ગાંધીનગરમાં નવા સચિવાલયમાં એક દિપડો ઘૂસી ગયો હતો ! અમે એની જોડે થોડી વાતચીત કરી...
***
"કેમ છો દિપડાભાઈ, મઝામાં ?"
"પિંજરામાં કોઈ મઝામાં હોતું હશે ? "
"કેમ, પોપટ તો મઝામાં હોય છે."
"હું સીબીઆઈ નથી ! સમજ્યા ?"
(અમે ચેતી ગયા. અમને થયું કે આ દિપડો બહુ બધું જાણતો લાગે છે. અમે સવાલ બદલી નાંખ્યો.)
"તમે ગાંધીનગરના સચિવાલયમાં કેમ આવ્યા હતા ?"
"ખાવા."
"પણ અહીં તમને શું ખાવા મળે ?"
"કેમ ના મળે ? મેં જંગલમાં સાંભળ્યું છે કે સચિવાલયમાં બધાને એટલું બધું ખાવા મળે છે કે લોકો બંગલા બંધાવે છે."
(અમે તરત જ દિપડાને બોલતા અટકાવ્યો.)
"તમે યાર, આવું બધું મોટેથી ના બોલો ! અહીંથી એક ભાઈ દિલ્હી ગયા છે એ સાંભળશે તો ઉપાધિ થશે ! કારણકે એ ખાતા ય નથી અને ખાવા દેતા ય નથી."
"એમ ? તો એ જીવે છે શી રીતે ? હવા સુંઘીને ?"
"તમે પ્લીઝ, એમને છોડોને ! તમે મને એ કહો કે સચિવાલયની મુલાકાતનો તમારો અનુભવ કેવો રહ્યો ?"
"ખરાબ... અમુક લોકો હવે મને પોલિટિક્સમાં ખેંચી જવા માંગે છે."
"અચ્છા? કોણ છે એ લોકો ?"
"શી ખબર... મને કહેતા હતા કે અમે જયારે બંધનું એલાન આપીએ છીએ ત્યારે કશુંય બંધ રહેતું નથી અને તમે તો આખું સચિવાલય બંધ કરાવી દીધું ! એમણે મને કહ્યું કે તમે અમારી પાર્ટીમાં જોડાઈ જાવ."
"તો તમે શું કહ્યું ?"
"મેં કહ્યું કે શું મને છૂટથી ખાવા મળશે ? તો કહેવા લાગ્યા કે હમણાં તો ખાસ નહીં મળે પણ 2019 પછી ખાવાના ચાન્સ વધી જવાના છે."
"તો તમે શું નક્કી કર્યું ?"
"જોઉં છું... હજી કંઈ ફાઇનલ નથી કર્યું.... વિચારું છું કે ગિરના જંગલમાં જતો રહું."
"કેમ ?"
"એક જ રાતમાં મારા એટલા બધા ફોટા અને વિડીઓ વાઇરલ થઈ ગયા કે મને લાગે છે કે હવે મને VIP ટ્રિટમેન્ટ ત્યાં જ મળશે !"
"હા, એ ખરું..."
"પછી ફેસબુક એકાઉન્ટ ચાલુ કરી દઈશ... પછી ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ... પેલું શું કહેવાય, યુ-ટયુબ ચેનલ...."
(અમને વિના ઈન્જેકશને ઊંઘ આવવા લાગી. સાલું, બધાને ફેમસ જ થવું છે....)
- મન્નુ શેખચલ્લી
Dipada ni vyatha
ReplyDeleteBapu
Dipda ni vyatha ane mannu no Katha 😊
Delete