મેડમ ! વ્હાય નોટ ?” એમ કહીને જ્યારે આકાશ વકીલ ખુરશી ખસેડીને ઊભો થયો ત્યારે ઝરણાનું મારીમચેડીને ખેંચી રાખેલું સ્માઈલ એક જ ઝાટકે ઢીલું થઈ ગયું !

ઓ માય ગોડ ! સલમાન ખાનની નાની કોપી જેવો સોહામણો દેખાતો આકાશ વકીલ ઊંચાઈમાં માંડ પાંચ ફૂટનો હતો !

માથાથી કમર સુધી તો એનો બાંધો વ્યવસ્થિત હતો પણ કમરથી નીચેના ભાગમાં ભગવાન પાસે લાંબા પગનો સ્ટોક ખૂટી પડ્યો હોય તેમ સાવ ટુંકી સાઈઝના પગનું ફીટિંગ થયેલું હતું.

ઝરણા એક ક્ષણ માટે તો હલબલી ગઈ. “આવો ? આ ટુણિયાર રિસેપ્શનના ફોટામાં કેવો દેખાશે ?”

પરંતુ બીજી જ ક્ષણે તેણે મનમાંથી એ વિચાર ખંખેરી નાંખ્યો. “વોટ ધ હેલ ! બે ચાર લાખ કરોડની કંપની સામે બાર પંદર ઈંચનો ડિફરન્સ ના જોવાનો હોય !”

આકાશે ડાન્સની ઓફર સ્વીકારી લીધી કે તરત જ ઝરણાને લાગ્યું કે બહુ મોટું ટેન્ડર હાથવેંતમાં છે…

***

“મેડમ, ઈફ યુ એલાવ મિ, પ્લીઝ…”

ઝરણાને મનોમન સખત ચીડ ચડી હતી. ચોખલિયો આકાશ વકીલ આવું સાતમી વાર બોલ્યો.

એક તો બોલ-રૂમમાં સરસ મઝાના સોફ્ટ મ્યુઝિક ઉપર રૂડા-રૂપાળાં લાગતાં કપલ્સ હળવો બોલ ડાન્સ કરી રહ્યાં હતાં તેમાં ઝરણા-આકાશનું કપલ કંઈ વિચિત્ર જ લાગતું હતું. ઝરણાની હાઈટ વત્તા હાઈ-હીલ્સના સેન્ડલને કારણે બિચારા મિની સલમાન જેવા આકાશનું માથું ઝરણાની છાતી સુધી જ પહોંચતું હતું.

આમાં ઝરણા એની કમર ઉપર શી રીતે હાથ મુકે ? એણે આકાશના ખભે હાથ લપેટ્યો. બિચારું બટકું આકાશ તેમ કરવા ગયું તો ખરું પણ ઝરણાના ખભા બહુ ઊંચા પડ્યા. તેણે ઝરણાની કમર ઉપર હાથ મુકતાં પહેલાં પૂછ્યું “મેડમ, ઈફ યુ એલાવ મિ, પ્લીઝ, હું તમારી કમર ઉપર હાથ મુકી શકું ?”

મનમાં “વોટ ધ હેલ… !” કહેતાં અને ચહેરા ઉપર સ્મિતનું ઈલાસ્ટીક ખેંચી રાખતાં ઝરણાએ જ તેનો હાથ પકડીને પોતાની કમર ઉપર ગોઠવી દીધો હતો.

એ પછી થોડી થોડી વારે આકાશનું ‘ઈફ યુ એલાવ મિ પ્લીઝ’ ચાલતું રહ્યું. કમરમાં હાથ પછી હથેળીમાં હથેળી, ત્યાર બાદ નજીક આવવું, શરીર ઘસાય તે રીતે ડાન્સ કરવો, સૌની સાથે હળવી ફૂદરડી ફરતાં શરીરને શરીર સાથે ચાંપવું, ડાન્સ કરતાં કરતાં વાઈનનો ગ્લાસ એક હાથમાં ધરી રાખવો, તેના કારણે બીજા હાથ વડે શરીરને વધારે મજબૂતીથી જકડવું…

દરેક વખતે ચોખલિયો આકાશ પૂછતો હતો “મેડમ, ઈફ યુ એલાવ મિ, પ્લીઝ…”

અને દરેક વખતે ઝરણા અકળાઈ જતી. સરવાળે તેને ‘એલાવ’ કરવાને બદલે પોતે જ હક્ક કરતી હોય તેમ તે આકાશની રગડી નાંખતી હતી. પણ કોણ જાણે કેમ, ઝરણાને આખી વાતમાં કંઈક ગજબની થ્રિલ આવી રહી હતી !

પહેલી વાત તો એ કે 36 વરસની ઉંમરમાં ઝરણાએ પહેલી વાર પુરુષના સ્પર્શને આટલી નજીકથી ‘એલાવ’ કર્યો હતો. બીજું, આકાશનું માથું, બિચારો ના ઈચ્છે તોય, ઝરણાની છાતીને વારંવાર ઘસાયા કરતું હતું. અને ત્રીજું, પુરુષના આ રોમાંચક સ્પર્શની ઝણઝણાટીમાં પેલા બે ચાર લાખ કરોડની ગરમી પણ ઉમેરાઈ ચૂકી હતી.

વાઈનના ચોથા ગ્લાસ પછી તો ઝરણા પોતે બેકાબૂ બની ગઈ. ડાન્સનું છેલ્લું મ્યુઝિક પુરું થાતં જ તેણે આકાશને જબરદસ્ત આલિંગનમાં જકડીને એક તસતસતું ચૂંબન આપતાં પૂછી લીધું. પૂછી શું, રીતસર ઓર્ડર કર્યો “કમ ઓન, ટેક મિ ટુ અ રૂમ ! નાવ !”

બિચારા  આકાશ વકીલે કોઈ આજ્ઞાંકિત જુનિયર એક્ઝિક્યુટિવની માફક ફટાફટ એ જ હોટલની મોંઘી રૂમ બુક કરવી પડી. એટલું જ નહિ, “મેડમ, એલાવ મિ પ્લીઝ…” કરતાં તેણે ઝૂમી રહેલી, દરિયાના તોફાનમાં નૌકા સમાન ઝરણાને ટેકો આપીને રૂમમાં લઈ જવી પડી.

એ પછી તો ઝરાણાએ આકાશને ‘એલાવ મિ પ્લીઝ….’ કહેવાનો ચાન્સ જ ના આપ્યો.

ઝરણા બે ચાર લાખ કરોડની ઈન્ટરનેશનલ કંપનીની આજે જ માલિક બની ગઈ હોય તેમ તેણે આખેઆખો આકાશ વકીલનો આખો વહીવટ પોતાના કંટ્રોલમાં લઈ લીધો…

***

બીજા દિવસે પોતાની શાનદાર પારદર્શક કાચવાળી કેબિનમાં રિવોલ્વીંગ ચેર ઉપર બેઠીબેઠી ઝરણા છેક સાંજે ચાર વાગ્યા લગી ગઈકાલ રાતની ઘટનાનાં મીઠા સંભારણાં વાગોળી રહી હતી.

હા, એ મીઠા ઘુંટડામાં ક્યાંક સ્હેજ ખટાશ આવી જતી હતી કે ‘રિસેપ્શનના ફોટાઓમાં પેલું આકાશિયું કેવું લાગશે?’

એવામાં કેબિનનું બારણું ખુલ્યું. પટાવાળો કુરિયરમાં આવેલું એક ‘અરજન્ટ’ લખેલું કવર આપી ગયો.

કવર ખોલતાં જ ઝરણાની માછલી જેવી આંખો વ્હેલ માછલીની જેમ ઉછળવા લાગી. તેનું ત્રાંસુ નાક એકદમ હોકીની જેમ ત્રાંસુ થઈ ગયું અને વાંકા હોઠ ભયાનક અજગરની માફક વાંકાચૂકા થઈને ત્રાડ પાડી ઉઠ્યા :

“સ્સાલા !! ચોખલિયા !!” ઝરણાએ ટેબલ પર પડેલું પેપરવેઈટ ઉઠાવીને એટલા જોરથી ફેંક્યું કે પારદર્શક કેબિનના કાચમાં તિરાડો પડી ગઈ.

કવરમાં આકાશ વકીલના બાપા તરફથી લિગલ નોટિસ હતી : “તમે અમારા સુપુત્રને હોટલમાં તેડાવી, તેને મદ્યપાન કરાવી, તેના શરીર સાથે અણછાજતી રીતે છેડછાડ કર્યા બાદ, બળજબરીથી તેને હોટલની રૂમમાં લઈ જઈને તેની ઉપર જાતિય હુમલો કર્યો છે તે બદલ અમો તમારી ઉપર રૂપિયા બે લાખ કરોડનો દાવો…”

ઝરણાએ બીજી વાર પેપરવેઈટ પછાડીને ટેબલનો કાચ ફોડી નાંખ્યો. તે હજી ત્રાંસા હોઠ કરીને બબડીરહી હતી. “ચોખલિયો…. હરામખોર ચોખલિયો…”

- મનનું શેખચલ્લી

email... mannu41955@gmail.com

Comments