“સુસરી, ઈ દિવાલી ને તો હમારા દિવાલા નિકાલ દિયા !”
બિચારો બદરી નારાયણ આજે 60 વરસનો થઈ ગયો છે. આ દિવાળીમાં સાવ છછૂંદર જેવા ચપરાસીઓને ય હજાર બે હજાર રૂપિયાની બોણી થઈ છે પણ બદરી નારાયણને હજી બોણીની જ ‘બોણી’ થઈ નથી.
કારણ શું ? બિચારો બદરી નારાયણ BSNLમાં છે, એટલે !
આમ તો BSNLનું લેબલ બદરીને જન્મથી જ કપાળે ચોંટ્યુ હશે કારણ કે એનું નામ જ BSNL ! યાને કે બદરી… નારાયણ.. સુંદર.. લખન.. !
દસ ચોપડી ભણ્યા પછી બદરીના બાપા સુંદર લખને કંઈક જુગાડ કરીને તેને ટેલિફોન ખાતામાં હંગામી પ્યુન તરીકેની નોકરીએ બેસાડી દીધેલો. ત્યાર બાદ થોડી ગણી ટ્રેનીંગ લઈને બદરી નારાયણે BSNL કંપનીમાં મેન્ટેનન્સ ખાતામાં મિકેનિક તરીકે ઘૂસ મારી દીધી હતી.
“આહા… ! ઉ ભી કા દિન થે…!”
બદરીને BSNLની જાહોજલાલી યાદ આવી રહી હતી. ઓફિસોમાં અમસ્તો ફોલ્ટ રિપેર કરવા જાય તો ચા સાથે બિસ્કીટ મળતાં હતાં. પોશ વિસ્તારના બંગલાઓની શેટાણીઓ તો બદરીને “ભૈયાજી ! ભૈયાજી !” કરીને રાખડીઓ બાંધી નાંખવાની હોય તેવી ઘેલી થતી.
બદરી પણ બરોબર ભાઈબીજને દહાડે જ બોણી ઉઘરાવવા જાય… તે વખતે 151ની બોણી ઉપરાંત શેઠાણીઓ તેને સોફા પર બેસાડીને દિવાળીના નાસ્તાની ફૂલ ડીશ ભરીને આગ્રહો કરી કરીને પ્રેમથી ખવડાવતી હતી !
અને આજે ? એ જ શેઠાણીઓ એને ઓળખવાનો પણ ઈનકાર કરી દે છે… રાખડી તો દૂરની વાત થઈ. બદરી નારાયણને માત્ર દિવાળીમાં નહિ, બારે મહિના બોણી જ બોણી હતી. આહા… શું જમાનો હતો !
કોઈ પ્રેમી યુવાનને ટેલિફોનના થાંભલે ચડાવીને એની પ્રેમિકા જોડે એકાદ કલાકની વાતો કરાવી આપે તો બક્ષિસમાં વીસ રૂપિયા મળી જતા હતા. (બાય ધ વે, એ જમાનામાં વીસ રૂપિયામાં તો બદરીના ‘લુના’માં સાડા ચાર લિટર પેટ્રોલ આવી જતું હતું.)
પ્રાયવેટ ઓફિસોમાં તો બદરી નારાયણના ઠાઠ હતા. ઉપરી સાહેબ જોડે ગોઠવણ કરીને ઓફિસોની અમુક લેન્ડલાઈનો પરથી થતા કલાકોના STD કોલ ‘વિધાઉટ બિલ’ કરાવી આપતો હતો. એ વખતે બદરી મૂછ ઉપર તાવ દઈને ઓફિસના સાહેબો આગળ વટ મારતો કે “આપ કોંનો ફિકર ના કરો, પ્રમોદ મહાજન જી હમરે રિશ્તે મેં લગતે હૈં…”
આજે તો ટેલિકોમ ખાતાનો મિનિસ્ટર કોણ છે એ પણ બદરીને ખબર નહોતી. બોણીઓ ના મળવા બદલ ગાળો ય કોને ભાંડવી ?
આખરે, દેવ ઊઠી અગિયારસ સુધીમાં બદરી નારાયણને એક રૂપિયાની યે બોણી ના થઈ એમાં એની છટકી… એણે એક અણધાર્યું પગલું ભરી નાંખ્યું….
***
“આ કાકાનું શું કરવું છે સાહેબ ?”
શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના લોક-અપમાં આખી રાત વીતાવી ચુકેલા બદરી નારાયણ તરફ ઈશારો કરતાં હવાલદારે ઈન્સપેક્ટરને પૂછ્યું.
ઈન્સપેક્ટરે એ ‘કાકા’ તરફ ઉડતી નજર નાંખી. સાંઈઠનો હોવા છતાં બદરી નારાયણ સિત્તેરનો લાગતો હતો. “એને કયા ગુનાસર પકડ્યો છે ?” ઈન્સપેક્ટરે પૂછ્યુ. હવાલદારે કહ્યું :
“રાયોટિંગ સર… રાતના ટાઈમે આ કાકા હાથમાં ડંડો લઈને એક શો રૂમના કાચના દરવાજા ઉપર દે ઠોક, દે ઠોક મચી પડ્યા હતા."
"એમ?"
"લગાડવી હોય તો ઈન્ટેશન ઓફ થેફ્ટની કલમ બી લાગે… પણ કાકાથી કાચનો દરવાજો તૂટ્યો જ નહિ ! એક તીરાડ બી ના પડી ! તમે રાતના રાઉન્ડ ઉપર હતા એટલે હજી કેસ નોંધ્યો નથી.”
“હં…” ઈન્સપેક્ટરે કાકા ઉર્ફ બદરી નારાયણને બોલાવ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે શો રૂમ તો ‘જિઓ’નો હતો !
***
ઇન્સપેક્ટર સાહેબને રમૂજ પણ પડી રહી હતી અને મનમાં દાઝ પણ ચડી રહી હતી કે યાર, કેવા કેવા કેસો આવે છે ? એમણે BSNLના એક અધિકારીને ફોન લગાડીને આખી ઘટના બયાન કરી. સામે છેડેથી સાહેબનો ખુલાસો આવ્યો :
“બેચારા બદરી નારાયણ પગલા ગયા હૈ ! મગર સા’બ ક્યા કરેં ? હમારી ભી હાલત કોઈ બેહતર નહીં હૈ… એક જમાને મેં દિવાલી પે દો દો ડઝન મીઠાઈ કે પેકેટ મિલતે થે… અબ કોઈ સુંઘને ભી નહીં આતા…”
બદરીના સાહેબે જ્યાં સુધી પોતાના દિલની પુરેપુરી ભડાસ કાઢી ના લીધી ત્યાં સુધી એમણે ફોન છોડ્યો નહિ.
આખરે ઇન્સપેક્ટર સાહેબ કંટાળ્યા. એમણે ‘જીઓ’ના શો-રૂમ થકી ‘જીઓ’ના કોઈ ઓફિસર સાથે ફોન પર વાત કરી. ઓફિસરે કહ્યું “જવા દો ને સાહેબ, શો-રૂમના કાચને તીરાડ પણ નથી પડી તો અમારે કેસ કરીને શું લેવું છે ? છતાં, જરા એ બદરી નારાયણનો મોબાઈલ નંબર આપો તો હું એની જોડે ડાયરેક્ટ વાત કરી લઉં.”
ઈન્સપેક્ટર સાહેબે બદરી નારાયણ પાસે ફોન નંબર લઈને ‘જીઓ’ના સાહેબને લખાવ્યો ત્યારે એ ખુદ ચોંકી ગયા…
કારણ કે એ નંબર ‘જીઓ’નો હતો ! બોલો, કર્મચારી BSNLનો પણ નંબર ‘જીઓ’ નો!
આખરે ‘સેટલમેન્ટ’ એવું થયું કે ટેલિફોન કંપનીના સાહેબે બદરી નારાયણના ફોનમાં 399નું બેલેન્સ કરાવી આપ્યું… એ શરતે કે એક ન્યુઝ ચેનલનો રિપોર્ટર બદરી કાકાનો ઈન્ટરવ્યુ લઈને આખી ઘટના ટીવીમાં બતાડશે !
જે હોય તે, આખરે બદરી નારાયણ સુંદર લખન ઉર્ફ BSNLને 399ની બોણી તો મળી ?
એ દિવસે આખો દહાડો એક ન્યૂઝ ચેનલ પર આ ન્યૂઝ ચાલતા રહ્યા કે " કર્મચારી BSNLના... પણ કાર્ડ રાખે છે Jio નું... બોણી ન મળતાં શો-રૂમ પર કાઢ્યો ગુસ્સો..."
- મન્નુ શેખચલ્લી
email. mannu41955@gmail.com
Comments
Post a Comment