#me too પછીની ફિલ્મોમાં...

ફિલ્મી, વેરી ફિલ્મી. . .

#me too નું વાવાઝોડું જે ઝડપે ફિલ્મી દુનિયામાં ફરી વળ્યું છે તે જોતાં અમને લાગે છે કે આવનારી ફિલ્મોમાં આ પ્રકારની સુચનાઓ લખવી પડશે…

***

ફિલ્મની શરૂઆતમાં જ લખેલું આવશે :

“આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઈપણ મહિલાની જાતિય સતામણી થઈ નથી. મહિલાઓને દર્શાવતા તમામ દ્રશ્યોનાં શૂટિંગ વખતે રાષ્ટ્રિય મહિલા આયોગનાં ત્રણ સભ્યોને હાજર રાખવામાં આવ્યા હતાં.”

***

ત્યાર બાદ તરત જ બીજી સુચના હશે :

“આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન હાજર રાખવામાં આવેલાં મહિલા આયોગનાં મહિલા સભ્યોએ જાતે પ્રમાણપત્ર આપ્યું છે કે શૂટિંગ દરમ્યાન અમારી પણ કોઈ જાતિય સતામણી થઈ નથી !”

***

ફિલ્મ ચાલતી હોય ત્યારે પણ સુચનાઓ આવતી રહેશે…

પિતા અથવા કાકાની ભૂમિકા ભજવતો કોઈ કલાકાર જ્યારે તેની દિકરી અથવા ભત્રીજીના ખભે ‘હાથ’ મુકશે ત્યાં પણ સુચના-પટ્ટી આવશે…
“મહિલાના ખભે હાથ મુકતાં પહેલાં જે તે મહિલાની સંમતિ અગાઉથી લીધી છે, હોં !”

***

ફિલ્મનો હિરો તેની માના ખોળામાં લોહીલુહાણ થઈને મરવા પડ્યો હોય ત્યારે સુચના-પટ્ટી આવશે :

“આ દ્રશ્ય દરમ્યાન પુરુષ કલાકારે તેના શરીરના કોઈપણ ભાગ વડે મહિલા કલાકારના શરીરના કોઈપણ ભાગને બદ-ઈરાદાપૂર્વક સ્પર્શ કર્યો નથી. કારણ કે વચમાં ઓશિકું રાખીને શૂટિંગ કરાયું છે !”

***

ફિલ્મમાં કિસીંગનો સીન આવશે ત્યારે તો સ્પષ્ટ સુચના આવશે :

“આ દ્રશ્ય સંપૂર્ણપણે ‘સ્પેશિયલ ઈફેક્ટ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ! શૂટિંગ વખતે, તેની પહેલાં કે તેના પછી છોકરા અને છોકરીના હોઠોનો એકબીજાને સ્પર્શ થયો જ નથી ! ”

***

આજકાલ ફિલ્મોમાં જે સહશયન તથા સમાગમનાં જે દ્રશ્યો જોવા મળે છે તેવા સીન હવે ફિલ્મોમાં આવશે ત્યારે તો અડધો અડધ પરદો ઢંકાઈ જાય એટલી લાંબી સુચના હશે કે

“આ કલાકારો પોતાના જોખમે અને પોતાની મરજીથી આ દ્રશ્ય ભજવી રહ્યા છે !
આની પાછળ ફિલ્મના લેખક, કેમેરામેન, લાઈટમેન, સ્પોટબોય, ફૂડ સપ્લાયર, કાર ડ્રાઈવર, એકાઉન્ટન્ટ, બેન્કર ફીનાન્સર, ચાય વાળો, ભજીયાવાળો, કે પિકચરની ટિકિટ વેચવાવાળો.... (વગેરે વગેરે)નું કોઈ દબાણ કે કાવતરું નથી !”

***

આ સિવાય આખી ફિલ્મમાં છૂટક છૂટક સુચનાઓ પરદા ઉપર દેખાતી રહેશે. જેમ કે…

- વરસાદના આ સીન વખતે ફૂવારા વડે વરસાદ પાડનાર તમામ સ્પોટબોય્ઝની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવી હતી !

- હીરો-હીરોઈનના આ રોમાન્ટિક દ્રશ્યના શૂટિંગ વખતે શુટિંગ-યુનિટના તમામ સભ્યો પીઠ ફેરવીને ઊભા હતા !

- આ દ્રશ્યમાં કેમેરામેને બન્ને આંખો ખુલ્લી રાખી હતી ! (આંખ મારી નહોતી.)

- આ ગાયનમાં પાછળ દેખાતી ડાન્સરોના અર્ધ-નગ્ન પહેરવેશ માટે તેમની સૌની NOC અગાઉથી લીધેલ છે. ચેક કરવું હોય તો અમારી વેબસાઈટ જોઈ શકો છો.

- બળાત્કારનાં દ્રશ્યો તો કોઈની યે હાજરી વિના સર્વેલન્સ કેમેરા વડે ઓટોમેટિક રીતે જ શૂટ થયાં છે !

- અને હા, સોરી, બળાત્કારનું આ દ્રશ્ય પણ એકચ્યુલી તો બે રોબોટ વચ્ચે ભજવાયું છે !

***

જોકે, સૌથી છેલ્લે એક સુચનામાં લખ્યું હશે

“આ ફિલ્મ રિલીઝ થયાના 50 વરસ પછી પણ જાતિય સતામણીની ફરિયાદ કરવાનો સૌ કોઈને હક છે ! All Rights Reserved.”

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Dekh tere insan ki halat
    Kya ho gai Bhagwan———-
    Bapu

    ReplyDelete
    Replies
    1. અરે, આજકાલ તો ઈન્સાનમાં પણ 6 કેટેગરી છે... મેઈલ, ફિમેઈલ, એલ, જી,બી અને ટી !

      Delete
  2. અમદાવાદ, 22 ઓકટોબર, 2018, સોમવાર, અમદાવાદનું "દિવ્ય ભાસ્કર"ના પેજ નંબર 7 પર
    કોલમ ફિલ્મી...વેરી ફિલ્મી મન્નુ શેખચલ્લીનું
    # me too પછી... રિ-મેક ફિલ્મો !
    પ્રકાશિત થયું હતું જે મને જોઇએ છે.
    કૃપયા કરીને મને આપો.

    કૃપા કરીને મને પેજ નંબર ૭ની PDF કે Copy આપવા માટેની વિનંતી કરૂ છું.

    અથવા
    ફકત મને " ફિલ્મોના નામ " બતાવી આપી દો.

    ReplyDelete

Post a Comment