ગાંધી જયંતિ પછીની ટચૂકડીઓ !


ગાંધી જયંતિ તો ગઈ… પરંતુ તેમના જન્મનું 150મું વરસ ચાલે છે એમાં જાત જાતની ઉજવણીઓ ચાલુ રહેશે. એવામાં આ પ્રકારની ટચૂકડીઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે…

***

લેંઘા-ઝભ્ભા કાઢવાના છે

માત્ર એક જ વાર પહેરેલા, કડક આર કરેલા, ખાદીના લેંઘા-ઝભ્ભા ઓછા ભાવે વેચવા કાઢવાના છે. બેસણાના પ્રસંગમાં પણ પહેરી શકાય તેવાં સ્વચ્છ-સુઘડ લેંઘા-ઝભ્ભા દરેક સાઈઝમાં વેચાતા મળશે. મળો પાર્ટી ઓફિસની પાછળ.

***

ગાંધી-ફોટા ભાડે મળશે

ગાંધીજીના તમામ સાઈઝના લેમિનેશન, ફ્રેમિંગ કરેલા ફોટા સુતરની આંટી અથવા સુખડના હાર સાથે ભાડે મળશે. સામટા 150ના ઓર્ડર ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ. મોટા ઓર્ડરનું આગોતરું બુકિંગ કરાવનારને ‘નોન-સ્ટોપ વૈષ્ણવજન’ની ધૂન પેન-ડ્રાઈવમાં ફ્રી.

***

વેશભૂષાનો રેડી ગાંધી-સેટ

ગોળ ફ્રેમના ચશ્મા, બેબી સાઈઝથી એડલ્ટ સાઈઝની પોતડીઓ, હાથમાં ઝાલવાની લાકડી, પગમાં પહેરવાનાં ચંપલ વગેરે સાથેનો કંપલીટ ગાંધી-સેટ વેશભૂષાના પ્રોગ્રામ માટે ભાડેથી મળશે. (નોંધ : બકરી અવેલેબલ નથી. ટકો-મૂંડો જાતે કરાવી લેવો.)

***

રેંટિયા-મોડલ તથા રેંટિયા-ક્લાસિસ

ફોટા પડાવવા માટે કે 30 સેકન્ડનો વિડીયો ઉતારવા માટે અસલ ઓરિજીનલ જેવા રેંટિયો વર્કીંગ કંડીશનમાં ભાડે મળશે. ન્યુઝ ટેલિકાસ્ટ અથવા જાહેરમાં કાંતી બતાડવા માટે રેંટિયો-કાંતણના ક્લાસિસ ચાલુ છે. રાજકીય નેતાઓ માટે ખાસ ‘હોમ-ટ્યૂશન’ પણ વાજબી ભાવે આપવામાં આવશે.

***

ભવ્ય બાય-બેક સ્કીમ

ખાદી-ભંડારમાંથી ગાંધીજયંતિ નિમિત્તે માત્ર દેખાદેખીમાં કે ફક્ત ફોટો-વિડીયો માટે ખાદીની ચાદરો, પરદા, પિલો કવર, પગલૂછણિયાં, સૂતરની આંટીઓ, રેંટિયો કે ફોટોફ્રેમ વગેરેની ખરીદી કરી લીધી હોય અને જો કામમાં ન લેવાના હો તો એ તમામ સામગ્રી 20 ટકા ડિસ્કાઉન્ટની ‘બાય-બેક’ સ્કીમમાં પાછી લઈ લઈશું. મળો ખાદીભંડારના પાછલા બારણે.

- મન્નુ શેખચલ્લી

 

Comments

Post a Comment