હાલમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કે બીજું કંઈક રાખવાની વાતો ચાલી રહી છે. અમારો એની સામે ‘સૈધ્ધાંતિક’ વિરોધ છે !
જે રીતે સામ્યવાદ, મૂડીવાદ કે રાષ્ટ્રવાદ એ ખાસ પ્રકારની વિચારધારાઓ છે એ જ રીતે અમદા‘વાદ’ પણ ચોક્કસ સિધ્ધાંતોને વરેલો છે ! એને શી રીતે બદલી શકાય ?
જુઓ, અમારા અમદા‘વાદ’ના સૈધ્ધાંતિક નમૂના…
***
આખી એક ચાને બદલે અડધાની યે અડધી એવી ચાર ‘પા’ ચા મંગાવીએ તો જોડે પ્લાસ્ટિકના ચાર કપ ‘ફ્રી’ મળે છે એવી પણ ગણત્રી કરવી…
એને કહેવાય ઈકોનોમિક્સ ઓફ અમદા…‘વાદ’!
***
ફાફડા સાથે ચટણી, દાળવડા જોડે તળેલાં મરચાં અને ઈડલી સાથે સંભાર ફૂલ ક્વૉન્ટિટીમાં જ હોવો જોઈએ ! ભલે ને ઓર્ડર માત્ર 100 ગ્રામનો કેમ ના હોય…
- આ છે વિચારધારા ઓફ અમદા…‘વાદ’ !
***
રેડ સિગ્નલ ગ્રીન થાય કે તરત સૌથી પહેલાં નીકળીને પુરી 90 સેકન્ડ સુધીની રેસમાં ‘ભલભલાને પાછળ રાખી દીધા’ એવી થ્રિલ એન્જોય કરવી…
- એ છે લાઈફ-સ્ટાઈલ ઓફ અમદા…‘વાદ’ !
***
માત્ર પોતાના જ નહિ, પણ બીજાના પૈસા શી રીતે બચાવી શકાય એની સતત ટિપ્સ આપતા રહેવું…
- એ છે ફિલોસોફી ઓફ અમદા…‘વાદ’ !
***
છતાં, ફ્રેન્ડ સર્કલ સાથે રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવતી વખતે “હું આપું છું… ના ના, હું આપું છું…” એવું કહેતાં કહેતાં પાકિટ તો કાઢવું પણ અંદરથી ઝટ પૈસા કદી ન કાઢવા…
- આ છે પ્રેક્ટિકલ્સ ઓફ અમદા…‘વાદ’ !
***
સામેવાળાનું ધંધામાં કે શોપિંગમાં નુકસાન થયું છે એ જાણી લીધા ‘પછી જ’ કહેવું કે યાર, મને ‘પહેલાં’ કહેવું’તું ને ! તમારા પૈસા બચી જાત…
- આ છે થિયરી ઓફ અમદા…‘વાદ’ !
***
દારૂ સંતાઈને પીવો પણ એનું પ્લાનિંગ કેવી રીતે કર્યું, કેવી મઝા આવી અને કેટલી ‘કોસ્ટ’ આઈ… એનું ડિસ્કશન ‘જાહેરમાં’ કરવું !
- એ જ તો છે કલ્ચર ઓફ અમદા…‘વાદ’ !
***
અને ટાઈમપાસ કરવા માટે તમામ વાદ-વિવાદ કરી લીધા પછી છેલ્લે ઊભા થતાં કહેવું : “હશે ત્યારે… આપડે સું ?”
- એને કહેવાય ડેમોક્રેસી ઓફ અમદા…‘વાદ’ !
- મન્નુ શેખચલ્લી
very nive & comedy article!
ReplyDelete