કાળીચૌદશનાં માઇક્રોફિક્શન... !


એક…

ભૂત આખા શહેરમાં ભટકતો રહ્યો.

એક ચાર રસ્તેથી બીજા ચાર રસ્તે, બીજા ચાર રસ્તેથી ત્રીજા ચાર રસ્તે… એમ આખું શહેર ફરી વળ્યો.

છેવટે થાકી હારી , કંટાળીને તે પોતાની આંબલીની ડાળે આવીને લટકી પડ્યો.

ભૂતની બૈરીએ પૂછ્યું, “લાવ્યા?”

ભૂત બગડ્યો “ધૂળ લાવે ?”

બૈરી કહે “પણ તમે જ કહેતા હતા ને…”

“અફવા હતી અફવા….” ભૂતે દિમાગની ભડાસ કાઢતાં કહ્યું “વોટ્સએપમાં ફરતી અફવા હતી !”

“ના હોય !”

“અરે, આખા શહેરના તમામ ચાર રસ્તે ફરી વળ્યો, બધે શોધી જોયું… પણ પોતાના ઘરનો કકળાટ કાઢવા માટે એક પણ વ્યક્તિ પોતાનો એક પણ મોબાઈલ કાળીચૌદશની રાતે ચાર રસ્તે મુકી ગયો નથી !”

***

બે…

હજી માઈક્રોફિકશન પત્યું નથી…

ભૂતની બૈરીએ તીખા અવાજે કહ્યું “તમે મને છેતરો છો ! આખા શહેરમાં ક્યાંય કોઈ મોબાઈલ હતો જ નહિ… ? ના ના, એવું બને જ નહીં ને ? જરૂર તમે કોઈ બીજી આંબલીની ડાળે કોઈ બીજી ભૂતડીને ખુશ કરવા માટે સારા સારા બે ડઝન મોબાઈલો એને આપી આવ્યા હશો…”

- અને એ રીતે કાળીચૌદશની રાત્રે, ખુદ ભૂતોના ઘરમાં કકળાટ પ્રવેશ્યો !

***

ત્રણ…

જોકે બીજી એક આંબલીની ડાળે એટલો કકળાટ નહોતો.

રાતે દોઢેક વાગે ભૂતે આવીને એક થેલો એની બૈરીને પકડાવતાં કહ્યું “લે, બધા ચાર રસ્તેથી મળ્યાં એટલાં લીંબુ ઉપાડતો આવ્યો છું… એમાંથી અથાણાં બનાવજે.”

***

ચાર…

પરંતુ ત્રીજી એક આંબલી ઉપર એવી શાંતિ નહોતી.

રાતે બે વાગે ભૂત આવ્યો. પ્લાસ્ટિકની થેલી આંબલીની ડાળે લટકાવતાં એણે બૈરીને કહ્યું “ખાટાં વડાં લાવ્યો છું. ખાઈ લેજે.”

ભૂતની બૈરીએ છણકો કર્યો “એવાં ધૂળમાં રગદોળાયેલાં ખાટાં વડાં નથી ખાવા મારે !”

પછી સ્હેજ ઓડકાર ખાતાં એ બોલી “મેં તો ક્યારનાં ‘સ્વીગી’ પર ઓર્ડર કરીને, ઓનલાઈન મંગાવીને, ખાઈ લીધાં ! ”

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment