મિસ મિસ-કૉલ (હાસ્યકથા)


સાવ અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો. અડધી રીંગ વાગી, ન વાગી, ત્યાં કટ થઈ ગયો.

અડધી મિનિટ પછી ફરી એ જ નંબર ઉપરથી કોલ આવ્યો. મિતુલ ફોન ઉપાડે એ પહેલાં તો કટ !

ત્રીજી વાર રીંગ વાગી કે તરત મિતુલે ઉપાડી લીધી. સામેથી રૂપાની ઘંટડી જેવા મીઠ્ઠા અવાજે કોઈ છોકરી બોલી ઊઠી:

“હલો, મને ખબર છે કે તમે મને ઓળખતા નથી… હું ય તમને નથી ઓળખતી ! પણ પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ, તમને મને આ નંબર પર ફોન કરો ને ? હું… હું… એકદમ ફસ્સઈ ગઈ છું અને ફોનમાં બેલેન્સ પણ નથી !”

ફોન કટ થઈ ગયો. કોઈપણ છોકરી જેને ‘મામુ’ બનાવવા માગે એવો બાઘા જેવો દેખાતો મિતુલ છોકરીના અવાજથી હલી ગયો. પેલીના ફોનમાં બેલેન્સ નહોતું અને અહીં આ ભઈના મગજમાંથી બેલેન્સ જતું રહ્યું !

બેલેન્સ તો જાય જ ને ? જે મિતુલનો વરસમાં એક જ દિવસે, રક્ષાબંધનના દિવસે, ભાવ બોલતો હોય, એને માત્ર ‘મામો’ બનાવવા ખાતર, સોસાયટીની અને કોલેજની નવરી છોકરીઓ રાખડી બાંધી જતી હોય… એની ઉપર આવો ફોન આવે તો બિચારો મિતુલ ‘હેલ્પલાઈન’ જ બની જાય ને ?

હલી ગયેલું બેલેન્સ પાછું જાળવીને મિતુલે ફોન લગાડ્યો. સામેથી તરત જ અવાજ આવ્યો.

“થેન્ક્યુ હોં ! થેન્ક યુ વેરી મચ ! એકચ્યુલી શું છે, હું છું મહેસાણાની. અહીંયાં અમદાવાદમાં ભણતી મારી બહેનપણીઓને મલવા આઈ તી, પણ એ બધી તો એમના ફ્લેટને લોક મારીને કંઈ માઉન્ટ આબુ બાજુ ફરવા જતી રહી છે ! હવે, હું તો મારા મમ્મી પપ્પાને એમ કઈને આઈ છું કે બે દહાડા અમદાવાદમાં બહેનપણીઓ જોડે જ રે’વાની છું… એટલે, મિન્સ કે, હું પાછી જ જતી રે’વાની હતી, પણ મારું પર્સ ચોરઈ ગયું ! બોલો !”

મિતુલ શું બોલે ? પેલી બાજુ ‘હેલ્પલાઈન’ ચૂપ થઈ ગઈ કે શું, એમ વિચારીને છોકરી “હલોઓ… હલો, સાંભળો છો?” એવું બોલી કે તરત મિતુલ જાગ્યો. “હા… સાંભળું છું.”

“થેન્ક્યુ હોં…” પેલીનો શ્વાસ હજી હેઠો નહોતો બેઠો

“હું એવી ફસ્સઈ ગઈ છું ને… મમ્મી-પપ્પાને ફોન કરું તો મોબાઈલમાં બેલેન્સ બી કરાઈ આપે, પણ પછી મારી ઈમ્પ્રેસન કેવી પડે ?.... મારુ પર્સ ચોરઈ ગયું એ વાત તો માની લે, પણ મારી જે બહેનપણીઓ આબુ જતી ર’ઈ છે એને ફોન લગાડે તો ? હું તો ખરેખર ફસ્સઈ ગઈ છું, ભઈ…”

છોકરીએ મિતુલને ‘ભઈ’ કહ્યું કે તરત મિતુલનું સ્વાભિમાન જાગી ઉઠ્યું. “સાલું, સાવ અજાણી છોકરીનો પણ હું ભઈ જ ?” એણે તરત કહ્યું “તમે ચિંતા ના કરશો. હું હમણાં જ તમારા મોબાઈલમાં બેલેન્સ કરાવી દઉં છું.”

“બહુ ના કરાવતા હોં ? ખાલી 40-50નું જ કરાવજો… કારણકે બીજી કંઈ હેલ્પની જરૂર પડશે તો મારે તમારી જોડે જ વાત કરવાની ને ? બીજાને કોઈને તો હું ઓળખું નંઈ…”

“ના ના, અજાણ્યાની મદદ કરવી એ તો માણસની ફરજ છે ને ! હું હમણાં જ બેલેન્સ કરાવી દઉં છું… અને…” મિતુલે હિંમત કરીને કહી નાંખ્યું. “બીજી કોઈ બી હેલ્પને જરૂર હોય તો કહેજો, હોં ?”

“ના બસ, અહીં રાણીપ બાજુ મારા એક મામા રહે છે. હું એમના ઘેરે જતી રહીશ.”

‘મામા’ શબ્દ સાંભળીને મિતુલની જીભનો સ્વાદ અચાનક કડવો થઈ ગયો.

પેલીએ ‘થેન્કયુ’ કીધું… મિતુલે ‘વેલકમ હોં’ એવું કીધું… ફોન પતી ગયા પછી એણે 50નું બેલેન્સ કરાવી આપ્યું… સામેથી Thanksનો મેસેજ પણ આવી ગયો… અને મિતુલ અહીં બેઠો બેઠો પોતાના કપાળમાં મોબાઈલ પછાડી રહ્યો છે કે “સાલા, નામ બી ના પૂછ્યું ?”

સાંજે છ વાગે આવેલા ‘મિસ મિસ-કોલ’ના એ ફોન પછી બે કલાક વીતી ચૂક્યા હતા.

આ બે કલાકમાં મિતુલને બાવીસ વાર એવો વિચાર આવી ગયો હતો કે “કેમ છો, સેફ તો છો ને?” એવું પૂછવાને બહાને પેલીને ફોન કરીને એનું નામ પૂછી લે… પછી તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ… બધું છે જ ને ! પરંતુ સ્વભાવે જન્મજાત ‘મામૂ’ એવા મિતુલની હિંમત જ ચાલી નહિ.

અચાનક આઠ વાગે ફોન આવ્યો.

“હલો ! સોરી હોં ! પણ શું કરું ? હું તો હવે ખરેખર ફસ્સઈ ગઈ છું… રાણીપમાં મેં મારા મામાનું ઘર બહુ શોધ્યું, પણ મળ્યું જ નહિ. મારી જોડે એડ્રેસ તો હતું, પણ એ તો પર્સમાં ગયું… હવે હું શું કરું ? ક્યાં જઉં ? કમ સે કમ આજની રાત તો મારે અમદાવાદમાં કાઢવી જ પડે, પણ…”

“તમે બિલકુલ ચિંતા ના કરો. તમે તમારું લોકેશન મને મોકલી આપો. હું જાતે જ ત્યાં પહોચું છું. અજાણ્યાની મદદ કરવી એ તો-”

“એ તો બરોબર, પણ જોડે થોડા પૈસા લેતા આવજો હોં ? કદાચ કોઈ હોટલમાં રહેવું પડે… અને સાંભળો, તમે મને ઓળખશો કઈ રીતે ? ઊભા રહો, હું હમણાં જ એક સેલ્ફી પાડીને તમને સેન્ડ કરું છું !”

સેલ્ફી જોઈને તો મિતુલના બત્રીસે કોઠે બસ્સો બસ્સો વોલ્ટના બલ્બ ઝબકી ઉઠ્યા ! આહાહા… શું સેક્સી લાગતી હતી !

મિતુલના શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. એ તરત ઊભો થયો. બાઈકને કીક મારી. ATMમાંથી 7000 રૂપિયા ઉપાડ્યા અને ‘લોકેશન’ પર પહોંચી ગયો.
***

“બોલો, કેવું કહેવાય નહીં ? હજી સુધી મેં તમારું નામ જ નથી પૂછ્યું !”

પેલી ખિલખિલ હસી રહી હતી. મિતુલે પોતાની માવો ખાઈ ખાઈને બગડેલી બ્રાઉન કલરની બત્રીસી બત્રીસી બતાડી. છોકરીનું નામ પણ મેચિંગ હતું… “માયા”!
***

એકાદ કલાક પછી 1500 રૂપિયાના ભાડાવાળી એક ડિસન્ટ લાગતી હોટલના AC રૂમમાં મિતુલ બેઠો હતો. માયા બાથરૂમમાં નહાઈને ફ્રેશ થવા ગઈ હતી.

મિતુલ મિરરમાં પોતાનું ડાચું જોઈને વિચારી રહ્યો હતો કે “સાલી, આ પણ મને રાખડી બાંધીને મામુ ના બનાવે તો સારું..”

ત્યાં તો માયા બાથરૂમમાંથી બહાર આવી. ભીના શરીર ઉપર તેણે એક માત્ર ટુવાલ વીંટાળ્યો હતો.

તેને જોતાં જ મિતુલની આંખો, ટી-શર્ટ અને પેન્ટમાં વીજળીનો જોરદાર સબાકો બોલી ગયો. એ ફાટી આંખે જોઈ રહ્યો હતો ત્યાં માયાએ નજીક આવીને તેના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું “મિતુલ, તું પણ નહાઈને ફ્રેશ થઈ જા ને… તારે કંઈ મોડું તો નથી થતું ને ?”
***

નહાતાં નહાતાં મિતુલના પેલા 200 વોલ્ટના ગોળા 450 વોલ્ટની સ્પોટલાઈટો બની ગયા હતા ! ટુવાલ વીંટીને એ બહાર આવ્યો એ જ ઘડીએ રૂમના દરવાજે ટકોરા પડ્યા ! મિતુલે દરવાજો ખોલીને જોયું તો પોલીસની વર્દીમાં બે કડક ચહેરાવાળા પુરુષો ઊભા હતા !

મિતુલના મોંમાંથી ચીસ નીકળી ગઈ. “મામા, તમે ? અને તમે પોલીસમાં ક્યારથી ભરતી થઈ ગયા ?”
***

....બસ, એ પછી સળંગ અડધા કલાક લગી મિતુલના અસલી મામા અને માયાના નકલી મામા વચ્ચે રકઝક ચાલતી રહી કે આ ‘બાજી’ને ‘ફોક’ ગણવામાં આવે તો રૂમનું ભાડું, હોટલવાળાનું કમિશન, છોકરીની ફી અને એના મામાનો પ્રોફિટ ચૂકવશે કોણ ?

- મિતુલ બિચારો ટુવાલને મુઠ્ઠીમાં પકડીને ચૂપચાપ ઊભો હતો.

 - મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment