ચૅવડાનું અનુસંધાન.... (નવી હાસ્યકથા )


હાસ્યકથા

“હવે આનું અનુસંધાન લાંબુ નીકળવાનું…”

બિચારો મનસુખ છાપામાં નોકરી કરતો હતો. એને જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ કાબૂ બહાર જતો દેખાય ત્યારે તે મનમાં (મોટેથી) બબડતો : “આનુ અનુસંધાન લાંબુ નીકળવાનું !”

બિચારા મનસુખની નોકરી પણ એવી જ હતી ! અનુસંધાનો સંભાળવાની !

પહેલા પાનાનું અનુસંધાન અગિયારમા પાને, છેલ્લા પાનાનું અનુસંધાન આઠમે પાને, બીજા પાનાનું અનુસંધાન છઠ્ઠા પાને…. આ બધું ચેક કરવાનું એનું કામ હતું. પણ સ્વભાવ પહેલેથી જ ગભરાટિયો એટલે રોજ કંઈના કંઈ લોચા વાગી જાય.

પહેલા પાને જે રેલ્વે અકસ્માતમાં 58 જણા મરી ગયા હોય તેનું અનુસંધાન ભૂલથી બીજા પાનાના અનુસંધાનમાં મુકાઈ જાય એટલે બિચારી લાશો રેલ્વેના પાટાને બદલે ઉઘાડી ગટરમાંથી મળી આવે ! છેલ્લા પાને પોલીસખાતાની બદલીઓનું, અધિકારીઓના નામો સાથેના લિસ્ટનું અનુસંધાન, આઠમા પાને કાઢવાને બદલે છઠ્ઠા પાને હેલ્થખાતાએ પાડેલા દરોડામાં ભેળસેળ કરતા વેપારીઓનાં નામો સાથે જોડાઈ જાય !

એ તો સારું, કે વાચકો બધું જાતે શોધી લે અને જાતે જ સમજી જાય. વળી, છાપાનો ફેલાવો પણ એવો મોટો નહિ કે મનસુખની ભૂલોના આખા ગામમાં ધજાગરા થાય. આમ કરતાં કરતાં મનસુખની સાત વરસની નોકરીમાં પણ ત્રણ અનુસંધાનો નીકળી ચૂકેલાં. (યાને કે મનસુખની પણ ત્રણ નોકરીઓ બદલાઈ ગઈ હતી.) એમાં છેલ્લામાં છેલ્લું અનુસંધાન સુખદ નીવડ્યુ કારણ કે બે વરસ પહેલાં મનસુખના લગ્ન મનિષા જોડે થયાં.

ના, મનિષા કંઈ છાપામાં નોકરી નહોતી કરતી પણ એની એક ‘ડીપ એમ્બિશન’ હતી કે છાપાની કોઈ પૂર્તિમાં એની અવનવી વાનગીઓની કોલમ છપાતી હોય.

આમ તો મનસુખ પણ કંઈ એવો હેન્ડસમ નહિ અને મનિષા પણ કંઈ મોટી ‘કોઈરાલા’ નહિ, છતાં મનિષાએ મનસુખને મેરેજ માટે ‘હા’ પાડી. એમાં ‘મનસુખની છાપાની નોકરી છે’ એ વાત મોટો ભાગ ભજવી ગયેલી.

લગ્ન પછીનું અનુસંધાન એવું નીકળ્યું કે મનસુખને જે નવા છાપામાં નોકરી લાગી ત્યાં પૂર્તિનું કામ સંભાળવાનું આવ્યું. અહીં પણ કામ તો અનુસંધાનનું જ, છતાં મનસુખના અનુસંધાનોને લીધે ઘણીવાર લેખકોને વાહવાહ મળી જતી હતી.

દાખલા તરીકે, એક ગંભીર પ્રકારના હાસ્યલેખના અનુસંધાનમાં મનસુખે એક તત્વ-ચિંતનની કોલમનું લખાણ વળગાડી દીધું હતું ! એ વખતે વાચકોના દોઢ ડઝન ઈ-મેઈલ આવ્યા હતા કે પેલા હાસ્યલેખમાં પાછળથી સખત હસવું આવી ગયું !

બીજી એકવાર એક ખતરનાક ક્રાઈમ સ્ટોરીનું અનુસંધાન કાપીને બીજા પાને ચોંટાડવા જતાં સૌથી મહત્વનો ફકરો જ ગાયબ થઈ ગયેલો ! તે વખતે પણ વાચકોની દાદ આવી હતી કે “વાહ ! રહસ્ય તો છેલ્લે સુધી અકબંધ રહ્યું… હવે આવતા સપ્તાહે શું થશે ? રાહ જોવાની અધીરાઈ રોકી શકાતી નથી.”

જોકે આ વખતે મનસુખના ટેન્શનનું કારણ જુદું હતું. દિવાળી આવી રહી હતી. મનસુખની પત્ની મનિષાએ આ વખતે નક્કી કર્યું હતું કે “બહારથી તૈયાર ફરસાણ તો મંગાવવું જ નથી. હું જાતે આ વખતે એક જોરદાર ફેન્સી આઈટમ બનાવવાની છું !”

આ સાંભળીને મનસુખ મનમાં (ધીમેથી) બબડ્યો હતો : “આનું અનુસંધાન લાંબુ નીકળવાનું…” પણ પછી જ્યારે અનુસંધાન નીકળ્યું ત્યારે મનસુખને તમ્મર આવી ગયાં. કારણ કે મનિષાએ ક્યાંકથી ગુગલ-બ્યુગલમાં સર્ચ મારીને કોઈ ‘મેક્સિકન હાઈ-કેલેરી લો-કોલેસ્ટ્રોલ ચોમ્પ-ચોમ્પ ચેવડા’ની રેસિપી શોધી કાઢી હતી !

મનસુખનાં હવે રોજ અનુસંધાનો નીકળવા માંડ્યાં ! કારણ શું, કે મનસુખની છાપાની નોકરી બપોરે 2 થી રાત્રે 9 સુધીની. સવારે એ નવરો. એટલે મનિષા તેને પેલા ચેવડાની સામગ્રીઓ લેવા બજારમાં મોકલાવે. અને સામગ્રીઓ પણ કેવી ?

બહુ ખાટી નહિ છતાં સ્હેજ તીખી એવી ઝીણી સેવ 75 ગ્રામ, મગની ડાર્ક ફોતરાવાળી દાળ, કાબુલી ચણા છાલ વિનાના 65 ગ્રામ, કુદરતી ગુંદર પોચો 10 ગ્રામ, નૈસર્ગિક રીતે બનાવેલો ગોળ 95 ગ્રામ, ખડીસાકરના મોટા નહિ અને નાના નહિ એવા 22 ગાંગડા, કાળા તલ (નાના) 25 ગ્રામ, સફેદ તલ (મોટા) 35 ગ્રામ, સૂકવેલી લીલી ચ્હાની પત્તી 15 ગ્રામ, લીલી મોટા દાણાવાળી તાજી વળિયારી સ્વાદઅનુસાર… આવી તો ટોટલ 32 આઈટમો હતી !

હવે તમે જ કહો, કોઈ કરિયાણાની દુકાનવાળો કંઈ સોનીનાં ત્રાજવાં લઈને થોડો બેઠો હોય કે મનસુખને 65 ગ્રામ, 75 ગ્રામ, 10 ગ્રામ અને 95 ગ્રામ એવું જોખીને આપે ? એ તો એમ જ કહે ને કે “ભઈ, 150 ગ્રામથી ઓછું કંઈ નહિ મળે !” એમાંય વળી પેલી બહુ ખાટી છતાં સ્હેજ તીખી એવી ઝીણી સેવ કંઈ 150 ગ્રામ મળે ? એ તો કમ સે કેમ 250 ગ્રામ લેવી પડે ને ?

આમ કરતાં કરતાં મનસુખના મગજમાં અનુસંધાનનું લિસ્ટ લાંબુ જ થતું ચાલ્યું… ‘સાલું, કાં તો મનિષા પાંચ દસ કિલોનો ચેવડો બનાવે તો થાય, નહિતર આ બધુ અનુસંધાન પસ્તીમાં જવાનું !’

બિચારો મનસુખ ચાર દહાડા આંટા ફેરા કરીને બધું લઈ આવે, ઉત્સાહી મનિષા ગુગલ-બ્યુગલમાં રેસિપી વાંચીને ‘હાઈ કેલેરી લો-કોલેસ્ટ્રોલ ચોમ્પ-ચોમ્પ મેક્સિકન ચેવડો’ બનાવે… અને પછી મનસુખને ચખાડે ! “જોને, કેવો બન્યો છે ?” મનસુખ બિચારો શું કહી ? જોડણીની ભૂલ હોય તો હજીયે બિચારો શોધી કાઢે શકે પણ આ રેસિપીમાં શી રીતે ભૂલ કાઢે ?

પછી જ્યારે મનિષા જાતે પેલો ‘મેક્સિકન હાઈ-કેલેરી લો-કોલેસ્ટ્રોલ ચોમ્પ-ચોમ્પ’ ચાખે ત્યારે એનું મોં ચિમ્પાન્ઝિની સગી બહેન જેવું થઈ જાય ! “હાય હાય ! કેમ આવું થયું ?”

બીજા દિવસે તે ભૂલ શોધી કાઢે. “એમાં શું થયું કે, ઇંગ્લીશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવામાં મેં ભૂલ કરી, મરીને બદલે ઈલાયચી લઈ લીધી હતી…. લો, હવે આ જે ચેવડો બની ગયો એનું શું કરીશું ?”

“અનુસંધાન…” મનસુખ બિચારો મનમાં (મોટેથી નહિ ધીમેથી, ડરતાં ડરતાં) બબડતો : “આનું અનુસંધાન લાંબુ નીકળવાનું !” મનસુખના અનુસંધાન મુજબ ઓલરેડી 2500 રૂપિયાની 5.75 કિલો જેટલી સામગ્રી ત્રણ ટ્રાયલમાં વપરાઈ ચૂકી હતી. એને થતું હતું “યાર, દિવાળીમાં જે મહેમાનો આવશે એ તો દળદાર દિવાળી અંકમાંથી જે રીતે વાચકો ચારેક લેખ ઉપર ઉપરથી ચાખીને આખો અંક બાજુમાં મુકી દે છે એમ તારો ચોમ્પ-ચોમ્પ ચેવડો પણ ચાખવા પુરતો જ ખપશે. પછી જે અનુસંધાન વધશે એનું શું ?”

એક રાત્રે મનસુખ નોકરીએથી પાછો આવીને જુએ છે તો બિચારી મનિષાની આંખો રડી રડીને લાલઘુમ. “શું થયું ?” મનિષા રોતલ અવાજે બોલી “આપણાં શશીવંદના માશી એમણે જાતે શોધેલી રેસિપીથી બનેલો કેવડાનો ચેવડો ચાખવા આપી ગયાં ! હવે મારી શી ઈજજ્ત રહેશે ?”

મનસુખે એ કેવડાનો ચેવડો ચાખી જોયો. સાલો, હતો તો ગજબનો ! પણ હવે ? બિચારી મનીષાની આટલી મહેનતનું શું ? છેવટે બજારમાંથી ફલાણાબાઈ ઢીંકણાસ્વરૂપ મહિલા ગૃહઉદ્યોગનો જ કોઈ ચેવડો લાવવો પડશે ને ? બિચારા મનસુખને સપનામાં ય કોઈ અનુસંધાન બેસતું નહોતું.

પણ બીજે દિવસે ચમત્કાર થયો. મનસુખ નોકરીએથી પાછો આવ્યો કે તરત મનિષાએ તેને એક ડીશમાં કાઢીને ચેવડો ચખાડ્યો. મનસુખ તો પહેલી ચમચી મમળાવતા જ રાજી રાજી થઈ ગયો ! “વાહ ! કેવી રીતે બની ગયો ?”

મનિષાએ ધીમે અવાજે કાન પાસે મોં લાવીને કીધું “એ તો ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લીધો !”

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Ab Kya misal du
    Me tumahre chevde ki

    ReplyDelete
    Replies
    1. બસ, આવી જાવ ચેવડો ખાવા !

      Delete
  2. ચેવડા એ બેવડા વાળી દીધા. બહુ સૂક્ષ્મ હાસ્ય-સભર કટાક્ષિકા.

    ReplyDelete

Post a Comment