'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું અન-ઓફિશીયલ ટ્રેલર


ફિલ્મી, વેરી ફિલ્મી…

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું ટ્રેલર હજી રિલિઝ થયું ત્યાં તો અમારા મહેસાણાવાળા બકાનો ફોન આવી ગયો :

“મન્નુભાઈ ! ઓમોં પેલા નીરવ મોદી, મેહુલ ચોકશી અન વિજય માલ્યા ને તો ચોંય બતાડ્યા જ નહીં ?”

અમે એને જવાબ આપીએ એ પહેલાં કોન્ફરન્સ કોલમાં આવીને પારડીવાલા પેસ્તનજી બોલી ઉઠ્યા “એમ ટે બઢ્ઢા જ ઠગને બટલાવવા લાગસે તો પિકચર પંડર કલ્લાકનું ઠેઈ જસે, સમજિયો ?”

“પંદર કલાક?” અમે ચોંક્યા પણ પેસ્તનજી કહે:

“કેમ, વિઢાનસભા ને પાર્લામેન્ટના સાડી ચાર હજ્જાર ક્રિમિનલ્સની બબ્બે મિનિટ બી બતલાવે તો પંડર કલ્લાક ઓછા પરે કે નીં?”

***

અમે આવી ડરામણી હોરર-ફિલ્મના વિચારોથી દૂર ભાગવા માગતા હતા એટલે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું મનોરંજક ટ્રેલર ફરીથી જોવા બેસી ગયા… પણ આ શું ? મોબાઈલમાં ‘અન-ઓફિશીયલ’ ટ્રેલર ચાલુ થઈ ગયું…

***

“હેય ! હેય ! યે ખૌન હાય ?” એક અંગ્રેજ બીજા અંગ્રેજને પૂછી રહ્યો છે. “યે ટો મંગલ પાન્ડે લગટા હાય !”

બીજો અંગ્રેજ કહે છે “નહીં નહીં યે ટો વો ભુબન હાઈ ! જો હમ કો હિન્ડી બોલને કો સિકાયા ઠા… ડુગના લગાન ડેના પરેગા !”

“ઓ યેસ !” પહેલો અંગ્રેજ કહે છે “અબ યે ખ્યા કાર રાહા હય ? વોટ ઈઝ હિ અપ-ટુ, નાવ ?”

“આઈ ગેસ, અબ વો ઇન્ડિયા કો ટીસરી બાર આજાડી ડિલાના ચાટા હાય !”

***

“વોટ, ધ હેલ ?” હોલીવૂડમાં બેઠેલો એક પ્રોડ્યુસર આંખમાં કાજળ ઘસીને વિચિત્ર પ્રકારના હાવભાવ કરતા આમિરખાનને જોઈને કહે છે

“યુ લુક લાઈક… ઓ માય ગોડ ! ટુમ ને ટો હમારા કેપ્ટન જેક સ્પેરો કા પુરાપુરા લુક કોપી કિયા હાય!”

આમિરખાન હસીને કહે છે “હાઈલા, તુમને અભી હમારા પોસ્ટર નહીં દેખા હી ? હમ ને તો ટાઈટલ ભી કોપી કિયા હૈ… ફ્રોમ… પાઈરેટ્સ ઓફ કેરેબિયન !”

“ઓવ…. ઓવ… મગર સ્ટોરી કા ટો કોપી નાંઈ કિયા ના ?”

“વો ભી કર સકતે હૈં.” આમિરખાન લૂચ્ચું હસીને કહે છે, “યુ મેક ધી બેસ્ટ પાઈરેટ્સ, બટ વિ મેક ધી બેસ્ટ પાઈરસી !”

***

લાંબી, ભૂખરી, મેલી દાઢીવાળો અમિતાભ ભારે અવાજે કહે છે “મૈં… આઝાદ હું…”

“હાઈલા !” આમિરખાન ખીખી કરતો હસી પડે છે “મગર વો પિક્ચર તો ફ્લોપ હો ગઈ થી !”

“ધ પોઈન્ટ ઈઝ…” અમિતાભ એવું ને એવું ગંભીર ડાચું રાખીને કહે છે “વો ભી હોલીવૂડ કી કોપી થી… મીટ જ્હોન ડો કી… તુમ સંભાલના, હાંય !”

“નકલ સે ડર નહીં લગતા સા’બ….” આમિરખાન સ્ટાઈલમાં ડાયલોગ મારે છે “પબ્લિક કી અકલ સે ડર લગતા હૈ…”

પછી અચાનક હસી પડતાં કહે છે “મગર વો તો હૈ હી નહીં ! અગર હોતી તો 2 રૂપિયે કે પોપકોર્ન કા 200 રૂપિયા થોડી દેતી ?”

“બાય ધ વે….” અમિતાભ એ જ સિરીયસ ડાચું રાખીને પૂછે છે “ટિકીટ કા ભાવ ભી મિનિમમ 200 હી હોગા ના ?”

***

“હું હિસ્ટ્રીમાં જરા કાચી છું પણ…” કેટરીના કૈફ આદિત્ય ચોપરાને પૂછે છે “ભારતને આઝાદી તો 1947માં મળી હતી ને ?”

“હાં… તો ?”

“અને એ પણ અહિંસક લડાઈથી ને ? વળી જે કંઈ બોંબ-ધડાકા વગેરે થયા એ પણ જમીન ઉપર થયા… તો પછી આપણે સમુદ્રમાં શા માટે લડી રહ્યા છીએ?”

“એ જ તો જોવાનું છે !” આદિત્ય ચોપરા કહે છે. “સ્ટોરી એવી છે કે અંગ્રેજો હિન્દ મહાસાગરનું નામ બદલીને ‘બ્રિટીશ મહાસાગર’ કરી નાંખવાના હતા. પણ આપણે એમ ના જ થવા દીધું ! જોયું ? ”

“ઓહો ! મતલબ કે આ ફિલ્મ પણ એક ‘નવો ઈતિહાસ’ રચી રહી છે, રાઈટ ?”

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment