આપણે ગુજરાતી ભાષામાં ઢગલાબંધ અંગ્રેજી શબ્દો અપનાવી લીધા છે… ટેબલ, ફોન, ટિકિટ, કાર, પંચર, કલર, ટીવી, મોબાઈલ…
પરંતુ કેટલાક ઈંગ્લીશ શબ્દો એવા છે જે ખરેખર ‘દિલથી ગુજરાતી’ જ હતા !
***
ફ્રી (FREE)
દરેક ગુજરાતીને સૌથી વધુ ગમતો આ શબ્દ વરસો પહેલાં 3 અક્ષરનો હતો… મ-ફ-ત…!
પરંતુ જ્યારથી એમાં ‘દોઢ ઉપર દોઢ’ની સ્કીમ આવી ત્યારથી આ દોઢ અક્ષરનો ‘ફ્રી’ શબ્દ આપણો સૌથી ફેવરિટ શબ્દ બની ગયો છે.
***
બીપી (B.P.)
અસલી ગુજરાતી ગભરાટીયા સ્વભાવનાં આ લક્ષણ માટે વરસો સુધી આપણે પાસે કોઈ શબ્દ જ ક્યાં હતો ?
હા, વચમાં થોડા વરસ માટે BPનો અર્થ ‘બ્લુ પ્રિન્ટ’ થતો હતો ! પરંતુ જ્યારથી ‘પ્રેશર’ દસમાંથી પાંચ ગુજરાતીને થવા માંડ્યુ ત્યારથી ‘બીપી’ ટોટલી ગુજરાતી શબ્દ બની ગયો છે.
***
એટેક (ATTACK)
આર્મી, આતંકવાદીઓ કે ખુદ અંગ્રેજો માટે જે શબ્દનો અર્થ ‘હૂમલો’ થાય છે એનો અર્થ ગુજરાતીઓ માટે એક જ છે : હાર્ટ એટેક !
હવે તો આ શબ્દ આપણા માટે સ્ટેટસ સિમ્બોલ છે : “મને તો બબ્બે એટેક આઈ ગ્યા છે, બોલો !”
***
પાસ (PASS)
પાસ ગરબાના હોય, બ્રાયન એડમ્સની કોન્સર્ટના હોય, નાટકના હોય કે રેડિયો કોન્ટેસ્ટમાં જીત્યા હોઈએ… પાસ જો VIP હોય તો સોનામાં સુગંધ !
બીજું, ‘પાસ’નો વિરોધી શબ્દ ‘નાપાસ’ ગુજરાતીઓએ જ શોધી કાઢ્યો ને ? એક્ઝામ હોય કે જીવનસાથીની પસંદગી…. ‘પાસ’ અને ‘નાપાસ’ની જ વાત હોય છે.
અને ત્રીજું, ‘એટેક’ પછી શું આવે ? ‘બાય-પાસ’ !
***
શુગર (SUGER)
બિચારા અંગ્રેજો પોતાની પ્રેમિકાને ‘શ્યૂગર’ કહે છે જ્યારે આપણે ડાયાબિટીસ જેવી ખતરનાક બિમારીનું મીઠડું નામ ‘શુગર’ પાડી દીધું !
અને હા, ‘શુગર-ફ્રી’માં પણ સૌથી લોકપ્રિય અંગ્રેજી શબ્દ ‘ફ્રી’ તો જોડાયેલો જ છે. બીજું, ગુજરાતમાં દર ચોથા ગુજરાતીને ‘શુગર’ હોય જ... ફ્રી મળે છે ને !
***
ચેક (CHEQUE)
બીપી અને શુગરનું શું કરવાનું ? ‘ચેક’ કરાવી લેવાનું ! અને પેમેન્ટ ? એ ‘ચેક’ કરતાં ‘કેશ’માં હોય તો વધારે સારું…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment