અઢાર પાસ (હાસ્ય કથા)


“આ તો લોટરી લાગી ગઈ, લા !” મુકલાને પોતાને ભરોસો નહોતો બેસતો.

બિચારો મુકેશ મંકોડી શરીરે મંકોડીથીયે વિચિત્ર આકારનો છે. લાંબા સડી ગયેલા ભીંડા જેવા નાક ઉપર જાડા સાડા ચાર પાવરના ચશ્મા પહેરે છે. એનાં બેસી ગયેલા ગાલના ખાડામાં ઊગી ઊગીને ફૂટી ગયેલા ખીલના ડાઘને કારણ ગાલની સપાટી ચંદ્ર, મંગળ કે શુક્ર જેવા ગ્રહો જેવી છે. બિચારાની લવ-લાઈફ પણ ઉજ્જડ છે. એમાં એક એરંડા સમાન છોકરી પણ દૂર દૂર સુધી દેખાય એવા ચાન્સ નથી.

તો મુકલાને લોટરી ક્યાંથી લાગી ?

વાત એમ છે કે મુકલો કોલેજમાં સેકન્ડ ઈયરમાં છે પણ પોતાની ફીનો ખર્ચો કાઢવા માટે એક ઓનલાઈન શોપિંગ કંપનીમાં ડિલીવરી બોય તરીકે પાર્ટ-ટાઈમ જોબ કરે છે. કંપની એને એના ખખડી ગયેલા ખટારા જેવા સ્કુટરમાં પુરવા માટે માત્ર 1500નું પેટ્રોલ-એલાવન્સ આપે છે. (જેમાં 5 રૂપિયા 27 પૈસાનો અણધાર્યો ઘટાડો થયો ત્યારે મુકલાને ખુશીના એટેકથી આખી રાત ઊંઘ નહોતી આવી.)

તો શું મુકલાને લોટરીમાં આખું પેટ્રોલથી ભરેલું ટેન્કર મળી ગયું ? ના !

એની પાસે સિટીની બેસ્ટ ક્લબના, બેસ્ટ ગરબાના, રવિવારની નાઈટના… ટોટલ 18 પાસ આવી ગયા હતા !

શી રીતે ? તો વાત એમ બની કે મુકલાની ઓનલાઈન શોપિંગ કંપનીએ સન્ડે નાઈટના ભવ્ય ગરબાની ઈવેન્ટ સ્પોન્સર કરી હતી. બિચારા મુકલાની એકસ્ટ્રા ડ્યૂટી લાગી હતી. પાસિઝ ડિલીવર કરવાની !

મેનેજરે પેટ્રોલ એલાવન્સમાં 300 રૂપિયા વધારી આપવાનું પ્રોમિસ આપ્યું હતું. મુકલાના ઠાઠીયા સ્કુટરની મર્સિડીઝ જેવી એવરેજને કારણે એનું તો 450નું પેટ્રોલ બળી જવાનું હતું પણ મોગેમ્બોથી કદરૂપો દેખાતો મેનેજર નોકરીમાંથી કાઢી ના મુકે એની બીકે મુકલાએ હા પાડવી પડી હતી.

પાસિસ વહેંચતા થયું એવું કે નવ બંગલે તાળું નીકળ્યું ! ટૂંકમાં નવ દુની અઢાર પાસ ‘અન-ડિલિવર્ડ’ હતા !

મુકલો અઢારે અઢાર પાસ એના બોસને પાછા જ આપવાનો હતો ત્યાં એની જોડે નોકરી કરતો બારમું ફેઈલ બકો બોલી ઊઠ્યો. “મુકલા, મારાં તો નસીબ ખરાબ છે કે મું કોલેજમાં નહીં ભણતો, બાકી અઢાર પાસ હોય તો મું સત્તર છોકરીઓને લઈને ગરબામોં જઉં !”

બસ, ત્યારે જ મુકલાને ભાન થયું કે “આ તો લોટરી લાગી ગઈ લા !”

પણ 17 છોકરીઓ ? એ પણ પોતાની કોલેજની ? બબ્બે વરસથી પોતે જ કોલેજમાં જાય છે એમાંની એકેય છોકરીએ એની સામું પણ નથી જોયું એવી ‘બ્યુટિઓ’માંથી સત્તર શું, સાત પણ આવે તો ઘણું !

છતાં મુકલાએ હિંમત ના હારી. કોલેજના કોરિડોરમાં ઊભા રહીને જે છોકરી ત્યાંથી પાસ થતી હોય તેને “એ-એસ્ક્યુઝ મિ…” કહીને બોલાવવાની ટ્રાય કરી.

15 મિનિટની રિસેસમાં 37 છોકરીઓ પસાર થઈ પણ એકેય છોકરીએ તેની સામે સેકન્ડના 37મા ભાગ માટે પણ જોયું નહિં.

હવે ? હતાશ થયેલો મુકલો કેન્ટિનમાં ગયો. એક અડધી ‘બાકી’માં લખાવીને એ ટેબલ પર બેઠો. ખિસ્સામાંથી પેલા ચળકતા લીસ્સા કાગળવાળા પાસ ટેબલ પર પત્તાનીં બાજીની માફક ગોઠવીને નિસાસા નાંખતો હતો ત્યાં અચાનક કોલેજની એક ‘બ્યુટિ’ નિહારિકાનો મીઠ્ઠો ટહુકો બરોબર એના ખભાની પાછળ સંભળાયો :

“હાઆઆય ! તું તો મારા જ ક્લાસમાં છે ને ?”

“હેં ? હા…” કરતો મુકલો કંઈ જવાબ આપે એ પહેલાં તો નિહારિકા તેના ખભે ધબ્બો મારીને તેના શરીરની અડોઅડ બેસી ગઈ !

ટેબલ પર પડેલા પાસિઝને જોઈને બોલી “વા….આઆઉ ! કઈ ક્લબના પાસ છે ? ઓ માય ગોડ ! સન્ડેના છે ? કેટલા છે ?”

“અ-અઢાર – અઢાર છે. એઈટીન ઓન્લી !” મુકલો હજી જવાબ આપી રહે ત્યાં પેલી એને ચોંટી પડી.

“તારે મને ચાર પાસ તો આપવા જ પડશે ! ના…. ના… કોઈ દલીલ કરવાની જ નથી ! હું હર્ષિતા, રોમેશ અને નૌતમ ચારેય જણા.. જોડે તારે તો આવવાનું જ હોય ને ! અમે તને પિક-અપ કરી લઈશું ! નૌતમની કારમાં ! ઓકે? બોલ, તું ક્યાં હોઈશ, સન્ડેના ?... અને… સોરી હો, તારું નામ… હું ભૂલી ગઈ…”

બિચારો આસમાનમાં ઊડી રહેલો મુકલો વિમાનના ટોઈલેટમાંથી ફેંકાયેલા એંઠવાડની જેમ નીચે પછડાયો. મનમાં થયું, “સાલીને મારું નામ પણ ખબર નથી અને પાસ જોઈએ છે ?”

ચિડાયેલો મુકલાએ ગળું ખોંખારીને ના પાડી દીધી. “એમાં શું છે કે પાસ તો છે. એકસ્ટ્રા બી છે, પણ હજી કન્ફર્મ નથી થયું.”

નિહારિકા તરત જ હસી પડી. “ઓકે ? કન્ફર્મ થાય એટલે કહેજે હોં ? અને આપણા પાંચ પાસ તો રાખવાના જ છે, ઓકે, ડિયર ? જલ્સા કરીશું !”

નિહારિકા મુકલાના ગાલે હળવી કીસ કરીને પતંગિયાની જેમ ઉડતી ઉડતી જતી રહી. મુકલાને થયું… “યાર, ખોટી ના પાડી હોં ? હજી પાસનું નામ પડ્યું છે, અને કીસ મળી છે તો આગળ શું શું થશે ?”

મુકલો બાકી રહેલી ચા પતાવવાને બદલે સપનામાં સરી પડ્યો. ચા એની મેળે ઠંડી પડી ગઈ.

મુકલો એના સપનામાં નિહારિકા જોડે ગરબા ગાતાં ગાતાં અથડાઈને લીલીછમ લોન ઉપર સ્લો-મોશનમાં પડી જ રહ્યો હતો ત્યાં એનું સપનું તૂટી ગયું ! એની આસપાસ અડધો ડઝન છોકરીઓ કલબલાટ કરતી ઊભી હતી !

“હાય મુકેશ ! તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે ને !” એક છોકરી પોતાની જાળ નાંખે તે પહેલાં બીજીએ લંગસિયું નાંખ્યું.

“જા જા ! મુકેશ તો મારા ક્લાસમાં મારી આગલી બેન્ચ પર જ બેસે છે !”

ત્રીજીએ એમાં ફાચર મારી “બેસ બેસ, આ વખતે મુકેશ એક જ એવો છોકરો હતો જેને મેં રાખડી નહોતી બાંધી ! હેં ને, મુકુ ?”

ચોથી છોકરી ફાચરમાં ટાંગ અડાડે એ પહેલાં કોલેજના ચાર સૌથી હેન્ડસમ છોકરાઓ તેની પીઠ પર ધબ્બો મારીને આજુબાજુમાં બેસી ગયા.

“એય છોકરીઓ, આઘી ખસો ! ધીસ ઈઝ બિટવીન ભઈબંધ ટુ ભઈબંધ ! બોલ મુકા, આપડી જોડે ફાવશે ને ! બાટલી, બેબલી અને બેન્ગ બેન્ગ… ત્રણેય જલસા જોડે કરીશું… શું કહે છે !”

મુકલો હવે બઘવાઈ ગયો. સાલી લોટરી તો ગજ્જબની લાગી ગઈ હોં !

એણે ઝડપથી અઢારે અઢાર પાસ ભેગા કરીને ખિસ્સામાં ખોસી દીધા, પણ પછી શી ખબર, શું સુઝ્યું કે એનાથી બોલાઈ ગયું : “એક પાસના 600 રૂપિયા થશે !”

અચાનક ત્યાં સન્નાટો છવાઈ ગયો…

***
- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments