વૈજ્ઞાનિકો કહે છે કે આપણા શરીરની ચામડી અને વાળમાં ટોટલ 134 જાતનાં બેક્ટેરિયા ટાઈપના ઝીણાં ઝીણાં જંતુઓ રહેતાં હોય છે !
નરી આંખે તો હરગિઝ ના દેખાય એવાં આ જીવાણુઓની જિંદગીમાં શું ચાલતું હશે ?....
***
માથાના વાળમાં ફરવા નીકળેલાં એક બેક્ટેરિયણ માશીને ઘણા વખતે એક બેક્ટેરિયણ કાકી મળી ગયાં. કાકીની જોડે એમની બેબી પણ હતી. બેક્ટેરિયણ માશીએ તેને જોઈને કહ્યું :
“આલેલે… તમારી બેબીનું વજન બહું વધી ગયું લાગે છે !”
“વધે જ ને !” બેક્ટેરિયણ કાકી બોલી ઉઠ્યા : “એને ડાબર આમલા હેર-ઓઈલ બહુ ભાવે છે !”
***
એક બેક્ટેરિયા કાકા પીઠ બાજુ ઈવનિંગ વોક માટે નીકળ્યા હતા. ત્યાં એમને એક બીજા બેક્ટેરિયા કાકા મળી ગયા. એમણે પૂછ્યું :
“પેલા ડી.કે. એડીવાલા તમારી નાતના જ થાય ને ?”
“હા, નાતમાં ખરા, પણ અમારાથી નીચા ગણાય, કારણકે અમે કમરવાળા અને એ લોકો પગવાળા !”
***
બેક્ટેરિયાઓની શાકમારકેટમાં બે બેક્ટેરિયણો ભેગી થઈ ગઈ. એકે પૂછ્યું :
“અલી, તું શાક લેવા માટે છેક મૂછ પાસેથી અહીં સુધી આવે છે ?”
બીજીએ કહ્યું “એમાં શું થયું, અમે મૂછમાં જ્યાં રહેતા હતા ત્યાં હવા-ઉજાસ બધું સારું હતું, પણ પછી છે ને, તમારા ભાઈને શેવિંગ ક્રીમની એલર્જી થવા માંડી…. એટલે અમે અહીં બગલમાં રહેવા આવી ગયાં !”
***
બગલ વિસ્તારમાં નવાં નવાં રહેવા આવેલાં બેક્ટેરિયણ બહેન બધાંને કહેતાં ફરે છે :
“આમ તો અહીંના હાઈ-રાઈઝમાં (એટલે બગલના વાળમાં) બધી રીતની શાંતિ છે, પણ ભૈશાબ, જ્યારે જ્યારે કોઈ ડિ-ઓડરન્ટ છાંટે છે ને, ત્યારે બહુ વાસ મારે છે !”
***
બેક્ટેરિયાઓ પ્રેમમાં પણ પડતાં હોય છે.
જમણા ખભા ઉપર રહેતો બેક્ટેરિયો ડાબા ખભામાં રહેતી બેક્ટેરિયણના પ્રેમમાં પડ્યો. એક દિવસ તેણે સારો મૂડ જોઈને બેક્ટેરિયણને મેરેજ માટે પ્રપોઝ કરી દીધું.
બેક્ટેરિયણ કહે “ઓકે. પણ મારી એક જ શરત છે. જો તું તારો ખભાવાળો બંગલો છોડીને ત્યાં પેલા પાંપણવાળા ફ્લેટમાં રહેવા જાય તો જ હું તને પરણું !”
“કેમ કેમ ?”
“ક્યું કિ મૈં ચાહતી હું કિ તુમ મુઝે હમેશાં પલકોં પે બિઠા કે રખ્ખો !”
- મન્નુ શેખચલ્લી
Kya kahene
ReplyDelete