શૅરબજારનૉ ભિખારી


મુંબઈ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગની બહાર એક આખલાનું પૂતળું છે.

એ સિવાય પણ ત્યાં રસ પડે એવી બે-ચાર બીજી આઇટમો છે. એક તો અહીં પોલીસની નજર ચૂકવીને પુરી-પકોડી, બફવડા વગેરે વેચનારા ફેરિયાઓ આવીને ઊભા રહી જાય છે.

એ ઉપરાંત એક ભિખારી છે...

એ વર્ષોથી અહીં ભીખ માંગવા ઉભો રહે છે. જે સટોડીયાના નસીબ ચમક્યાં હોય તેઓ આ ભિખારીને ખુશ થઈને થોડા વધારે જ રૂપિયા ભીખમાં આપી દે છે.

અને સીધી વાત છે, એ ભિખારીએ અહીં ઉભા રહેવા માટે પોલીસને હપ્તો પણ આપવો પડે છે.

થોડા વરસ પહેલાં પોલીસે આ ભિખારીને કહ્યું, "એય, કલ સે તેરે કુ હપ્તે મેં 500 રૂપિયા જ્યાદા દેના પડેગા."

"કેમ ભાઈ કેમ?"

"કેમ, ક્યા ? સેન્સેક્સ 20,000 કે ઉપર ચલા ગયા ! તેરે કુ ભી જ્યાદા રોકડી હોએંગી ના?"

ભિખારીએ હપ્તામાં 500નો વધારો કરી આપ્યો.

બીજા થોડા વરસ ગયા ત્યાં પોલીસે ફરી ડંડો પછાડ્યો : "એય, અબી હપ્તે મેં ઔર 500 બઢાના પડેંગા।"

"કેમ, કેમ?"  

"કેમ, ક્યા ?  સેન્સેક્સ 30,000 કે ઉપર ચલા ગયા !"

ભિખારીએ હપ્તામાં વધુ 500 રૂપિયાનો વધારો કરી આપ્યા વિના છૂટકો નહોતો.

વળી થોડા વરસ ગયા ત્યાં 2018માં પોલીસે ફરી ભિખારીને ઝાલ્યો. "અબે, તેરી તો ચાંદી હી ચાંદી હૈ !"

"કેમ, શું થયું ?"

"અરે, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 37,000 કે ઉપર ચલા ગયા, ઔર તૂ વહી પુરાના હપ્તા દે રહા હૈ ? અગલે ટાઈમ સે 1000 જ્યાદા લગેંગા..."

ભિખારીએ એ પણ મંજુર રાખ્યું. પરંતુ એ પછી સેન્સેક્સને પનોતી બેઠી. એ ગગડતો ગયો. ભિખારીની પણ આવક ઘટવા માંડી.

દરમ્યાનમાં એક નવો ગુજરાતી પોલીસવાળો આવી ગયો હતો. એણે આવતાંની સાથે જ ધમકી આપી દીધી. "એ ભિખારી, અહીં ઉભા રહેવું હોય તો હજી બીજા 2000 વધારે આપવા પડશે."

ભિખારી રડવા જેવો થઈ ગયો. "ભૈશાબ, એવડો મોટો હપ્તો હું ક્યાંથી આપું ? જોતા નથી, બજારમાં કેવી મંદી છે ?"

"મંદી છે એટલે જ કહું છું !" ગુજરાતી પોલીસે કહ્યું. " તારે અહીં ભીખ ના માંગવી હોય તો હાલતો થા... આ મંદીમાં બીજા 100 નવા ભિખારી અહીં આવીને ઊભા રહેશે !"

- મન્નુ શેખચલ્લી 

Comments

Post a Comment