ત્રણનો તરખાટ !!


આજે અમે તમને કેટલીક મહામૂલી સલાહો આપવાના છીએ. ધ્યાનથી વાંચજો અને લિન્ક સાચવીને રાખજો.

***

ત્રણ કામો ત્રણ સ્થિતિમાં કદી ના કરવાં.

(1) તમે નશામાં હો ત્યારે કદી કોઈને વચન ના આપવું.

(2) તમે ગુસ્સામાં હો ત્યારે કદી કોઇને સામો જવાબ ના આપવો.

(3) અને તમે ઉતાવળમાં હો ત્યારે કદી કોઈને છુટ્ટા ના આપવા !

***

ત્રણ સંબંધોની સચ્ચાઈ ત્રણ સ્થિતિઓમાં
પરખાઈ જાય છે.

(1) સંતાનનો સાચો સંબંધ ઘડપણમાં ખબર પડે.

(2) દોસ્તીનો સાચો સંબંધ તમારી મુસીબતમાં ખબર પડે. અને…

(3) ગર્લ-ફ્રેન્ડનો સાચો સંબંધ તમારી કડકી ચાલતી હોય ત્યારે જ ખબર પડે !

***

ત્રણ ટાઈપના લોકોને ત્રણ ટાઈપની સ્થિતિથી કશો ફેર પડતો નથી

(1) નેતાઓને ધરપકડથી કશો ફેર ના પડે.

(2) સરકારી તંત્રોને ટીકાઓથી કશો ફેર ના પડે.

(3) અને કડકાઓને ઉઘરાણીથી કશો ફેર ના પડે !

***

ત્રણ ટાઈપના ધંધા ત્રણ જગાએ ના કરાય

(1) ટુંડ્ર પ્રદેશમાં બરફ વેચવા ના જવાય.

(2) રણમાં જઈને રેઈનકોટની દુકાન ના ખોલાય. અને…

(3) શરાબખાનામાં જઈને દૂધની કોથળીઓ વેચવા ના બેસાય !

***

માણસ ત્રણ આદત કદી છોડી શકવાનો નથી.

(1) ટ્રાફિક પોલીસ ના હોય ત્યારે રેડ સિગ્નલ તોડવાની આદત.

(2) બારી પાસે બેઠા હોઈએ તો મસાલાની પિચકારી મારવાની આદત. અને…

(3) નવરા પડ્યા નથી કે મોબાઈલ મચડવાની આદત !
શકે.

***

મહિલાઓ પણ ત્રણ આદતો કદી નહિ છોડી શકે

(1) જ્યાં અરીસો દેખાય ત્યાં ડોકીયું કરીને જોઈ લેવાની આદત.

(2) હું કેવી લાગું છું… ? એવું સતત વિચાર્યા કરવાની આદત. અને…

(3) ‘સેલ’નું પાટિયું જોયું નથી કે ત્યાં પહોંચી જવાની આદત !

***

અને બોલો, દુનિયામાં એવી કોઈ ત્રણ વસ્તુઓ છે જે રાતોરાત કરોડપતિને રોડપતિ તથા રોડપતિને કરોડપતિ બનાવી શકે છે ?

જવાબ : ‘તીન’ પત્તી !

***

- મન્નુ શેખચલ્લી

Comments