શૅરબજારિયાઓ માટે સુચનાઓ...


આજકાલ શેરબજારનું કરનારાઓની હાલત એક્સિડેન્ટ થઈ ગયેલા સ્વજનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી બહાર બેસીને રાહ જોઈ રહેલાં સગા-વ્હાલાંઓ જેવી છે…

સાલું, સ્હેજ બારણું ખુલે, કોઈ અંદર જાય કે બહાર આવે… અહીં મનમાં ફડક બેસી જાય “ગયા કે શું ?”

આવા શેરબજારીયાઓએ પોતાનું મન શાંત રાખવા માટે કેટલીક સુચનાઓનું પાલન કરવું જરૂરી છે.

***

સુચના : (1)

“ફલાણાના 50ની ઉપર થઈ ગયા”…. “ઢીંકણાના હજી 13 જ છે…” એવું સાંભળીને ટેન્શનો કરવા નહિ. આ ક્રિકેટરોના સ્કોરનો આંકડો પણ હોઈ શકે છે.

***

સુચના : (2)

દિવાળી માટે એક્સચેન્જ ઓફરમાં સસ્તો પડતો હોય એવો ટીવી ખરીદવા શો-રૂમમાં ગયા હો ત્યારે ‘ટીવીના ભાવ’ ઉપર ધ્યાન આપો, સીએનબીસી ચેનલના ભાવ ઉપર નહિં.

***

સુચના : (3)

જેટલી વાર જેટલીને, એટલે કે અરુણ જેટલીને, ટીવીમાં મોં ખુલેલી હાલતમાં જુઓ એટલી વાર ચીસાચીસ ના કરી મુકો… જેટલી સાહેબને પણ બગાસાં આવતા હોય છે !

***

સુચના : (4)

બેસણાંની જાહેરખબરો શાંતિથી વાંચો. પછી આંખો બંધ કરીને ઈશ્વરને યાદ કરીને એનો આભાર માનો કે બોસ, તમે હજી જીવતા છો !

***

સુચના : (5)

ઘરમાં પત્ની અંદરના રૂમમાંથી બૂમ મારીને પૂછે કે “કાઢવાનાં છે ?”… તો ખાલીખોટો કકળાટ ના કરી મુકો. પત્ની કદાચ જુનાં છાપાં કાઢવાનું કહેતી હશે !

***

સુચના : (6)

ડુંગળી ખરીદો ! એના ભાવ ચોક્કસ વધશે ! અને નહીં વધે તો ય શું ? ખાવા તો કામ લાગશે ?

***

સુચના : (7)

શેર સર્ટિફિકેટો ખાવાની કોશિશ કરવી નહીં. ફીક્કાં હોય છે. જરાય નહીં ભાવે !

***

સુચના : (8)

લિફ્ટમેન પાસે જઈને પ્રેરણા લો. કારણ કે એણે તમારા કરતાં વધારે ચડ-ઉતર જોઈ છે !

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment