"સરદાર"ની રિ-મેક આજે બને તો?


ફિલ્મી, વેરી ફિલ્મી..

બિચારા કેતન મહેતાને છેક 1994માં શું સુઝ્યું હશે તે એમણે સરદાર વલ્લભભાઈ પટેલની લાઈફ ઉપર ‘સરદાર’ નામની જે ફિલ્મ બનાવી તે ભવ્ય, મનોરંજક અને ડ્રામેબાજીથી ભરપૂર રાખવાને બદલે ઐતિહાસિક સત્યો, તથ્યો અને વાસ્તવિક્તાથી ભરેલી સાચુકલી બાયોપિક બનાવી નાંખી !

જોકે એમાં કેતનભાઈનો પણ શું વાંક ? એ જમાનો જ એવો હતો… મેકિંગ ઓફ મહાત્મા, બોઝ : ધ અનટોલ્ડ સ્ટોરી અને ડૉ. ભીમરાવ આંબેડકર જેવી ઓથેન્ટિક (કૌંસમાં બોરિંગ) ફિલ્મો બનતી હતી !

હવે તો બાયો-પિક ફિલ્મોમાં ક્રાંતિ આવી ગઈ છે. ખાસ કરીને ‘સંજુ’ પછી ! કોઈપણ કપોળકલ્પિત વારતાને કોઈપણ જીવતા કે મુએલા પાત્રો ઉપર વળગાડી દો એટલે બાયોપિક તૈયાર !

હવે વિચારો, જો આજના જમાનામાં સરદાર વલ્લભભાઈ પટેલની બાયો-પિક બને તો કેવી કેવી બને ?...

***

કરણ જોહરની ‘સરદાર’

કરણ જોહર કોઈપણ જૂની ફિલ્મના રિ-મેક રાઈટ્સ લઈને તેને ‘અપગ્રેડ’ કરી નાંખે છે ! ‘ડોન’નો વિજય સાત ચોપડી પાસ નહિ, ગ્રેજ્યુએટ હોય ! ‘જંજીર’નો ઈન્સપેક્ટર ઝનૂની નહિ સ્ટાઈલીશ હોય ! ‘અગ્નિપથ’નો હીરો જમાનાથી દાઝેલો નહી પણ રોતલ હોય ! અને ‘ઈત્તેફાક’માં તો મર્ડર પણ સ્ટાઈલથી થાય !

જો કરણ જોહર ‘સરદાર’ની રિ-મેક બનાવે તો આપણે પરદા ઉપર સતત ઠાઠ જ જોયા કરવાનો ! ’40 અને ’30ના જમાનાની ભવ્ય વિન્ટેજ કારો, બ્રિટિશરોના હાઈલી સ્ટાઈલાઈઝ્ડ સૂટ, જાજરમાન ગોરી મેડમો, આજે લાખો રૂપિયાની કિંમત ઉપજે એવી મોંઘી શેમ્પેઈનની બાટલીઓ, ગાર્ડન પાર્ટીઓ, આર્મીના વિમાનો, ખાદી-સિલ્કની ભારે ભારે સાડીઓ, ફૂગ્ગાવાળાં બંગાળી બ્લાઉઝો, ચળકતું નહેરુ-જાકિટ, આર કરેલાં ધોતિયાં અને ઈસ્ત્રી કરેલી ગાંધી-ટોપીઓ જ જોયા કરવાની !

અને વલ્લભભાઈ પટેલ કોણ હોય ? નેચરલી, શાહરૂખ ખાન જ હોય ને ! ગરદન ત્રાંસી કરીને એ ચીતરી ચડે એવું ગુજરાતી બોલતો હોય “હેએય ઝીના ! આ બધુ બટવારુ પટવારું સું છે ? ઉં ? તમને પાર્ટીશન જોવે ચે ના ? ચાલો, હાર્ડ-બોર્ડનું કરી દઈસ, ઓકે?”

***

અનુરાગ કશ્યપનું ‘સર-ડી’

અનુરાગ કશ્યપને બાયોપિક્સ ફાવતી નથી. કોઈપણ જુની ક્લાસિક સ્ટોરીની ‘ઇન્ટરપ્રિટેશન’ના બહાને પથારી ફેરવી નાંખવામાં જ અનુરાગ કશ્યપની માસ્ટરી છે.

દેવદાસને એ ડ્રગ એડિક્ટ ‘દેવ-ડી’ બનાવી નાંખે ! રામન રાઘવનની વાર્તા કહેવાને બહાને પોલીસ ઇન્સપેક્ટરને જ મેનિયાક બનાવી નાંખે ! એ હિસાબે અનુરાગ કશ્યપ ‘સરદાર’ની વારતાનું શું કરે તે તો ખુદ અનુરાગ કશ્યપ જ કહી શકે !

કદાચ એવું બને કે એની ફિલ્મમાં લોર્ડ માઉન્ટબેટન રિટાયર થયેલો નેવીનો ઓફિસર હોય જે મુંબઈનો બહુ મોટો ડ્રગ્સ-કિંગ હોય ! એની પત્ની એડવિના ‘હવસની ડાકણ’ હોય ! જેને રોજ સાંજ પડે ને એક નવો જુવાનિયો જોઈતો જ હોય !

એડવિનાનો  પરમેનેન્ટ શિકાર ‘જે. મોતીલાલ’ નામનો કાશ્મીરી છોકરો છે. પણ એનો ગુજરાતી દોસ્ત ‘વી. પટેલ’ હવાલદાર બનીને આવે છે... અને આખા અડ્ડામાં ડંડાવાળી, બોમ્બવાળી અને પેટ્રોલના ટેન્કરોનાં ધૂમધડાકાવાળી કરીને બધું તહસ-નહસ કરી નાંખે છે !

એન્ડમાં ‘ડ્રગ-લોર્ડ’ માઉન્ટબેટન ભાગીને કરાંચી જતો રહે છે… જ્યાં લેડી માઉન્ટબેટન કોઈ ‘Z.E.E.ના’ નામના નવા છોકરાને ફસાવે છે !

અને હા, ફિલ્મમાં ‘ટ્રિબ્યુટ’ તરીકે એક્ઝેક્ટલી 1947 અપશબ્દો હશે !

***

સંજય લીલા ભણશાળીની ‘ધ નિઝામ એન્ડ ધ સરદાર’

આપણા સંજયભાઈને કંઈ તિરંગા, લાઠીચાર્જ, સત્યાગ્રહ, ઉપવાસ, બકરીનું દૂધ… એવું બધું ફાવે જ નહિ ને !

એટલે એ વલ્લભભાઈ પટેલના ઈતિહાસનું સૌથી ભવ્ય પ્રકરણ શોધી કાઢશે ! એમણે હૈદરાબાદના નિઝામને કેવો સાત દિવસનો લશ્કરનો ઘેરો ઘાલીને ઘૂંટણીયે પાડેલો ?

ઠાઠમાઠ બતાડવાના શોખીન સંજયભાઈ આખી સ્ટોરીને હૈદરાબાદના નિઝામના એંગલથી કહેશે ! જેથી મહેલોનાં ભવ્ય સેટિંગ્સ, મુજરા, નાચ-ગાના, ઢાલ, તલવારો, ઘોડા, ઉંટ, ઘોડા, હાથી એવું બધું જ બતાડ્યા કરશે.

છેવટે સરદાર વલ્લભભાઈ આવીને એક ગુજરાતીની જેમ હિસાબ ગણીને નિઝામને સમજાવશે કે બકા, આ લડાઈ કરવામાં તને કેટલી મોટી ખોટ જશે ? એનાં કરતાં સાલિયાણામાં વધારે નફો છે !

હૈદરાબાદનો નિઝામ સ્વભાવે ‘કંજુસ’ હોવાથી માની જાય છે, બોલો.

***

રાજકુમાર હિરાનીનું સરદાર

કોમેડી, ઈમોશન્સ, ગાયનો અને ડ્રામેબાજીથી ભરપૂર આ ફિલ્મ જોઈને બહાર નીકળનારા બધા જ કહેશે “બિચારો ઝીણા આટલો ભોળો અને નિર્દોષ હતો એની તો આપણને ખબર જ નહીં, હોં !”

- મન્નુ શેખચલ્લી

email.  mannu41955@gmail.com

Comments

Post a Comment